ક્રાઈમ:ખેડબ્રહ્મા આંગડિયા કર્મચારી પર લૂંટ વિથ મર્ડરમાં ફાયરિંગ કરનાર હત્યારો ઝડપાયો

હિંમતનગરએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મામાં આંગડીયાકર્મીની હત્યા કરી લૂંટ કરવાના પ્રકરણમાં ચાર જણ પકડાયા હતા. - Divya Bhaskar
ખેડબ્રહ્મામાં આંગડીયાકર્મીની હત્યા કરી લૂંટ કરવાના પ્રકરણમાં ચાર જણ પકડાયા હતા.
 • આઠ મહિના અગાઉ ધોળાદિવસે ખેડબ્રહ્મામાં આંગડિયા કર્મીને ગોળી મારી 1.84 લાખની લૂંટ કરી હતી
 • લૂંટ-મર્ડરમાં રેકી કરનાર સહિત વધુ 2 સાગરીતો પકડાયા રિમાન્ડમાં લૂંટના 9ગુના પણ કબૂલ્યા
 • કડી, ડીસા અને પાટડીમાં રૂ. 72 લાખની લૂંટના ત્રણ અનડિટેક્ટેડ ગુનાનો પણ ભેદ ખૂલતાં મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના વધુ બે સાગરીતો પકડાયા
 • કર્મીને આંતરી પૈસા ભરેલા થેલાની લૂંટ કરવા દરમિયાન ફાયરિંગ કરી છરાથી છાતી-પેટના ભાગે જીવલેણ ઈજાઓ કરી હત્યા કરાઇ
 • સુરેન્દ્રનગરની સાવલી પોલીસે આર્મ્સ એક્ટ ના ગુનામાં પકડેલા મહેશ ઉર્ફે મહિપતસિંહને હિંમતનગર ટ્રાન્સફર વોરંટથી લાવતાં રિમાન્ડ દરમિયાન લૂંટ-વીથ મર્ડરનો ગુનો કબૂલ્યો

આઠેક માસ અગાઉ ધોળા દિવસે ખેડબ્રહ્મામાં આંગડીયાકર્મીને ગોળીએ ધરબી દઈ રૂ.1.84 લાખની લૂંટ કરવાના ચકચારી પ્રકરણમાં સા.કાં. એલસીબીએ ફાયરિંગ કરનારા હત્યારાને સાવલી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ પકડ્યા બાદ ટ્રાન્સફર વોરંટથી લઈ આવી રિમાન્ડ દરમિયાન સીલસીલા બંધ વિગતો ઓકાવતા લૂંટના 9 ગુનાની કબૂલાત કરી હતી જેમાં કડી, ડીસા અને પાટડીમાં થયેલ રૂ.72 લાખની લૂંટના ત્રણ અનડિટેક્ટેડ ગુનાનો પણ ભેદ ખૂલતાં મહેસાણા જિલ્લાના વધુ બે સાગરીતોને ઝબ્બે કર્યા હતા. ગત તા. 21-01-20 ના રોજ ખેડબ્રહ્મામાં સરદાર ચોક જતાં રોડ પર જનતા બેંક નજીકથી રોકડ ભરેલો થેલો લઇને જઇ રહેલ આંગડીયા કર્મી કિરણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ હરગોવિંદલાલ નાયકને આંતરીને પૈસા ભરેલા થેલાની લૂંટ કરવા દરમિયાન તેમના પર ફાયરિંગ કરી છરા થી છાતી અને પેટના ભાગે જીવલેણ ઈજાઓ કરી હત્યા કરાઇ હતી. એલસીબીએ સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી સ્વીફ્ટ ડિઝાયર અને બીજી ઈકો નં.જી.જે-38-બી-6195 ને શોધી કાઢી વિરમગામના અનીસ હબીબભાઈ સિપાઈને પકડતાં તેણે હનીફ ઉર્ફે સબીર ઇમામભાઇ બેલીમ રહે. સમી તથા મહેશ સંદીપ શર્મા તથા જયેશ અને એક અજાણ્યા શખ્સની સંડોવણી હોવા અંગેની વિગતો આપી હતી. જેના આધારે એલસીબીએ તપાસને આગળ ધપાવી હતી અને મહેશ સંદિપ શર્મા ખોટું નામ ધારણ કરી મોડાસા તાલુકાના મેઢાસણ ખાતે રહેતો હોવાનું ખુલ્યું હતું.

પકડાયેલ આરોપીઓ
1. મહેશ સંદિપ શર્મા ઉર્ફે મહીપતસિંહ ઉર્ફે રામવાળો ઉર્ફે સીતારામ ચંપુભા ઝાલા (રહે.ઝાંઝુવાડા, પાટડી જિ. સુરેન્દ્રનગર) (ફાયરિંગ કરનાર)
2. મહાવીરસિંહ રણવીરસિંહ જોદ્ધા (રહે.મેઢાસણ તા.મોડાસા) (ખેડબ્રહ્માની લૂંટમાં આંગડિયા કર્મીની રેકી કરવામાં મદદ કરનાર)
3. સુખાજી ઝાલુભા ઝાલા (રહે. ફેંચડી ભરવાડવાસ બહુચરાજી)
4. હિતેશ હરગોવિંદ દેસાઈ (રહે. આદીવાડા રબારીવાસ બહુચરાજી) (પાટડી, કડી, ડીસાની લૂંટમાં સાથીદારો)

પકડવાના બાકી આરોપીઓ
1. જયેશ - સાચું નામ પ્રદ્યુમનસિંહ ઉર્ફે રાજેન્દ્રસિંહ ઉર્ફે પદુભા નવલસિંહ ઝાલા (રહે. રાંદલનગર જામનગર)
2. રોહિતસિંહ ઉર્ફે રણજીતસિંહ ઉર્ફે ભાણુભા કિરીટસિંહ ઝાલા (રહે.ધ્રાંગધ્રા જિ.સુરેન્દ્રનગર )

ફાયરિંગમાં વપરાયેલ પિસ્તોલ પાટણમાં રહેતા શખ્સને આપી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના મહિપતસિંહે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે લૂંટ દરમિયાન વાપરેલ પિસ્તોલ હનીફ ઉર્ફે સબીર બેલીમને વેચાણ આપી હતી અને હનીફે તેના મિત્ર કયુમ કરીમભાઈ સૈયદ (રહે. પાટણ જિલ્લાના સમી) ને વેચાણ આપ્યા બાદ કયુમે પાટણમાં રહેતા મયુરગીરી ચંદુગીરી ગોસ્વામીને વેચી હતી જેને બે એક માસ અગાઉ પાટણ પોલીસે ઝડપી લઇ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

ખેડબ્રહ્મામાં રેકીમાં મદદ કરનાર મોડાસાના મેઢાસણનો મહાવીરસિંહ જોદ્ધા પણ પકડાયો
સા.કાં. એસ.પી. ચૈતન્ય મંડલીકે જણાવ્યું કે ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડરમાં સીસીટીવી ફૂટેજ અને સમીના ઇકો ચાલકની કબૂલાત બાદ મેઢાસણ ખાતે રહેતો મહેશ સંદીપ શર્મા રડાર પર હતો અને તેની ઝીણવટભરી તપાસ બાદ તેનું સાચું નામ મહિપતસિંહ ઉર્ફે રામવાળો ઉર્ફે ચંપુભા ઝાલા સુરેન્દ્રનગરના પાટડીના ઝાંઝુવાડા ગામનો હોવાનું ખુલ્યું હતું અને સતત પ્રયાસો બાદ આ શખ્સને દેશી બનાવટની પિસ્તોલ લે-વેચમાં સાવલી પોલીસે પકડ્યો હોવાની જાણ થતાં ખેડબ્રહ્માના ગુનામાં વોન્ટેડ હોઈ હિંમતનગર લાવી રિમાન્ડ દરમિયાન ઝીણવટભરી પૂછપરછ કરતા લૂંટના કુલ 9 ગુનાની કબૂલાત કરી હતી. જેમાં કડી, ડીસા અને પાટડીના કુલ રૂ. 72 લાખની લૂંટના ત્રણ અનડિટેક્ટેડ ગુનાનું ડિટેક્શન થયું હતું અને બહુચરાજીના અન્ય બે સાગરિતોને પણ ઝડપી લેવાયા છે તથા ખેડબ્રહ્મામાં રેકી કરવામાં મદદ કરનાર મેઢાસણના મહાવીરસિંહ રણવીરસિંહ જોદ્ધાની પણ અટકાયત કરાઈ છે.

કડીમાં 44 લાખ અને ડીસામાં દાગીનાની લૂંટમાં પણ સામેલ
1. સપ્ટે -2014 માં સુરેન્દ્રનગરના પાટડીમાં મહિપતસિંહે નસવાડીના નિકુ અને એક અન્ય શખ્સ સાથે મળી ઠાકર જ્વેલર્સમાંથી નીકળેલ બે વ્યક્તિને લૂંટવા બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
2. 2018માં હિતેશ હરગોવિંદ દેસાઈ, મહિપતસિંહ ઉર્ફે રામવાળો ઝાલા, રાજુ મરાઠી અને અન્ય બે હિન્દી ભાષી શખ્સોએ સ્વીફ્ટ ડિઝાયરમાં કડી ખાતે એક્ટીવાનો પીછો કરી પાછળ બેઠેલા શખ્સ ઉપર હુમલો કરી તેની પાસેના રૂ. 44 લાખ ભરેલા થેલાની લૂંટ કરી હતી.
3. 2019 માં પ્રદ્યુમનસિંહ નવલસિંહ ઝાલાની અમેઝ કાર લઈને મહિપતસિંહ, રોહિતસિંહ, કિરીટસિંહ ઝાલા શક્તિસિંહ ઝાલા એ ડીસામાં એક્ટીવા પર જઈ રહેલ બે આંગડીયા કર્મીને પર એક રાઉન્ડ ફાયર કરી સોના-ચાંદીના દાગીનાના થેલાની લૂંટ કરી હતી.

મોડાસા તાલુકાના મેઢાસણ ગામમાં મહિપતસિંહ ખોટા નામે રહેતો હતો
સુરેન્દ્રનગર જિલ્લાનો મહિપતસિંહ ઉર્ફે સીતારામ ચપુંભા ઝાલા મોડાસાના મેઢાસણમાં ખોટું નામ ધારણ કરી રહેતો હતો અને અલગ અલગ વ્યક્તિઓ સાથે મળી લૂંટને અંજામ આપવા સહિત દારૂની ખેપો પણ મારતો હતો અને દેશી બનાવટની પિસ્તોલના ગેરકાયદે વેચાણમાં ગળાડૂબ હતો.

આ ગુનામાં પોલીસે અગાઉ વિરમગામના શખ્સને પકડ્યો છે
સમગ્ર પ્રકરણમાં પોલીસે સીસીટીવી અને ફૂટેજને આધારે વિરમગામના અનીસ હબીબભાઈ સિપાઈને પકડતાં તેણે હનીફ ઉર્ફે સબીર ઇમામભાઇ બેલીમ રહે. સમી તથા મહેશ સંદીપ શર્મા તથા જયેશ અને એક અજાણ્યા શખ્સની સંડોવણી હોવા અંગેની વિગતો આપી હતી.

સિદ્ધપુર-મહેસાણા, ધાનેરામાં લૂંટ સહિત 6 ગુના કબૂલ્યા

 • મહિપતસિંહે બે વર્ષ અગાઉ ચીખલીઘર ગેંગ પાસેથી એમ.પી.માંથી બે પિસ્તોલ લાવી મૂળી તાલુકાના નવાણીયા ગામના દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ પરમારને વેચાણ આપી છે.
 • રાજકોટ સિટીમાં આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલ ગુનામાં મહિપતસિંહ વોન્ટેડ
 • 2016માં મહિપતસિંહ તથા બાલાજી ઠાકોરે અન્ય ચાર શખ્સો સાથે મળી ધાનેરામાં જીપ રોકી બે રાઉન્ડ ફાયરિંગ કરી રૂ. 80 લાખની લૂંટ કરી હતી અને તેના ભાગે આવતા પૈસા લઈ એમ.પી.માં જતો રહ્યો હતો અને ત્રણેક મહિના બાદ નસવાડીથી તેની રખાત મનહરબાને લઈ મેઢાસણ રહેવા આવી ગયો હતો.
 • 2017માં બેંગ્લોરથી મેંગલોર જવાના રસ્તા પર મહિપતસિંહે રઘુ રબારી, મહારાજ, વિષ્ણુ પટેલ અને અન્ય બે શખ્સો સાથે મળી આંગડીયા કર્મીની રૂ.20 લાખની લૂંટ
 • સપ્ટે -2018 માં મહિપતસિંહ, અશોક ઉર્ફે રાજુ મરાઠી તથા અન્ય બે શખ્સોએ મહેસાણા ફુવારા પાસે રિક્ષામાં બેઠેલા વ્યક્તિનો થેલો ઝૂંટવી લઈ રોકડ અને હીરાની લૂંટ કરી હતી.
 • ઓક્ટો - 2018 માં સિદ્ધપુર -મહેસાણા હાઈવે પર રાજુ મરાઠી અને અન્ય બે શખ્સો સાથે મળી આઈઓસી બસ સ્ટેન્ડ આગળ ઈકોમાં જઈ રહેલ આંગડીયા કર્મીની લૂંટ

અન્ય સમાચારો પણ છે...