નરાધમ પિતા ઉઘાડો પડ્યો:હિંમતનગરમાં હેવાન પિતાનો બે દીકરીને પીંખવાનો અધમ પ્રયાસ; ​​​​​​​નારી કેન્દ્રનાં મહિલા અધિકારીએ ન્યાય અપાવવા હૈયાધારણ આપી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના નારી કેન્દ્રનાં મહિલા અધિકારીએ 17 વર્ષીય સગીર દીકરીનું કાઉન્સેલિંગ કર્યું
  • પોલીસ સહિત ચાઇલ્ડ વેલ્ફેર કમિટી, બાળ સુરક્ષાને જાણ કરી

પિતાની છત્રછાયા હેઠળ દીકરી-દીકરાઓ સુરક્ષાનો અહેસાસ કરતાં હોય છે, ત્યારે હેવાન પિતાએ બે સગી દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યાની બીના બહાર આવતાં ચોમેરથી ફિટકાર વરસાવાઈ રહ્યો છે. ઇડર પોલીસે સા.કાં. એસ.પી.નું માર્ગદર્શન લઇ જાદર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારની અરજી લીધી હતી. હિંમતનગરના નારી કેન્દ્રનાં મહિલા અધિકારીએ 17 વર્ષીય સગીર દીકરીનું કાઉન્સેલિંગ કર્યા બાદ ન્યાય અપાવવા પોલીસ સહિત ચાઇલ્ડ વેલ્ફેર કમિટી, બાળ સુરક્ષા એકમને પણ જાણ કરી છે.

પિતા બળજબરીનો પ્રયાસ કરતા હતા
ભોગ બનનારે પોલીસને કરેલી અરજીમાં દર્દનાક વ્યથા રજૂ કરી છે કે તેનો પિતા વારંવાર માતાને મારઝૂડ કરતો હતો. ધીરે ધીરે આ અત્યાચાર તેની પર શરૂ થયા હતા. દોઢેક વર્ષ અગાઉ તે જ્યારે ધો-10માં આવી અને તેની બહેન ધો-5માં હતી ત્યારથી પિતા બળજબરીનો પ્રયાસ કરે છે અને પતિ-પત્ની વચ્ચે થતા સંવાદના શબ્દોનો પ્રયોગ નાની દીકરીઓ સાથે કરે છે. અત્યારસુધીમાં ત્રણેક વખત આવો પ્રયાસ કરતાં લાત મારી બચાવ કરતાં પિતાએ ધમકીઓ પણ આપી હતી કે હું પૈસાનો પૂજારી છું, જેથી બંને બહેનોને વેચી દઇશ. તદુઉપરાંત સગીરાના મોટા પપ્પા પણ ફોનમાં વારંવાર વાત કરવાનું કહે છે અને વાત ન કરે તો તારે અભ્યાસમાં સારા ટકા નહીં આવે અને બીમાર પડી જઇશ એવો ડર બતાવે છે.

બાળકીને વળતર મળે એ માટે પ્રયત્નો કરાશે
હિંમતનગર નારી સુરક્ષા કેન્દ્રના અસ્મિતાબેને જણાવ્યું હતું કે ભોગ બનનારી દીકરીઓ અને તેમની માતા ઇડર તાલુકામાં પિયરમાં આવી ગયાં છે. તેમણે ઇડર પોલીસનો સંપર્ક કર્યા બાદ જિલ્લા કંટ્રોલમાં સંપર્ક કરતાં મને જાણ કરી હતી અને બાળકીના કાઉન્સેલિંગ દરમિયાન હૃદયદ્રાવક બીના બહાર આવતાં ઇડર પોલીસનો સંપર્ક કરી જાદર પોલીસને લેખિત અરજી આપી છે. બાળકીને પરીક્ષા આપવા અમદાવાદ જવાનું હોઇ પોલીસ સુરક્ષાની પણ માગ કરી છે અને બાળ સુરક્ષા એકમને જાણ કરી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની મીટિંગ બોલાવી છે. નરાધમ પિતાને દાખલા રૂપ સજા જરૂરી છે અને બાળકીના પુન:સ્થાપન અને વળતર માટે શક્ય તેટલા તમામ પ્રયાસ કરાશે.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
ઇડર પીઆઇ જે.એ. રાઠવાએ જણાવ્યું હતું કે ગંભીર આક્ષેપ હોઈ સા.કાં. એસ.પી.ને જાણ કરી તેમના માર્ગદર્શન મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે અને જાદર પોલીસે અરજીને અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે ઝીરો નંબરથી જિલ્લામાં ફરિયાદ નોંધ્યા બાદ જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં તપાસ સુપરત કરવાની પ્રોસિજર બહુ લાંબી છે, જેથી જે-તે પોલીસ સ્ટેશનમાં જ સીધી ફરિયાદ નોંધાય એવી કાર્યવાહી હાથ ધરાઇ છે.