સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી ચીમકી આપી છે કે રવિવાર અને જાહેર રજાના દિવસે કર્મચારીને રજા આપવામાં નહીં આવે તો કર્મચારી જાતે જાહેર રજાના દિવસે કામગીરીથી અળગા રહેશે તદ્દપરાંત તેમણે વેક્સિનેશનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓનું સન્માન કરવા પણ માંગ કરી છે.
જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષકુમાર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે જિલ્લા આરોગ્ય અધિકારીને વેક્સિનેશનના કર્મચારીને પૈસા ફાળવવા તથા છેલ્લા દોઢ વર્ષથી આરોગ્યના કર્મચારીઓ રજા વગર સતત કામ કરી રહ્યા છે અને હાલમાં કોરોનાના નજીવા કેસ હોઇ કર્મચારીઓને રવિવાર તથા જાહેર રજાના દિવસે રજા આપવા રજૂઆત કરી છે. સા.કાં. જિલ્લા સિવાય બીજા જિલ્લાઓમાં રવિવાર અને રજાના દિવસે પીએચસી દીઠ એક જ સેશન રખાય છે. જ્યારે સા.કાં. જિલ્લામાં એક કરતાં વધુ સેશન રખાય છે.
કર્મચારીની રજા માટે કોઈ વ્યવસ્થા નહીં કરાય તો ન છૂટકે કર્મચારીઓ જાતે જ રવિવાર અને જાહેર રજાના દિવસે કામગીરીથી અળગા રહેશે. વેક્સિનેશન કાર્યક્રમ દરમિયાન સબસેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓએ એક-એક ઘેર જઈ લોકોને વેક્સિન માટે પ્રોત્સાહિત કર્યા હતા જેમાં ઘણા કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા હતા. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર આરોગ્યકર્મીઓ કે જેમનો 100 ટકા વેક્સિનેશનમાં મહત્વનો ફાળો છે તેમનું 15 ઓગસ્ટના રોજ ડીડીઓ અને કલેક્ટર દ્વારા સન્માન કરવામાં માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.