તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકાસ્પદ કામગીરી:હિંમતનગરમાં LED સ્ટ્રીટલાઈટ મેન્ટેનન્સની જવાબદારી છે એજન્સીની, પરંતુ કરે છે પાલિકા

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેની જવાબદારી છે તે એજન્સી બેઠા-બેઠા નફો રળવાનું કામ કરે છે

હિંમતનગર પાલિકા વિસ્તારમાં સાડા ત્રણેક વર્ષ અગાઉ તમામ સ્ટ્રીટ લાઈટને એલ.ઇ.ડી. માં પરિવર્તીત કરવા કેન્દ્ર સરકારે એજન્સી થોપી દીધા બાદ હાલમાં મેઇન્ટેનન્સ અને રિપેરિંગની મોટાભાગની કામગીરી પાલિકાના કર્મીઓ કરી રહ્યા છે અને જેની જવાબદારી છે તે એજન્સી બેઠા-બેઠા નફો રળવાનું કરી રહી છે. નોંધનીય છે કે પાલિકાને 42 મહિનાના રૂ. 5 લાખ લેખે સવા બે કરોડ ચૂકવવાના થાય છે તેની સામે અત્યાર સુધીમાં માત્ર રૂ.10 લાખ ચૂકવ્યા છે. જેને પગલે રાજ્ય સરકારે પાલિકાને મળતી ગ્રાન્ટમાંથી રૂ.90 લાખ બારોબાર ચૂકવ્યા છે જે શંકાસ્પદ બાબત બની રહી છે.

હિંમતનગર શહેરમાં સાડા ત્રણેક વર્ષ અગાઉ કેન્દ્ર-રાજ્ય સરકારની સૂચનાથી શહેરની 8172 સ્ટ્રીટ લાઈટની ટ્યુબલાઈટ બદલી એલઇડી લગાવી ઊર્જા બચત કરવાના હેતુથી ઈએસએસએલ નામની એજન્સી સાથે કરાર કરાયો હતો જેમાં સાત વર્ષ સુધી ઉર્જા બચતનો 60 ટકા હિસ્સો એજન્સીને ચૂકવવાનું નક્કી કરાયું હતું તે મુજબ પ્રતિમાસ રૂ.5 લાખ જેવી રકમ પાલિકાને ચૂકવવાની થાય છે અને મેન્ટેનન્સની તમામ જવાબદારી એજન્સીની છે. એજન્સીના સાધનો, કર્મચારીઓ જોવા મળતા નથી જ્યારે પણ ફોલ્ટ થાય છે પાલિકાના કર્મચારીઓ દોડે છે.

હિંમતનગર પાલિકાએ શરૂઆતમાં રૂ. 10 લાખ આપ્યા બાદ સમગ્ર સ્થિતિને કળી જતા અત્યાર સુધી પેમેન્ટ કર્યું નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે રાજ્ય સરકારે 90 લાખ પાલિકાની ગ્રાન્ટમાંથી કાપી લઈ બારોબાર એજન્સીને ચૂકવી દીધા છે. રાજ્ય સરકારને કેમ ચૂકવવા પડ્યા તે પણ સંશોધનનો વિષય છે.

કોંગ્રેસના પાલિકા સદસ્ય ઇમરાન અલજીવાલાએ જણાવ્યું કે પાલિકા સંચાલકોને બધી ખબર છે. કર્મચારીઓનો પગાર પાલિકા ચૂકવે છે અને નફો એજન્સી લઈ જાય છે. આનાથી વિરુદ્ધ કારોબારી અધ્યક્ષ સાવનભાઈ દેસાઈએ જણાવ્યું કે પાલિકાના કર્મીઓ પાવર સપ્લાય અને ટીપી રોડ પર પાલિકાએ લગાવેલ એલઇડી સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સની કામગીરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...