આયોજન:જૂની પેન્શન યોજના અને પડતર પ્રશ્નો મામલે શિક્ષકો છઠ્ઠીએ ધરણાં કરશે

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂની પેન્શન યોજના તથા અન્ય પડતર પ્રશ્ન મામલે 6ઠ્ઠી મેના રોજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેજા હેઠળ સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષક કર્મચારીઓ ધરણા કરશે. અગાઉ 8 મી એપ્રિલે રેલી, ધરણા તથા આવેદનપત્ર આંદોલનાત્મક કાર્યક્રમ યોજ્યા હતા પરંતુ સરકાર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતાં શિક્ષકોએ બાંયો ચઢાવી ધરણાનું આયોજન કર્યું છે.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સંયોજક ભીખાભાઇ પટેલના જણાવ્યાનુસાર નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા, નગર તથા મહાનગરપાલિકાના શિક્ષકો માટે 4200 ગ્રેડ પે, એચટાટ ઓ.પી. થયેલા મુખ્ય શિક્ષકોના પ્રશ્ન, સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય સંવર્ગના પાંચ વર્ષની સળંગ નોકરી, ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બદલીનો લાભ આપવા, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પગાર પંચના બાકી ત્રણ હપ્તા, કેન્દ્રના ધોરણે જાન્યુઆરી 2022 થી ત્રણ ટકા મોંઘવારી તથા કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચ મુજબ ઘર ભાડુ અન્ય ભથ્થા જાહેર કરવાની માંગ સાથે આગામી 6ઠ્ઠી મે ના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે 3થી 6 દરમ્યાન શિક્ષક કર્મચારીઓ સંયુક્ત રીતે 50 હજારથી વધુ સંખ્યામાં ધરણા કરશે.

અગાઉ 8મી એપ્રિલે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા મથકે રેલી, ધરણા તથા આવેદનપત્ર આપવાનો પ્રથમ તબક્કાનો આંદોલનાત્મક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમગ્ર રાજ્યમાંથી એક લાખથી વધુ શિક્ષક કર્મચારીઓ જોડાયા હતા અને મુખ્યમંત્રીને સંબોધીને લખેલ પત્રમાં 1 લી મે ગુજરાત સ્થાપના દિવસે કર્મચારી હિતમાં નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા વિનંતી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...