કાર્યવાહી:ઉશ્કેરણીજનક સ્ટેટસ, મેસેજ મૂકી વૈમનસ્ય ફેલાવનારા 3 સામે અટકાયતી પગલાં લીધા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં તોફાનો બાદ સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા પર નજર
  • હિંમતનગર રૂરલ પોલીસ અને ખેરોજ પોલીસની કાર્યવાહીથી ફફડાટ

સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે હિંમતનગરમાં તંગદીલી ફેલાયા બાદ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી હિંમતનગર રૂરલ, ઇડર, ખેડબ્રહ્મા અને ખેરોજ પોલીસને વાંધાજનક મટેરિયલ અપલોડ કરનાર શખ્સો વિરુદ્વ કાર્યવાહી કરવા જાણ કર્યા બાદ હિંમતનગર રૂરલ પોલીસે 1 અને ખેરોજ પોલીસે 2 શખ્સો વિરુદ્વ 151 હેઠળ કાર્યવાહી હાથ ધરી અટકાયતી પગલાં લીધા હતા.

રામનવમીના દિવસે શોભાયાત્રા પર હુમલા બાદ કેટલાક તત્વો સોશિયલ મીડિયાના સહારે તંગદીલીમાં વધારો કરવા સક્રીય બન્યાનો અંદાજ આવી જતા સા.કાં. સાયબર ક્રાઇમ વિભાગ એક્ટિવ થઇ ગયો હતો અને વોચ રાખવા દરમિયાન ઉશ્કેરણીજનક મટેરીયલ પણ મળ્યુ હતું. જેમાં હિંમતનગર રૂરલ વિસ્તારમાં, ઇડરમાં, ખેડબ્રહ્મામાં અને ખેરોજ - લાંબડીયાના બે શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરાઇ હતી.

જેમાં ઇડર ડીવાયએસપી અને ખેડબ્રહ્મા પીએસઆઇ પીપી જાનીએ કંઇ વાંધાજનક ન મળ્યુ હોવાનું જણાવ્યુ હતું. ખેરોજ પીઆઇ ભાવનાબેન ડોડીયાએ જણાવ્યું કે લાંબડીયાના એજાજ કુરેશી અને મુસ્તફા નામના બે શખ્સોએ વાંધાજનક સ્ટેટસ મૂક્યાનું ધ્યાન પર આવતા 151 અંતર્ગત કાર્યવાહી હાથ ધરી અટકાયતી પગલાં લેવાયા હતા જ્યારે રૂરલ પીએસઆઇ કે.કે.રાઠોડે જણાવ્યું કે કિફાયતનગરના રીઝવાનભાઇ જમાલભાઇ મનસુરી સામે અટકાયતી પગલાં લેવાયા છે.

આ ત્રણ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ

  • લાંબડીયાના એજાજ કુરેશી અને મુસ્તફા નામના બે શખ્સો
  • કિફાયતનગરના રીઝવાનભાઇ જમાલભાઇ મનસુરી
અન્ય સમાચારો પણ છે...