હેડ ક્લાર્કના પેપર લીક કૌભાંડ:એક પ્રિન્સિપાલ, ચાર શિક્ષક, ડૉક્ટર અને એક પોલીસની સંડોવણીની શંકા

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પેપર લીક થયું ત્યારે અસિત વોરાનો હાર્મોનિયમ વગાડતો વીડિયો ફરતો થયો હતો - Divya Bhaskar
પેપર લીક થયું ત્યારે અસિત વોરાનો હાર્મોનિયમ વગાડતો વીડિયો ફરતો થયો હતો
 • પ્રાંતિજમાં 8 સામે ફરિયાદ નોંધવાની તૈયારી, પોલીસ તપાસ શરૂ થતાં કેટલાક શકમંદ ભાગી છૂટ્યા
 • પેપર લીકનું કાવતરું હિંમતનગર પાસેના એક ફાર્મ હાઉસમાં ઘડાયું હતું
 • પસંદગી મંડળે તપાસ માટે સાબરકાંઠા SPને ઇ-મેઇલ કર્યો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રવિવારે લીધેલી હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું સરકારે પણ સ્વીકારી લીધું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરકાંઠાના વિવિધ ગામોમાંથી આ કૌભાંડમાં એક સ્કૂલના પ્રિન્સિપાલ, ચાર શિક્ષકો, એક ડૉક્ટર અને એક પોલીસકર્મચારીની સંડોવણી હોવાની શંકા છે. પોલીસે પૂછપરછ શરૂ કરતાં કેટલાક શકમંદો ગાયબ થઈ ગયા છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 8 વ્યક્તિ સામે ગુરુવારે મોડી સાંજે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે સમગ્ર પ્રકરણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ચાર વાહનોના નંબર જાહેર કર્યા હતા. આમાંથી ત્રણ વાહન છેલ્લા 12 કલાકમાં હિંમતનગરમાંથી મળી આવ્યા છે. તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ ગેરેજ માલિકોને ટાંકીને જણાવ્યું હતું કે, લાંબા સમયથી આ વાહન ક્યાય ગયા નથી. પેપર લીક કૌભાંડમાં જયેશ પટેલ, મહેન્દ્રભાઈ, કેતન, હર્ષદ, મયુર જેવી વ્યક્તિઓના નામો ઉછળી રહ્યા છે.

ગુરુવારે બપોરે પસંદગી મંડળની અરજીનો ઈમેલ આવી જતા વિધિવત ફરિયાદનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આઠથી વધુ શખ્સો વિરુદ્ધ મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સાબરકાંઠા એસપી નીરજ બડગુજરે જણાવ્યું કે ઈમેલ મળ્યો છે તપાસ ચાલુ છે અને તથ્યોને આધારે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે. પેપર મેળવનારા એક વિદ્યાર્થીએ જ ભાંડો ફોડ્યો હોવાનું મનાય છે. પેપર લીકનું કાવતરું હિંમતનગર પાસેના એક ફાર્મ હાઉસમાં ઘડાયું હોવાનો આક્ષેપ છે.

કૌભાંડના મુખ્ય શકમંદ

 • જયેશ પટેલ મુખ્ય સૂત્રધાર જેણે પેપર ફોડ્યું
 • મહેશ પટેલ રાણીપનો છે, પેપર લીક કરવામાં મદદ કરી
 • ચિંતન પટેલ પેપર લીક કરીને વિદ્યાર્થીઓને આપ્યાં
 • દેવલ પટેલ પેપર લીક થયા બાદ વિદ્યાર્થીઓ શોધ્યા
 • જશવંત પટેલ ઉંછા પાસેનો રહેવાસી. પરીક્ષાની આગલી રાત્રે 200 પ્રશ્નોના જવાબ સોલ્વ કરવામાં ભાગ ભજવ્યો.
 • જયેશ અને અન્ય આરોપી કેતનની જોડીએ ગૌણ સેવાના પરીક્ષાર્થીઓને અગાઉના પેપર ફોડ્યાના સફળ કેસ બતાવી આકર્ષ્યાં હતા.
 • એક આક્ષેપ મુજબ વડોદરા સહિતના શહેરોમાં પેપર 8-10 લાખની કિંમતમાં વેચવામાં આવ્યું હતું.

કોઇના કહેવાથી ચેરમેન બદલી શકાય નહીં
અત્યાર સુધીમાં આસિત વોરાની કામગીરી સંતોષજનક રહી છે અને તેઓ પ્રામાણિકપણે કામ કરે છે. કોઇના કહેવાથી કે આરોપો મૂકવાથી કોઇને સરકાર દૂર ન કરી શકે. પેપર લીક મામલે સરકાર સંવેદનશીલતાથી કામ કરી રહી છે અને તપાસ ચાલી રહી છે. - જિતુ વાઘાણી, શિક્ષણ મંત્રી

9 વર્ષમાં દસ પરીક્ષાનાં પેપર ફૂટ્યાં

 • GPSCની ચીફ ઓફિસરની ભરતી: 2013
 • રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા: 2014
 • મુખ્ય સેવિકા: 2018
 • નાયબ ચિટનિસ: 208
 • પોલીસ લોકરક્ષક દળ: 2018
 • શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી ટાટ: 2018
 • બિન સચિવાલય ક્લાર્ક: 2019
 • DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી: 2021
 • સબ ઓડિટર: ઓક્ટોબર, 2021
 • હેડ ક્લાર્ક: ડિસેમ્બર, 2021

ફાર્મ હાઉસનું ખોટું નામ ફરતું થતાં SPને અરજી કરાઈ
ફાર્મ હાઉસનો ફોટો મીડિયામાં જે ફરી રહ્યો છે તે મારા અક્ષરમ ફાર્મ હાઉસનો છે મેં તે દિવસે પણ કહ્યું હતું કે અમને ટાર્ગેટ કરીને બદનામ કરવા ષડયંત્રનો ભાગ બનાવાયા છે, આજે એ સંદર્ભે જિલ્લા પોલીસવડાને મેં અને મારા પરિવારે ભોગવેલી પરેશાની અંગે અરજી આપી છે અને ડેફરમેશન માટે વકીલ સાથે ચર્ચા કરી યોગ્ય સમયે દાવો દાખલ કરીશ. - ડો. નીતિન પટેલ

કૌભાંડમાં લીંબડીથી એકની અટકાયત કરાયાની ચર્ચા
હેડ ક્લાર્કની 186 જગ્યા માટે રાજયના 1.51 લાખ ઉમેદવારોએ 12 ડિસેમ્બરના રોજ પરીક્ષા આપી હતી. 3 દિવસ પછી પેપર લીક થયાના આક્ષેપો થયા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ હેડ ક્લાર્કની પરિક્ષાના પેપર લીક મામલે પુરાવા મળે તો કાર્યવાહી કરવા ખાતરી આપી છે. આ મામલે સાબરકાંઠા અને ગાંધીનગરથી અમુક લોકોની અટકાયત થયાની ચર્ચા છે. પોલીસે લીંબડીથી પણ એક વ્યક્તિને અટકમાં લીધી હોવાનું મનાય છે. આ વ્યક્તિ એક રાજકીય પક્ષ સાથે જોડાયો હોવાનું માનવામાં આવે છે.