હેડક્લાર્ક પેપર લીક કાંડ:સા.કાં. જિલ્લા કોંગ્રેસની તપાસ પંચ નિમવાની માંગણી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પસંદગી મંડળના અધ્યક્ષને બચાવવા કાવતરા થઇ રહ્યાનો કોંગ્રેસનો આક્ષેપ

સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા હેડ ક્લાર્કની ભરતી માટે લેવાયેલ પરીક્ષાનું પેપર લીક થવાના મામલે નિવૃત્ત જજના અધ્યક્ષ પદે તપાસ પંચ નિમવાની માંગ સાથે આવેદનપત્ર આપી પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાને બચાવવા કાવતરા થઈ રહ્યાનો ગંભીર આક્ષેપ લગાવાયો હતો.

પેપર લીક પ્રકરણ બહાર આવતા વિરોધ પક્ષોને બેઠા-બેઠા મુદ્દો મળી ગયો છે અને સરકારને ઘેરવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલ, શહેર પ્રમુખ પ્રિયવદન પટેલ, બળવંતસિંહ દેવડા વગેરેએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરા જ્યારે જ્યારે અધ્યક્ષ તરીકે રહ્યા છે. ત્યારે પેપર લીક થવાના મામલા બહાર આવ્યા છે અને વારંવાર પરીક્ષા રદ કરવી પડી છે અને વિદ્યાર્થીઓનો મહામૂલો સમય વેડફી તેમના ભવિષ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે.

પ્રશ્નપત્ર ખરીદનાર વિદ્યાર્થીઓ અને વાલીઓને આરોપી બનાવી દઈ મોટા અધિકારીઓ અને આસિત વોરાને બચાવવાના કાવતરા થઈ રહ્યા છે તેમણે માંગ કરી હતી કે જવાબદાર લોકોને મુખ્ય આરોપી બનાવી આસિત વોરાને તત્કાલ હોદ્દા પરથી દૂર કરી નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ પદે તપાસ પંચનીમી તેમની સ્થાવર જંગમ મિલકતો અને આવકની પણ તપાસ કરવામાં આવે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ પટેલે જણાવ્યું કે પેપર લીક થયાનું સ્વીકાર્યા બાદ પણ પરીક્ષા રદ કરવાની જાહેરાત સરકાર કરી શકતી નથી તે જ બતાવી રહ્યું છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે અને અધિકારીઓને બચાવવા ધમપછાડા થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...