કૌભાંડ:ઊર્જા નિગમ ભરતી કૌભાંડ મામલે સાબરકાંઠા પોલીસ કોઈ તપાસ કરતી નથી : એસપી

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં જ આક્ષેપિતો પણ હવે બહાર આવી રહ્યા છે સંડોવણી અંગે ઈન્કાર

મંગળવારે જેટકોની સીવીલ ઇલેક્ટ્રીકલ એન્જીનીયર ભરતીની પરીક્ષા શરૂ થતાની સાથે કૌભાંડ આચરાયાનો આક્ષેપ થતાની સાથે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની પોલીસ દોડતી થઇ હતી. બીજી બાજુ 24 કલાકમાં જ આક્ષેપિતો અને પોલીસના નિવેદનો આવતાં પેપરલીક પ્રકરણ જેવા ચમત્કારની સંભાવના નહીવત્ છે. 04/01/22 ના રોજ જેટકો દ્વારા સીવીલ-ઇલેક્ટ્રીકલ એન્જીનીયરની ભરતી માટે લેવાઇ રહેલ પરીક્ષા દરમિયાન જ ભરતી કૌભાંડ આચરાયાનો જાહેર આક્ષેપ થતાની સાથે ખળભળાટ મચ્યો હતો.

આક્ષેપકર્તા યુવરાજસિંહે એક ડઝનથી વધુ નામ જાહેર કરતા જેતે સમયે દોડધામ મચી હતી પરંતુ 24 કલાકમાં જ આક્ષેપની તપાસના મામલે આમૂલ પરિવર્તન આવી ગયુ છે અને મંગળવારે આઘાપાછા થઇ ગયેલ આક્ષેપિતો પણ હવે બહાર આવી રહ્યા છે. સા.કાં. એસપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે જિલ્લાની પોલીસ દ્વારા આ મામલે કોઇ તપાસ કરવામાં આવી રહી નથી.

હડીયોલના હર્ષદભાઇ નાયીનું પણ યુવરાજસિંહ દ્વારા 3 સપ્તાહમાં બીજી વખત નામ ઉછાળ્યુ હતુ તેની પ્રતિક્રિયા આપતા હર્ષદભાઇ નાયીએ જણાવ્યુકે આવા કોઇ કૌભાંડમાં તેમની કોઇ ભૂમિકા નથી અને તપાસ એજન્સીઓને સહકાર આપવા તૈયાર છે. નોંધનીય છે કે હર્ષદભાઇની સંડોવણીનો બીજી વખત આક્ષેપ કરનાર યુવરાજસિંહે તેમની વિરૂધ્ધ કોઇ પૂરાવા રજૂ કર્યા નથી. હેડક્લાર્ક પેપર લીક પ્રકરણ સમયે પણ LCBએ તેમની પૂછપરછ કરી હતી.

તમામ આક્ષેપોને પાયા વિહોણા છે : અવધેશ પટેલ
ધનસુરા | ઊર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપમાં ધનસુરાના વતની અને અરવલ્લી ભાજપ યુવા મોર્ચાના મહામંત્રી અવધેશ પટેલનું નામ સામે આવ્યું હતું.જે બાબતે અવધેશ પટેલ મંગળવારે મીડિયા સમક્ષ જણાવ્યું કે યુવરાજસિંહે લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા છે. મારૂ નામ ખોટું ઉછાળ્યું છે.યુવરાજસિંહે કહ્યું છે કે તેઓ શિક્ષક છે અને બાયડના વતની છે. જે અંગે અવધેશ પટેલે જણાવ્યું કે તેઓ શિક્ષક પણ નથી અને બાયડના વતની નથી ધનસુરાના વતની છે અને પશુપાલન તેમજ ખેતીનો વ્યવસાય કરે છે.

ભૂતકાળમાં શિક્ષકની ભરતી વેળા પેપર બદલાઇ જતા પૈસા પરત અપાયાની ચર્ચા
જ્યારે જ્યારે પણ ભરતી અને પરીક્ષામાં ગેરરીતી- કૌભાંડના આક્ષેપ થાય છે ત્યારે હડીયોલનુ નામ ઉછળે છે 3-4 વર્ષ અગાઉ શિક્ષકની ભરતી માટે પરીક્ષાર્થીઓને વિજયનગરના પોળો ફોરેસ્ટમાં લઇ જઇ પેપર સોલ્વ કરાયા બાદ બીજા દિવસે પેપર બદલાઇ જતા પરીક્ષાર્થીઓએ પૈસા પરત લેવા દેકારો મચાવ્યો હતો અને શિક્ષકે ધક્કા ખવડાવી પૈસા પરત કર્યા હતા. જ્યારે પણ પેપરલીક કે ભરતી કૌભાંડની વાત ઉછળે છે ત્યારે ગાયબ થવાનું પસંદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...