સાબરકાંઠા રિઝલ્ટ:ઉત્તર ગુજરાતમાં મતદારોનો ભાજપ પર ભરોસો, જિલ્લા પંચાયતની 36 બેઠકમાંથી 30 બેઠક ભાજપને મળી

સાબરકાંઠાએક વર્ષ પહેલા
  • 2015ની સાબરકાંઠાની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 36 બેઠકોમાંથી ભાજપને 27 અને કોંગ્રેસને 09 બેઠકો મળી હતી

સાબરકાંઠા જિલ્લા પંચાયત પણ ભાજપે કબજે કરી છે. કુલ 36 બેઠકમાંથી ભાજપને 30 બેઠક અને કોંગ્રેસને 6 બેઠક મળી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પંચાયતની સોનાસણ સીટ ઉપર ભાજપના મહિલા ઉમેદવાર વિરલ કુમારી ગાવિતનો ૬૩૮ મતથી વિજય થયો છે. ભાજપના મહિલા ઉમેદવાર 26 વર્ષના જ છે. તો પ્રાંતિજ તાલુકા પંચાયતની ઓરાણ સીટ ઉપર પાસ કન્વીનર અને કોંગ્રેસના ઉમેદવાર રાજકુમાર ભરતભાઈ પટેલનો ૧૦૦ મતથી વિજય થયો છે.

તો સાબરકાંઠા નગરપાલિકાની 2 બેઠક પણ ભાજપે કબજે કરી છે. હિંમતનગરની 36 બેઠકમાંથી ભાજપને 32 જ્યારે કોંગ્રેસ 4 બેઠકમાં જ સમેટાયું છે. તો વડાલીની 24 સીટમાંથી 20 ભાજપને જ્યારે અહીં પણ કોંગ્રેસ એક જ આંકડામાં સમેટાઈ છે. કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી છે. જ્યારે તાલુકા પંચાયતની 8 બેઠક પર પણ ભાજપે કોંગ્રેસને પછડાટ આપી છે. ભાજપે પોશીના, ખેડબ્રહ્મા, ઈડર, તલોદ, વિજયનગર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ બેઠક પર જીત હાંસલ કરી છે.

સાબરકાંઠા જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ રાજેન્દ્ર સિંહ કુંપાવતની જન્મદિવસનાં રોજ જ મહોર જિલ્લા પંચાયતની બેઠક પર હાર થઈ છે. ભાજપના ઉમેદવારની વડાલીની મહોર બેઠક પર જીત થઈ છે. કોંગ્રેસની માત્ર 9 વોટથી હાર થઈ છે. રાજેન્દ્રસિંહ કુંપાવત પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હતા અને વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. રાજેન્દ્રસિંહ કુંપાવતનો આજે જન્મદિવસ છે પરિણામમાં હાર થતા ભારે તંગ માહોલ સર્જાયો હતો.વિજયનગરની પરવઠ ગામમાં ભાજપની જીત તાલુકા પંચાયત બેઠક પરવઠ બેઠક પર ભાજપનો વિજય થયો છે. પરવઠ ગામ વિધાનસભામાં કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલનું ગામ છે. તો કોંગ્રેસ દંડક તેમજ ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન ભાઈ કોટવાલના પુત્ર યશ કોટવાલની હાર થઈ છે.

28 ફેબ્રુઆરી રવિવારે ચૂંટણી યોજવામાં આવતા સાબરકાંઠા જિલ્લા, તા. પંચાયતમાં રાત્રે 9 કલાક સુધી મળતા આંકડા મુજબ 72 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જે ગત ચૂંટણીની સરખામણીમાં 1.30 ટકા જેટલો ઘટાડો સૂચવે છે. વર્ષ 2015 માં 73.30 ટકા મતદાન થયું હતું.તલોદ પાલિકાની પેટા ચૂંટણી યોજાઇ હતી. રવિવારે યોજાયેલ હિંમતનગર વડાલી અને તલોદ નગરપાલિકામાં 57 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં હિંમતનગર પાલિકામાં મતદારોએ નિરસતા દાખવતા ગત ચૂંટણી કરતા 1.18 ટકા ઓછું એટલેકે માત્ર 54.36 ટકા મતદાન થયું હતું જ્યારે વડાલી પાલિકામાં 74.85 ટકા જેટલું જંગી મતદાન થયું હતું. હિંમતનગર શહેરના વોર્ડ નં 9 માં માત્ર 42.63 ટકા મતદાન થયું હતું

બળવંતપુરા બેઠક પર 35.74 ટકા મતદાન
સાબરકાંઠા જિલ્લાની આઠ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની કુલ 208 બેઠક માટે 1172 મતદાન મથકો પર 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું જિલ્લા તાલુકા પંચાયતમાં 9:00 થી 3:00 દરમિયાન પ્રતિ બે કલાક સરેરાશ 17% મતદાન યોજાયું હતું જ્યારે ત્રણ વાગ્યા બાદ બે કલાકની મતદાન ટકાવારી 9.45 ટકા રહી હતી. ચૂંટણી વિભાગ દ્વારા રાત્રે 9 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર 6 તાલુકાના આંકડા મળ્યા નથી. પરંતુ સરેરાશ 72 ટકા મતદાન થયું છે વર્ષ 2015ની ચૂંટણીમાં 73.30 ટકા મતદાન થયું હતું જે 1.30 ટકાનો ઘટાડો સૂચવે છે. આ વખતે પણ 70 ટકાથી વધુ મતદાન થયું છે. વડાલી પાલિકામાં 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. હિંમતનગર અને વડાલી પાલિકામાં કુલ 265 બેઠક માટે 279 મતદાન મથકો પર 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. સૌથી વધુ મતદાન વડાલીના વાસણા(અસાઈ) બેઠક પર 82.04 ટકા સૌથી ઓછું હિંમતનગરની બળવંતપુરા બેઠક પર 35.74 ટકા મતદાન થયું હતું. વડાલી તાલુકામાં સૌથી વધુ 74.35 ટકા મતદાન નોંધાયું હતું.

2015નું રિઝલ્ટ
2015ની સાબરકાંઠાની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 36 બેઠકોમાંથી ભાજપને 27 અને કોંગ્રેસને 09 બેઠકો મળી હતી. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 36 બેઠકોમાંથી ભાજપને 07 અને કોંગ્રેસને 29 બેઠકો મળી હતી. અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 172 માંથી ભાજપને 62 અને કોંગ્રેસને 106 બેઠકો મળી હતી.