આક્રોશ:સાબરકાંઠા જિલ્લા પંચાયત શાસકોએ 60 કરોડના વિકાસકામો એજન્સીને આપવાની પેરવીથી સરપંચોનો વિરોધ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 મા નાણાંપંચની ગ્રાન્ટ મામલે સાબરકાંઠાના સરપંચોએ બાંયો ચઢાવી , ભાજપ અને કોંગ્રેસ સમર્પિત સરપંચોની બાદબાકી થતાં આક્રોશ
  • જો નિર્ણય નહીં બદલાય તો સાગમટે રાજીનામાં આપવાની સરપંચોએ ચીમકી ઉચ્ચારી

ભાજપ શાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા 15 મા નાણાપંચની ગ્રાન્ટના વિકાસ કામોના આયોજનની કામગીરી જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ સરપંચોની બાદબાકી કરી પાછલા બારણે એજન્સીને સોંપી દેવાની પેરવી કરતાં વિરોધનો વંટોળ ઉભો થયો છે અને કોંગ્રેસ - ભાજપ સમર્પિત સરપંચોએ જિલ્લા પંચાયતના શાસકો સામે બાંયો ચઢાવી છે અને જિલ્લા પંચાયતના શાસકો નિર્ણયને વળગી રહેશે તો સાગમટે રાજીનામાં ધરી દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ભાજપ શાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયતના શાસકો સામે કોંગ્રેસ તો ઠીક પરંતુ ભાજપ સમર્પત સરપંચોએ પણ લડતના મંડાણ કર્યા છે. અત્યાર સુધી રૂ.5 લાખના વિકાસના કામોની ગ્રાન્ટના આયોજનની સત્તા સરપંચો પાસે હતી. પરંતુ તાજેતરમાં જિલ્લા પંચાયતના શાસકોએ સરપંચની બાદબાકી કરી અંદાજે રૂ.60 કરોડના વિકાસ કામો એક જ એજન્સીને આપવાની પેરવી કરી છે. જેને પગલે જિલ્લા ભરના સરપંચોમાં ભારે રોષ પેદા થયો છે આક્રોશ વ્યક્ત કરાઇ રહ્યો છે કે ભૂતકાળમાં જિલ્લા પંચાયતના શાસકોએ વગર ટેન્ડરે કામગીરી આપવાનો વિવાદ થયો હતો.

તે એજન્સીને જ દલાતરવાડીની માફક કામ આપી દેવાનું નક્કી કરી લીધુ છે. જિલ્લાના પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં તો કામ પણ શરૂ કરી દેવાયા છે જેને પગલે બાકીના તાલુકાના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીઓને આવેદન પત્રો આપી છેક સુધી લડી લેવાનો નિર્ધાર જાહેર કર્યો છે. જિલ્લા પંચાયતના નિર્ણયને પગલે સરપંચોમાં અધિકાર છીનવાઇ ગયા હોવાની લાગણી પેદા થતાં આ નિર્ણયને વળગી રહેવામાં આવશે તો આગામી સમયમાં બંને રાજકીય પક્ષને સમર્થિત સરપંચોએ રાજીનામા ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે.

આગામી સમયમાં આંદોલન કરીશું
અમારો એક જ મુદ્દો છે 15 મા નાણા પંચની ગ્રાન્ટ ના કામો ખાનગી એજન્સીને આપવામાં આવે છે એનો કોઇ મતલબ નથી ખાનગી એજન્સીઓ કામ કરી શકતી હોય તો સરપંચોની જરૂર જ શું છે ગામમાં શું સુવિધા જોઇએ તેની અમને જ ખબર હોય એજન્સીને શું ખબર હોય અત્યાર સુધી 5 લાખના કામોની સત્તા સરપંચની હતી જિલ્લા પંચાયત એજન્સીને કામ સોંપવાનો ખોટો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં બધા ભેગા થઇ આંદોલન કરીશું - વિક્રમભાઇ ઝાલા, સરપંચ, કેશરપુરા

CM ને મળી આ અંગે રજૂઆત કરીશ
સાબરકાંઠા જિલ્લામાં નાણા પંચના કામ હોય કે મનરેગાના કામ હોય સરકારના પરિપત્રોનું ઉલ્લંઘન કરીને પંચાયતોના સરપંચોને દેશના વડાપ્રધાને જે સત્તા આપી છે તે છીનવી લેવાનુ કામ કોણે કર્યું છે તે મને સમજાતુ નથી નાણા પંચના કરોડો રૂપિયાના કામ સરપંચોની બાદબાકી કરીને એજન્સીને સોંપાયા છે એના માટે મંગળવારે મુખ્યમંત્રીને મળવાનો છું.- અશ્વિન કોટવાલ , ધારાસભ્ય,ખેડબ્રહ્મા

મારા ધ્યાને આવું કાંઇ આવ્યું નથી
એવું કાંઇ મારા ધ્યાન ઉપર આવ્યુ નથી સરપંચો અને કાર્યકરોની રજૂઆત આવી છે તો હું ટીડીઓ-ડીડીઓ સાથે ચર્ચા કરી તપાસ બાદ ગાઇડલાઇનથી બહાર ના કામ થતા હશે તો રોક લગાવીશું કેન્દ્ર સરકારની 15 મા નાણાપંચની જે પણ ગાઇડલાઇન હશે તેનો અમલ કરાશે. વિવાદિત ભૂતકાળ ધરાવનારને કામગીરી સોંપાઇ હશે તો તેની પણ તપાસ થશે.- ધીરૂભાઇ પટેલ, પ્રમુખ, સા.કાં. જિ.પં.

નિવેડો નહી આવે તો રાજીનામા આપીશું
સરપંચો ભેગા નહીં થાય તો તેમની સત્તાઓ છીનવાઇ જશે અને પંચાયતોને તાળા મારવા પડશે. નાણાંકીય સત્તાઓ આંચકી લઇને સરપંચોની માનહાનિ કરાઇ છે. નિવેડો નહી આવે તો રાજીનામા આપી દઇશું.> સોમાજી મકવાણા, સરપંચ, પીલુદ્રા

બે તાલુકામાં એજન્સીએ કામ શરૂ કર્યું
પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં તો કામ પણ શરૂ કરી દેવાતા બાકીના તાલુકાના સરપંચોએ TDOને આવેદન પત્રો આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...