તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ગેસના ભાવ વધતાં સિરામીક ઉદ્યોગકારોની મુશ્કેલીઓ વધી

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 ઓગસ્ટથી ગેસના ભાવમાં 5 થી વધુ ભાવ વધી ગયા
  • સાબરકાંઠાના 16 એકમો પર મહિને 8 લાખનું ભારણ વધ્યું

સિરામીક ઉત્પાદનોની કિંમતમાં મહત્વની ભૂમિકા ભજવતા ગેસની કિંમતમાં 24 ઓગસ્ટથી રાતોરાત રૂ. 4.37 અને અને ટેક્સ મળી રૂ. 5 થી વધુ ભાવ વધી ગયા છે. એટલે કે છેલ્લા બે માસમાં રૂ. 7 થી વધુનો ભાવ વધારો ઝીંકાયો છે. સાબરકાંઠાના સિરામીક ઉદ્યોગમાં વપરાતાં ગેસમાં સાબરમતી ગેસ કંપની દ્વારા છેલ્લા બે માસમાં બે વખત વધારો કરાયો છે અને હાલમાં ટેક્સ સહિત પ્રતિક્યૂબીક મીટર રૂ. 5 થી વધુ રાતોરાત ભાવ વધારો ઝીંકાયો છે.

આ ભાવ વધારાને સિરામીક ઉદ્યોગ સહન કરી શકે તેમ નથી અગામી દિવસોમાં ટાઈલ્સના ભાવ વધી જશે અથવા સીરામીક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. મોટાભાગના કિસ્સામાં એડવાન્સ ઓર્ડર લઇને માલ સપ્લાય કરાય છે. રાતોરાત ભાવ વધારો થતાં ઉત્પાદન ખર્ચ વધી જનાર છે. ઉદ્યોગકારોને નફો તો દૂર ખોટ ખાઇને વેપાર કરવો પડે તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. જિલ્લામાં નાની મોટી 16 જેટલી સિરામીક છે અને રૂ. 5 થી વધુ ભાવ વધતાં મહિને રૂ. 8 લાખનું ભારણ વધી ગયુ છે.

ગત જૂનમાં રૂ.2 ના વધારા બાદ 24 ઓગસ્ટથી રૂ. 5 થી વધુ પ્રતિક્યૂબીક મીટર ગેસના ભાવ વધ્યા છે. જિલ્લામાંથી પ્રતિમાસ 300 થી વધુ કન્ટેનરની નિકાસ થાય છે. રાજ્ય અને વિદેશમાંથી ત્રણ - ચાર માસ અગાઉ લીધેલ ઓર્ડર પૂરા કરવા મોટી ખોટ સહન કરવી પડશે.

ગેસ કંપનીઓ લૂંટ ચલાવે છે
ગેસ કંપની દ્વારા પાઇપ લાઇન દ્વારા ગેસ પહોંચાડી હવે ઉદ્યોગકારોને લૂંટવાનું શરૂ કરી દીધુ છે તેવી ચર્ચાઓની સાથે સસ્તો કોલ ગેસ વાપરવા ઉદ્યોગકારોને મજબૂર કરાઇ રહ્યાનો સૂર પણ ઉભો થઇ રહ્યો છે.

માસિક ‌8 લાખનું ભારણ વધ્યું: પ્રમુખ
સાબરકાંઠા સિરામીક એસો.ના પ્રમુખ મણીભાઇ પટેલે જણાવ્યુ કે જિલ્લાની 16 સિરામીક પર પ્રતિમાસ કુલ રૂ. 8 લાખ થી વધુનુ ભારણ વધ્યું છે. તમામ ઉદ્યોગકારોએ ત્રણ મહિનાનો કરાર કર્યો છે. હવે ક્યુબીક મીટર દીઠ રૂ. 37.51 ચૂકવવા પડશે જેની પર ટેક્સ લાગશે. જેને પગલે પડતર કિંમત વધી જશે. અગાઉના લીધેલ ઓર્ડર કેવી રીતે પૂરા કરવા તે મોટી સમસ્યા બની રહેશે. સરકાર દ્વારા સિરામીક ઉદ્યોગને ટકાવી રાખવા સહકાર આપવામાં આવે અને ગેસના ઉપર લેવાઇ રહેલ નફાનું પ્રમાણ ઘટાડાય તો મોટી રાહત મળી રહેશે. તેમણે ઉમેર્યુ કે અચાનક થતો ભાવ વધારો 6 મહિનાનો નફો લઇ જાય છે.

ભાવ વધારાથી ઉદ્યોગકારોમાં ભારે રોષ
સાબરમતી ગેસ કંપનીએ રાતોરાત ભાવ વધારો ઝીંકી દેતા ઉદ્યોગકારોમાં રોષ પેદા થયો છે. આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે ત્રણ મહિનાનો એગ્રીમેન્ટ કરવા પાછળ ગમે ત્યારે ભાવ વધારો ઝીંકી દેવાય છે. જેથી શંકા પેદા થઇ રહી છે કે ગેસ કંપની આંતરરાષ્ટ્રીય બજારમાંથી ત્રણ મહિનાનો ગેસ ખરીદતી નહી હોય જો ખરીદતી હોય તો આંતરરાષ્ટ્રીય બજારમાં ભલે ભાવ વધે, સ્થાનિક સ્તરે જૂની ખરીદીનો ગેસ જૂના ભાવે આપી જ શકે.

અન્ય સમાચારો પણ છે...