ચોરી:હિંમતનગર શનિમંદિરમાં છત્તર ચોરનાર નિવૃત્ત પોસ્ટકર્મી ઝબ્બે

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
છત્તર ચોરનાર સીસીટીવીમાં કેદ - Divya Bhaskar
છત્તર ચોરનાર સીસીટીવીમાં કેદ
  • સાંજે ચોરી કરી હતી, ચોરી કરનાર માનસિક બીમાર: પોલીસ

હિંમતનગર શહેરના ખાડીયા ચાર રસ્તા સ્થિત શનિદેવ મંદિરમાં તા.14-11-21 ના રોજ સમી સાંજે દર્શનના બહાને બેગ લઇને આવેલ શખ્સે મૂર્તિની ઉપર લગાવેલ ચાંદીનું છત્તર ચોરી કરી જતાં ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ચોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં છત્ર લઈ જનાર શખ્સને પોલીસે પકડ્યો હતો.પકડાયેલ શખ્સ પોસ્ટનો નિવૃત્ત કર્મી અને માનસિક બીમાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

રવિવાર સાંજે બેગ લઇને આવેલ શખ્સ પહેલા હનુમાનજીના મંદિરમાં જતો દેખાય છે દરમિયાનમાં બે જણાં દર્શન અર્થે આવતા તેમની સાથે વાતચીત કરી આઘો પાછો થાય છે અને બંને નીકળી ગયા બાદ શનિદેવના મંદિરમાં પ્રવેશી પગે લાગી કોઇ જોતું નથી ની ચકાસણી કરી મૂર્તિ પર લગાવેલ છત્તરના તારને ખીંટી ઉપરથી ખોલી ચોરી કરી પહેલા ખિસ્સામાં મૂકવા પ્રયાસ કરે છે. પરંતુ છત્તર ખિસ્સામાં ન આવતાં વાંકો વળી બેગમાં મૂકી છત્તર લઈ સિફતપૂર્વક રવાના થઇ જાય છે. ફૂટેજમાં તારીખ તા.14-11-21 અને સમય 17:48 કલાક જોવા મળી રહ્યો છે. ચોરીનો વીડિયો વાયરલ થયા બાદ આ શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. બી ડિવિઝન પીએસઆઇ એ.વી. જોષી એ જણાવ્યુ કે ફૂટેજમાં દેખાતાં પોસ્ટના નિવૃત્તકર્મીને પકડી પૂછપરછ ચાલી રહી છે પરંતુ તેમને માનસિક બિમારી હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...