આરોપ:કાંકણોલમાં ગૌચરની જમીનમાં બિલ્ડરો,પૂર્વ સરપંચ, ઉપસરપંચ સહિતે દબાણ કર્યાની રાવ

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂમાફિયા અને પંચાયતના પદાધિકારીઓ તથા બિનખેતીમાં રૂપાંતરની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ દ્વારા ગંભીર ગેરરીતિઓ આચરી હોવા અંગે ડીડીઓને ફરિયાદ

હિંમતનગરને અડીને આવેલ કાંકણોલ ગ્રામ પંચાયત હસ્તકના ગૌચરના 26 જેટલા સર્વે નંબર પૈકી એકપણ સર્વે નંબર દબાણ વગર ન હોવાનો દાવો કરવા સહિત બિલ્ડરો અને સ્વયં પૂર્વ સરપંચ અને વર્તમાન ડેપ્યુટી સરપંચે પણ ગૌચરમાં દબાણ કર્યું હોવા અંગે લેખિત ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે.

કાંકણોલ ગામના ચંદ્રકાન્તભાઈ ડાહ્યાભાઇ પટેલે જણાવ્યું કે ભૂમાફિયાઓએ કાંકણોલનું ગૌચર ખતમ કરી નાખવા માડ્યુ હોય તેમ ગૌચરના તમામ સર્વે નંબરોમાં દબાણ કર્યા છે. બિલ્ડરોએ તો પાછું વાળીને જોયું નથી પરંતુ પૂર્વ સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચ બીરેનભાઈ પટેલે પણ દબાણ કર્યું છે. ગૌચર હેડે ચાલતા અન્ય એક સર્વે નં.1405 જેનું ક્ષેત્રફળ 2-80-60 હે.આરે.ચોમી છે તેમાં બિલ્ડર દ્વારા અધિકૃત જગ્યાની બાજુમાં આવેલ ગૌચરની જમીનમાં હાલ પાકું બાંધકામ શરૂ કરી દીધું છે

તદ્દપરાંત જૂના સર્વે નં 764/2 પૈકીમાં જવા માટેનો બિલ્ડરો દ્વારા બતાવાયેલ રસ્તો પણ ખોટો છે નક્શામાં નાળીયુ બતાવ્યું છે તે હકીકતમાં ગૌચર છે ભૂમાફિયા અને પંચાયતના પદાધિકારીઓ તથા બિનખેતીમાં રૂપાંતરની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ દ્વારા ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવા અંગે ડીડીઓને ફરિયાદ કરી છે. તેમણે ઉમેર્યું કે ગામના ગૌચરના તમામ સર્વે નંબરોના દબાણ હટાવવામાં સ્થાનિક તંત્રનો સહયોગ નહીં મળે અને ન્યાય નહીં મળે તો હાઇકોર્ટમાં પૂરાવા રજૂ કરતા ખચકાઈશ નહીં. કાંકણોલમાં ગૌચરમાં દબાણનો મુદ્દો ફરી બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

માપણી માટે તજવીજ હાથ ધરાઇ છે : તલાટી
કાંકણોલ તલાટી જીતુભાઈ પટેલે જણાવ્યું કે સર્વે નંબર 1405ની આજુબાજુના લે આઉટ પ્લાન મેળવી સક્ષમ માપણી અધિકારી પાસે માપણી કરવા તજવીજ હાથ ધરાઇ છે.

તળાવ આસપાસની જમીનો પણ ઓળવી લેવાઈ
કાંકણોલ ગામના દિનેશભાઇ પટેલે જણાવ્યું કે સર્વે નંબર 893 અને સર્વે નં.1001 ગૌચર હેડે ચાલે છે જેમાં ગામ તળાવ છે 27 એકરનુ તળાવ હાલ સ્થળ ઉપર 17 નું થઇ ગયું છે. આજુબાજુના ખેડૂતોએ ચારે તરફ દબાણ કર્યું છે કેટલીક જગ્યાએ પાકું દબાણ કર્યું છે. જિલ્લાના પદાધિકારીઓ છાવરી રહ્યા છે અને તેમની રહેમ નજર હેઠળ દબાણનો રાફડો ફાટ્યો છે. સ્થળ તપાસ કરી સક્ષમ અધિકારી દ્વારા માપણી કરી તમામ દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવા તા.15/02/22 ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...