નરાધમને સજા:ઇડરમાં પોક્સોના આરોપીને આજીવન કેદ, કેસ ચાલવા દરમિયાન પણ અન્ય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પંચમહાલના શખ્સે ઇડરના લાલોડામાં રહેતી વડોદરાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું
  • આ પ્રકારની માનસિકતા વાળા શખ્સો સમાજમાં ખુલ્લા ન મૂકી શકાય:કોર્ટ

ઇડરના લાલોડામાં રહેતી મૂળ વડોદરા જિલ્લાની ખેતમજૂર સગીરાનું પાંચેક વર્ષ અગાઉ અપહરણ કરી લઈ જનાર પંચમહાલ જિલ્લાના શખ્સ વિરુદ્ધ ઇડરમાં અપહરણ, દુષ્કર્મ, પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ થયા બાદ સ્પે. પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે જિંદગીના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. કેસ ચાલવા દરમિયાન પણ અન્ય સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું બહાર આવ્યું હતું.

લાલોડામાં ખેતરના કૂવા પર રહેતા મજૂર પરિવારના વડોદરાના પરિવારના પરિચયમાં આવેલ પંચમહાલના હાલોલના ખેરાવાવડીનો વિજય ભરત નાયક અવારનવાર કૂવા પર આવતો હતો. જે લાલોડાના બાબુભાઈ હીરાભાઈ ભરવાડના ટ્રેક્ટર પર નોકરી કરતો હતો.

વિજયનાયકે ખેતમજૂર પરિવારની સગીરાને ભોળવીને તા. 05-05-18 ના રોજ રાત્રે પરિવાર ધાબા પર સૂતો હતો તે દરમિયાન અપહરણ કરીને ચિત્રોડાથી અમદાવાદ કચ્છ માંડવી બેદડા ગામે લઇ ગયો હતો જ્યાં સુરેશભાઈ દેવશીભાઈ પટેલના કૂવા પર વિજય નાયકના પિતા અને ભાઈ બહેનો રહેતા હતા ત્યાં મંદિરમાં ફૂલહાર કરી પત્ની તરીકે રાખતો હતો. દરમિયાનમાં ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ બંનેને પકડી ઇડર લાવી હતી.

આ અંગે સ્પે. પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા બાદ મદદનીશ જિલ્લા સરકારી વકીલ પ્રણય જયંતીલાલ સોનીએ રજૂ કરેલ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તેજસ એસ. બ્રહ્મભટ્ટે વિવિધ કલમોમાં કસૂરવાર ઠરાવી વિજય ભરત નાયકને મહત્તમ આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

જીવનના અંતિમ શ્વાસ સુધી કેદ.... કેસ ચાલવા દરમિયાન અન્ય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું
ઇડર સ્પે. પોક્સો કોર્ટમાં અપહરણ, દુષ્કર્મ, પોક્સો એક્ટની કાર્યવાહીનો સામનો કરી રહેલ વિજય ભરત નાયકે દસેક માસ અગાઉ ઇડરના અન્ય એક ડુંગરપુરના ખેતમજૂર પરિવારની 12 વર્ષીય સગીરા સાથે બદકામ કર્યું હતું જે અંગે ગુનો પણ નોંધાયો છે જે કોર્ટના સંજ્ઞાનમાં લવાતા આ પ્રકારની માનસિકતા વાળા શખ્સો સમાજમાં ખુલ્લા ન મૂકી શકાય તેવી દલીલની ગંભીર નોંધ લઇ જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

આ કલમમાં આરોપીને સજા થઈ
{આઇપીસી 363 અંતર્ગત 7 વર્ષની કેદ રૂ. 5 હજાર દંડ
{આઇપીસી 366 અંતર્ગત 10 વર્ષની કેદ રૂ. 5 હજાર દંડ
{ આઇપીસી 376 (2) (એન) અને પોક્સો એક્ટની કલમ 4, 5 (એલ) અને 6 અંતર્ગત જિંદગીના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ

ભોગ બનનારને ~6 લાખ ચૂકવવા આદેશ
પોક્સો એક્ટની જોગવાઈઓ અંતર્ગત કોર્ટે ભોગ બનનારને રૂ.6 લાખ ચૂકવી આપવા ડીએલએસએ હિંમતનગરને હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...