તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામડાઓમાંથી સીમમાં હિજરત:કોરોનાના ડરે હિંમતનગરના ગામોમાં લોકોએ ઘર છોડી ઉચાળા ભર્યા, ઢોરઢાંખર સહિત અમુક પરિવારે ખેતરમાં વસવાટ કર્યા

હિંમતનગરએક મહિનો પહેલા
  • જિલ્લામાં 12મી સુધી સત્તાવાર રીતે 134 નવા કેસ, 186 દર્દી સાજા થયા હતા અને 1નું મોત નોંધાયું હતું

રાજ્યમાં કોરોનાના સરેરાશ કેસ 11 હજાર છે. તેમાં છેલ્લા એક અઠવાડિયાથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે આ આંકડા પણ રાજ્યમાં ગંભીર સ્થિતિની ચાડી ખાય છે. એનાથી પણ વધારે ચિંતાનો માહોલ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યો છે. હિંમતનગરના ગામોમાં કોરોનાનો એટલો ખોફ છે કે લોકો ઘરબહાર છોડીને ઢોરઢાંખર સાથે ખેતર તરફ પ્રયાણ કર્યું છે. ખેતરમાં જ ખુલ્લા વાતારવરણમાં ઝાડ નીચે રહેવા લાગ્યા છે.

હિંમતનગરના ધુલેટા ગામમાં લોકોએ ખેતરની વાટ પકડી
હિંમતનગરના ધુલેટામાં કોરોનાએ પગપેસારો કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છે. લોકો એટલી હદે ડરી ગયા છે કે પોતાના ઢોર-ઢાંખર અને જીવનજરૂરી ચીજવસ્તુઓ સાથે ખેતરમાં રહેવાનું નક્કી કર્યું છે. અહીં 17થી વધારે પરિવારો પોતાના માલસામાન અને ભેંસો સહિતના પશુઓ લઈને ખેતરને જ ઘર બનાવી દીધું છે. અહીં એક સપ્તાહમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે અને બિનસત્તાવાર રીતે 40 લોકો કોરોના પોઝિટિવ છે. જો કે, આરોગ્ય વિભાગ ગામમાં કોરોનાના કેસ હોવાછતાં સરકારી ચોપડે એકેય કેસ બતાવતા નથી.

ધુલેટા ગામના કેટલાક લોકો ખેતરમાં રહેવા જતા રહેતા ગામ ભેંકાર ભાસે છે
ધુલેટા ગામના કેટલાક લોકો ખેતરમાં રહેવા જતા રહેતા ગામ ભેંકાર ભાસે છે

ધુલેટાના લોકોની કોરોના સામે અગમચેતી
ગામમાં 40થી વધારે કોરોના પોઝિટિવ કેસ હોવાથી સંક્રમણ વધુ ન ફેલાય તેની અગમચેતીરૂપે લોકોએ ગામ છોડવાનું પસંદ કર્યં હોવાનું જાણવા મળે છે. અઠવાડિયામાં થયેલા ટપોટપ મોત અને નવા કેસને પગલે તેમને હિજરત કરવા મજબૂર કર્યા છે. જ્યારે ખેતરમાં સુરક્ષિત અને ચોખ્ખુ વાતાવરણ હોવાથી તેઓ નિશ્ચિત થઈને રહી શકે છે તેથી અગમચેતીના ભાગરૂપે જ ખેતરની પસંદગી ઉતારી છે.

જિલ્લામાં કોરોનાની સ્થિતિ
સાબરકાંઠામાં પણ કોરોનાનો કહેર યથાવત છે. રાજ્ય સરકાર દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને બહાર પાડવામાં આવતા આંકડા મુજબ 13મી મેએ જિલ્લામાં 123 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 221 દર્દીઓએ કોરોનાને માત આપી હતી અને 2 દર્દીના મોત થયા હતા. અત્યાર સુધી જિલ્લામાં 7 હજાર 293 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે. તો અત્યાર સુધી 5 હજાર 549 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે 130 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

ખેતરમાં ઝાડ નીચે જ લોકોને ખુલ્લામાં રહેવાનં પસંદ કર્યું છે
ખેતરમાં ઝાડ નીચે જ લોકોને ખુલ્લામાં રહેવાનં પસંદ કર્યું છે

તંત્રની ઢિલાશને પગલે પણ ડેરાતંબૂ ખેતરમાં તાણ્યા
કોરોનાને કારણે સાબરકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ બદતર બની રહી છે. તંત્ર દ્વારા સબ સલામતના દાવા થઈ રહ્યા છે. તેની સામે વાસ્તવિકતા અલગ છે. કોરોનાના ડરે ગામ અને ઘર છોડી ખેતરોમાં હિજરત કરી રહ્યા છે. ભેંસો,ખાટલા અને ઘરવખરી લઈને હિંમતનગરના ધુલેટા ગામના લોકો ખેતરમાં રહેવા જતાં રહ્યા છે. ગામના 17થી વધુ પરિવારોએ ઘરનું ઘર છોડીને. ઘરને તાળા મારીને ખેતરમાં આંબા કે મહુડાનાં ઝાડ નીચે વસવાટ શરૂ કર્યો છે. આમ કરવા પાછળનું કારણ આરોગ્ય વિભાગના ચોપડે સલામત અને કોરોનામુક્ત ગણાતા ધુલેટા ગામમાં કોરોનાએ વર્તાવેલા કાળા કેર છે. સરકારી ચોપડે એકેય કેસ ચડ્યો નથી અને ગામમાં થોકબંધ લોકો કોરોના સંક્રમિત છે. આંકડાની માયાજાળને પગલે ગામના આગેવાન તાકીદે સારવાર શરૂ કરવા માગ કરી રહ્યા છે.

લોકો ખેતરમાં રહેવા ગયા તે મુદ્દે સરપંચની સ્પષ્ટતા
DivyaBhaskarના હિંમતનગરના પ્રતિનિધિએ ધુલેટા ગામના સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગામમાં જેમને ખેતર છે તે 4-5 લોકો જ ખેતરમાં રહેવા ગયા છે. એટલા લોકો જવાથી હિજરત ન કહેવાય. કોરોનાના પાંચ કેસમાં મરણ થતાં નથી. હાલમાં કોઈને ખાસ તકલીફ નથી.