કોરોનાનો કહેર:17 દિવસમાં સાબરકાંઠામાં નોંધાયેલા કુલ 126 કેસ પૈકી હિંમતનગર શહેર અને તાલુકામાં 88 કેસ

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં દાદી-પૌત્ર, હરસોલના શિક્ષક, 2 વિદ્યાર્થી સહિત સા.કાં.માં 25 કેસ
  • રવિવારે અરવલ્લી અને બ.કાં.માં 13-13 કેસ, મહેસાણા અને પાટણમાં 19-19 કેસ

સાબરકાંઠા જિલ્લામાં શનિવારે 8 કેસ નોંધાયા બાદ રવિવારે ફરીથી કોરોના વિસ્ફોટ થતાં હોટસ્પોટ હિંમતનગરમાં 18 કેસ સહિત જિલ્લામાં નવા 25 કેસ નોંધાયા હતા. જેમાં હિંમતનગરના દાદી અને પૌત્ર, હરસોલ સરકારી શાળાના શિક્ષક અને હિંમતનગરના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આરોગ્ય સૂત્રોના જણાવ્યાનુસાર તમામ 25 દર્દી સ્ટેબલ છે અને હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. છેલ્લા 17 દિવસમાં સા.કાં.માં નોંધાયેલા કુલ 126 કેસ પૈકી હિંમતનગર શહેર અને તાલુકામાં 88 કેસ નોંધાયા છે અને અત્યારસુધીમાં 5 દર્દી કોરોનામુક્ત જાહેર કરાયા છે. અરવલ્લી જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટિવના 13 કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 68 એ પહોંચી છે. સૌથી વધુ દર્દીઓ મોડાસા શહેરના જુદા-જુદા વિસ્તારોનાં નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરી દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

સા.કાં. એપેડેમિક ઓફિસર ડો.મુકેશ કાપડીયાએ જણાવ્યું કે હિંમતનગરમાં 18 ઈડરમાં 3 તલોદમાં 2 તથા વડાલી અને પ્રાંતિજમાં 1-1 કેસ નોંધાયા છે. જેમાં 19 પુરુષનો સમાવેશ થાય છે અને ત્રણ બાળકો છે. હરસોલની સરકારી શાળાના એક શિક્ષક, હિંમતનગરની ગ્રીન એપલ અને પરફેક્ટ સ્કૂલના 2 વિદ્યાર્થીઓ અને હિંમતનગરની 56 વર્ષીય મહિલા તથા 3 વર્ષીય પૌત્રનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તમામ દર્દીઓ સ્ટેબલ છે અને હોમઆઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.સાબરકાંઠામાં છેલ્લા 9 દિવસમાં 101 કેસનો વધારો થયો છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 120 થઈ ગઈ છે માત્ર પાંચ દર્દી એડમિટ કરાયા છે રાહતની વાત એ છે કે 03 થી 17 વર્ષના સંક્રમિત થયેલ તમામ 11 બાળકોને ઘેર જ સારવાર થઈ રહી છે તથા તમામની સ્થિતિ સ્થિર છે. કેસ વધવાની સાથે કન્ટેન્ટમેન્ટ એરિયા પણ વધતા જાય છે રવિવારે 3 નો વધારો થતાં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 24 થઈ છે.

અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેરમાં કોરોના પોઝિટિવના 11, માલપુરમાં 1 અને મેઘરજમાં 1 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોકત વિસ્તારોમાં કન્ટેન્ટમેન્ટ જાહેર કરવા અને કોરોના નું સંક્રમણ અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી. જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના 68દર્દીઓ નોંધાયા છે. આ પૈકી 66 દર્દીઓ એક્ટિવ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. જિલ્લામાં રવિવારે આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમ દ્વારા 1500 જેટલા લોકોના સેમ્પલ લેવાયા હતા અત્યાર સુધી એક સપ્તાહના સમયગાળામાં 10 હજાર જેટલા લોકો ના સેમ્પલ લેવાયા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 68 દર્દીઓ નોંધાયા છે. આ દર્દીઓ પૈકી માલપુરના સાતરડાના માત્ર બે દર્દી સાર્વજનિક હોસ્પિટલમાં 4 દિવસ અગાઉ સારવાર લીધી હતી. અત્યારે હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર લઈ રહ્યો નથી તમામ દર્દીઓ હોમક્વોરન્ટાઇન છે. કોઇ દર્દી હોસ્પિટલમાં નથી.

માલપુરના કોયલીયામાં 3 છાત્રાઓ સંક્રમિત
માલપુરની કસ્તુરબા ગાંધીબાલિકા વિદ્યાલયમાં ધો.9 ની 1 અને ધો. 8 ની ર2 નવની બે વિદ્યાર્થિઓને કોરોના થતાં શાળાના વિદ્યાર્થીઓમાં ગભરાટ થયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા શાળામાં 51 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કર્યા હતા. જોકે આરોગ્ય વિભાગ દ્વારા તમામના ટેસ્ટ કરી બધા રિપોર્ટ નોર્મલ હોવાનું જણાવ્યું હતું.

સા.કાં.માં 15-18 વયજૂથમાં 95.52 % રસીકરણ
સાબરકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા ગત સપ્તાહ દરમિયાન 15 થી 18 વયજૂથમાં કિશોર-કિશોરીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની ચલાવાયેલ ઝુંબેશ દરમિયાન 66614 બાળકોને વેક્સિન આપવામાં આવી હતી વિભાગના લક્ષાંકની સામે 95.52 ટકા કામગીરી થઇ છેp રાજ્ય સરકારના લક્ષ્યાંકની સપેક્ષમાં 69.90 ટકા કામગીરી થઇ છે.

આરસીએચઓ ડો.જયેશ પરમારે જણાવ્યું કે આઠ તાલુકામાં 69738ના લક્ષ્યાંક ની સામે 66614 બાળકોને વેકસLનનો પ્રથમ ડોઝ અપાયો છે. જનરલ વેક્સિનેશનમાં 18 વર્ષથી ઉપરના 10,29,093 એટલે કે 92.51 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ અપાઇ ચૂકયો છે તે પૈકીના 9,96,913 એટલે કે 96.88 ટકા લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાઇ ચૂકયો છે. રાજ્યસરકાર દ્વારા 15 થી 18 વયજૂથમાં 95291 બાળકોનું લક્ષ્યાંક નક્કી કરાયું છે જેનાથી અસમંજસ સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...