હિંમતનગર તાલુકાના ઇલોલમાં સપ્તેશ્વર - દેશોતર હાઇવે પર કોઇપણ જાતની પરવાનગી લીધા વગર 11 જેટલી દુકાનો તાણી બાંધવામાં આવી હોવા અંગે ફરિયાદ અંતર્ગત કલેક્ટરે 11 દુકાનોનુ ગેરકાયદેસર બાંધકામ 30 દિવસમાં દૂર કરવા હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે અને યેનકેન પ્રકારે કામગીરીને વિલંબમાં નાખવા દોડધામ મચી છે.
ગેરકાયદેસર બાંધકામોની અવાર નવાર ફરિયાદો થતી રહે છે ઇલોલના ભાસ્કરભાઇ ડાહ્યાભાઇ ભટ્ટે રીસર્વે નંબર 1232 તથા 1771 ની ખેતી હેડે ચાલતી જમીનમાં કોઇ પણ જાતની પરવાનગી વગર અશરફભાઇ દાઉદભાઇ પટેલ અને અન્ય ત્રણ જણાએ 11 દુકાનોનુ બાંધકામ કર્યું હોવાની ફરિયાદ કરતા હિંમતનગર મામલતદારે સ્થળ તપાસ અને રેકર્ડ ચકાસણી કરી તા.07/07/21 થી શરત ભંગના કાગળો તૈયાર કરી મોકલી આપ્યા હતા.
કલેક્ટર સાબરકાંઠાની કોર્ટમાં કાર્યવાહી શરૂ થતા દબાણકર્તાઓને પાંચ મુદતો આપી રજૂઆતની તક આપવામાં આવી હતી પરંતુ બચાવ પક્ષે રજૂ કરેલ દલીલો અને તર્ક કાયદા સુસંગત ન હોઇ તા.12/04/22 ના રોજ કલેક્ટર હિતેશ કોયાએ 11 દુકાનોનુ બાંધકામ રસ્તાના મધ્યબિંદુથી 24 મીટર અને 40 મીટરના બે વિકલ્પની સામે 36 ફૂટ એટલે કે 11 મીટર ના અંતરે અનધિકૃત બાંધકામ કરાયુ હોવાનુ ટાંકીને રેખા નિયંત્રણના નિયમો સાથે સુસંગત ન હોઇ બાંધકામ પરવાનગી માંગવામાં આવે તો મંજૂર કરી શકાય તેવુ જણાતુ ન હોવાથી 30 દિવસમાં અનઅધિકૃત બાંધકામ દૂર કરવાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.