ક્રાઇમ:મોટાકોટડાની મહિલાની લાશ મળવાના કેસમાં 2 થી વધુ શકમંદ પોલીસ રડાર પર

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 દિવસ અગાઉ પરિણીતાની અર્ધબળેલી લાશ મળી હતી

સાતદિવસ અગાઉ ઇડરના મોટાકોટડાની સીમમાં પરિણીતાની અર્ધબળેલી લાશ મળી આવતાં હત્યાનો ગુનો નોંધાયા બાદ એલસીબીની તપાસ દરમિયાન બે થી વધુ શકમંદો રડાર પર આવ્યાનું જાણવા મળી રહ્યુ છે અને પોલીસ દ્વારા પૂરાવા એકત્રિત થઇ રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં મર્ડર મિસ્ટ્રી બની રહેલ આ પ્રકરણનો ભેદ ખૂલનાર હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

સમગ્ર ચકચારી ઘટનાની ટૂંકમાં વિગત એવી છે કે ઇડરના રૂવચના નિલમબેન શૈલેષકુમાર રાઠોડની અર્ધબળેલી લાશ હિંમતનગર ઇડરને જોડતાં ખેડતસીયા રોડ પર મોટાકોટડાની સીમમાં આવેલ બીજલ માતાના મંદિર નજીકથી મળી હતી અને સાસરિયાંઓના જણાવ્યાનુસાર મૃતક કરિયાણું લેવાનું જવાનું કહી નીકળ્યા બાદ બે દિવસથી ગુમ હતા. નીલમબેનની લાશ સાસરીમાંથી નીકળ્યા બાદ બે દિવસ પછી પિયર નજીકથી શંકાસ્પદ હાલતમાં મળતાં તરત જ પોલીસ હરકતમાં આવી હતી અને સાસરી પક્ષ તથા પિયર પક્ષના 15 થી વધુ લોકોની મેરેથોન પૂછપરછ કર્યા બાદ ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. આ દરમિયાન બે થી વધુ શકમંદો પોલીસના રડાર પર આવ્યા હોવાનું અને પૂરાવા એકત્ર થઇ રહ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

લાશની નજીકથી મળી આવેલ મોબાઇલ, મૃતકના ચહેરા પરના ચશ્મા, મૃતક બે દિવસ દરમિયાન ક્યાં હતા વગેરે બાબતોનો જવાબ મેળવવા પોલીસ દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે. ફોરેન્સીક પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થઇ રહેનાર હોવાનો વિશ્વાસ વ્યક્ત થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...