પક્ષી મોજણી અભિયાન પ્રારંભ:ધરોઈ ડેમમાં આજથી યાયાવર પક્ષીઓની મોજણી કરાવાશે

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈ-બર્ડ વેબસાઈટ દ્વારા આંતરરાષ્ટ્રીય ફલક પર માહિતી મૂકાશે

સાબરકાંઠા વન વિભાગ,ગુજરાત પક્ષી સંરક્ષણ સંસ્થા અને એડમ નેચર રીટ્રિટ નાં સંયુક્ત ઉપક્રમે આજથી ધરોઈ ડેમમાં સૌપ્રથમવાર બે દિવસીય પક્ષીઓની મોજણી કરાશે. જેમાં ગુજરાત ભરમાંથી 60 થી વધુ પક્ષી નિરીક્ષકો પૂર્વ ડીજીપી,પૂર્વ સી.સી.એફની હાજરીમાં આ અભિયાનમાં ભાગ લેશે.

આ મોજણી બાદ એકત્રિત માહિતી ઈ-બર્ડ વેબસાઈટ દ્વારા આંતરરાષ્ટ્રીય ફલક પર ઉપલબ્ધ કરાવાશે. જેમાં ખાસ કરીને યાયાવર ઋતુ પ્રવાસી પક્ષીઓ કે જેઓ વતન ભણી જતાં ધરોઈ જળાશયમાં એકાદ બે દિવસનું રોકાણ કરે છે તેઓની ગણતરી કરાશે.

સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ત્રિભેટે આવેલા ધરોઈ જળાગારમાં વતન ભણી જતાં ઋતુ પ્રવાસી પક્ષીઓની મોજણી અગાઉ ક્યારેય થઇ ન હતી. જેમાં સાબરકાંઠા વન વિભાગ ગુજરાત પક્ષી સંરક્ષણ સંસ્થા અને એડમ નેચર રીટ્રિટનાં સંયુકત ઉપક્રમે બે દિવસીય પક્ષી મોજણી અભિયાનનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે.

જે અંગે સાબરકાંઠા વાઈલ્ડ લાઈફ વોર્ડન મયુર રાઠોડ, ગુજરાત પક્ષી સંરક્ષણ સંસ્થાના વડા અને પૂર્વ સી.સી. એફ.ઉદય વોરા, સાબરકાંઠા જિલ્લા વન અધિકારી હર્ષ ઠક્કરના જણાવ્યા અનુસાર આજ થી ધરોઈ જલાગારમાં બે દિવસીય પક્ષી મોજણી અભિયાન હાથ ધરાઇ રહ્યું છે. જેમાં ગુજરાત રાજ્ય ના પૂર્વ ડી.જી.પી.નિત્યાનંદ, જાણીતા પક્ષી વિદ બકુલભાઈ ત્રિવેદી સહિત 60 થી વધુ પક્ષી નિરીક્ષકો ધરોઈ જલાગાર ને સ્પર્શતા સાબરકાંઠા,બનાસકાંઠા અને મહેસાણાના તમામ વિસ્તારો કે જ્યાં યાયાવર અને સ્થાનિક પક્ષીઓના રહેઠાણ છે.

મોજણીમાં જોડાનારા પક્ષી વિદોની બે ટુકડીઓ પૈકી એક ટુકડી ગઢડા શામળાજીમાં રહી ઉત્તર અને દક્ષિણ પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં મોજણી કરશે. જ્યારે અન્ય એક ટુકડી વટપલ્લી તીર્થ વડાલીમાં રહી અગ્નિ કોણ નૈઋત્ય, વાયવ્ય અને ઇશાન ખૂણામાં વસવાટ કરતા પક્ષીઓની મોજણી કરશે. મયુર રાઠોડે જણાવ્યું કે શિયાળામાં ગુજરાતમાં આવતા પક્ષીઓ પરત વતન જાય છે ત્યારે ધરોઈ જલાગારમાં આંશિક વિરામ કરે છે જેની માહિતી આજદિન સુધી ઉપલબ્ધ ન હતી તે ઉપલબ્ધ કરાશે.

એકત્રિત માહિતીનું દસ્તાવેજીકરણ થશે
સાથેજ અહીં રોકાણ કરતાં પક્ષીઓમાં સંવનન પ્રજનન કાળ શરૂ થાય છે તે દરમ્યાન તેમના પીંછાનો રંગ બદલાય છે. તેવા પક્ષીઓનો તથા પાણીની ઊંડાઈના પ્રમાણમાં પક્ષીઓની વૈવિધ્યતાનો પણ ખાસ અભ્યાસ કરી તેની નોંધ કરાશે. સાથે જ આ મોજણી અભિયાનમાં એકત્ર માહિતીનું દસ્તાવેજીકરણ કરી તેને સાબરકાંઠા વન વિભાગને સોંપાશે. સાથે જ સહભાગી તમામ પક્ષી નિરીક્ષકોને વન વિભાગ દ્વારા પ્રમાણપત્ર અપાશે.

અન્ય સમાચારો પણ છે...