આર્યન ખાન ડ્રગ્સ કેસ:હિંમતનગરમાંથી પકડાયેલા MD ડ્રગ્સના તાર રાજસ્થાનના ચંદોલી ગામ સુધી લંબાયાં

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાંથી 10 દિવસ અગાઉ ડ્રગ્સ પકડાયુ હતું. - Divya Bhaskar
હિંમતનગરમાંથી 10 દિવસ અગાઉ ડ્રગ્સ પકડાયુ હતું.
  • હિંમતનગરનો એમડી ડ્રગ્સ કેસનો ફરાર આરોપી ચંદોલી ગામનો જમાઇ થાય છે

હિંમતનગર શહેરમાંથી 10 દિવસ અગાઉ એમડી ડ્રગ્સ પકડાવાના તાર રાજસ્થાનના ચંદોલી સુધી જોડાયેલા હોવાની સંભાવનાઓ જોવાઇ રહી છે અને બહુ ચર્ચિત આર્યનખાન કેસમાં એક આરોપી ચંદોલીનો હોવાનું પોલીસને જાણવા મળ્યા બાદ ચંદોલી ગામના જમાઇ અને એમડી ડ્રગ્સના હિંમતનગરના ફરાર આરોપીને ઝડપી પાડવા ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.

સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે સા.કાં. એસઓજી એ ગત તા.08-10-21 શનિવારે સાંજે હિંમતનગરના પીપલોદી નજીકથી બાતમીને આધારે રૂ.34.86 લાખના 348.60 ગ્રામ એમડી-મેફેડ્રોન ડ્રગ્સ લઇને નીકળેલ પેડલર ઇરશાદખાન ઐયુબખાન પઠાણ (રહે. પતરાવાળી મસ્જિદ ની બાજુમાં પાણપુર પાટિયા ઝહીરાબાદ) ને ઝડપી પાડતાં તમામ એજન્સીઓ હરકતમાં આવી ગઇ છે. પેડલરે પ્રારંભિક પૂછપરછમાં આ જથ્થો ઇરફાનખાન નિસારખાન પઠાણે (રહે. પતરાવાળી મસ્જિદની બાજુમાં પાણપુર પાટિયા ઝહીરાબાદ) આપ્યો હોવાની અને અત્યાર સુધીમાં બે - ત્રણ ટ્રીપ કર્યાની કબૂલાત કરતા બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી.

ઇરશાદખાન પઠાણના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ જરૂરી માહિતી ન મળતાં અને મુખ્ય સૂત્રધાર ન પકડાતાં પોલીસે વધુ 4 દિવસના 20 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. નોંધનીય છે કે ચંદોલી ગામ અસામાજીક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે અને એમડી ડ્રગ્સના તાર ચંદોલી સાથે જોડાયેલા હોવાની સંભાવના જોતાં આખોયે મામલો ગંભીર બની ગયો છે ત્યારે પેડલર પાસેથી કેટલી મહત્વની માહિતી મળે છે તે બાબત સમગ્ર પ્રકરણમાં નિર્ણાયક બની રહેનાર છે.

પોલીસ ચંદોલી તપાસ કરવા જતાં આર્યનખાન કેસનો એક આરોપી ચંદોલી ગામનો હોવાનું બહાર આવ્યું
ઇન્વેસ્ટીગેશન ઓફિસર એચ.બી. વાઘેલાએ જણાવ્યું કે ફરાર આરોપી ચંદોલી ગામનો જમાઇ છે. પોલીસની એક ટીમ ત્યાં તપાસ કરવા જતાં આર્યન ખાન કેસનો એક આરોપી પણ ચંદોલી ગામનો હોવાનું જાણવા મળ્યું છે. ફરાર આરોપી ઇરફાન ખાન નિસારખાન પઠાણ સામે રાજસ્થાનમાં નાર્કોટીક્સના ગુના દાખલ થયેલા છે અને પેડલર પાસેથી કબ્જે લીધેલ બાઇક પણ ચોરીનું હોવાનુ ખુલ્યું છે.