ચૂંટણી પરિણામ:રાત્રે 10 વાગ્યા સુધીમાં સાબરકાંઠાની 195 પંચાયત અને અરવલ્લીની 84 ગ્રામ પંચાયતનાં પરિણામ જાહેર

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોશીના સેવાસદનમાં મતગણતરીની કામગીરી મોડી રાત સુધી ચાલુ રહેતા પરિણામ જાણવા ઠંડીમાં લોકો તાપણાના સહારો લીધો હતો - Divya Bhaskar
પોશીના સેવાસદનમાં મતગણતરીની કામગીરી મોડી રાત સુધી ચાલુ રહેતા પરિણામ જાણવા ઠંડીમાં લોકો તાપણાના સહારો લીધો હતો
  • પ્રાંતિજ તાલુકાના છાદરડા ગામના ધવલ પટેલ 3 મતથી સરપંચ પદે વિજયી બન્યા
  • વડાલી તાલુકાના વડગામડાના વોર્ડ નંબર-1 ના ઉમેદવાર કિરણબેન માત્ર 1 વોટના માર્જીનથી વિજયી થયા
  • ​​​​​​​વિજયનગરના જાલેટીના વોર્ડ નં-6 માં બે ઉમેદવારો વચ્ચે 75-75 મત નીકળતાં

સાબરકાંઠામાં 228 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાયા બાદ મંગળવારે સવારે મતગણતરી હાથ ધરાઇ હતી અને પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં મોડી રાત સુધી 195 પંચાયતોના પરિણામ જાહેર કરાયા હતા. જીતેલા સરપંચ સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ટેકેદારો સાથે ગામમાં જઇ વિજય સરઘસ કાઢ્યા હતા. અરવલ્લી જિલ્લા પંચાયતની 193 પંચાયતમાંથી 84 પંચાયતની ચૂંટણીના પરિણામો મોડી રાત્રે જાહેર થયા હતા.

જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે વિજય થયેલા ઉમેદવારોમાં સરપંચ પદના 80 ટકા ઉમેદવારો ભાજપના હોવાનો દાવો કર્યો હતો. જ્યારે કોંગ્રેસ પ્રમુખ કમલેદ્રસિંહે વિજય થયેલા સરપંચોના 60 ટકા ઉમેદવારો કોંગ્રેસના હોવાનો દાવો કર્યો હતો. મંગળવારે સવારે સાબરકાંઠા જિલ્લાના 8 મતગણતરી કેન્દ્રો પર ભારે ઉત્તેજના પૂર્ણ વાતાવરણમાં ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી કાર્ય હાથ ધરાયુ હતું અને રાઉન્ડ વાઇઝ એક પછી એક પરિણામો જાહેર થતાં ભાજપ-કોંગ્રેસ બંનેએ પોતપોતાના સમર્થનવાળા ઉમેદવારોનો ઉત્સાહ વધારવા અભિનંદન પાઠવ્યા હતા.

આ વખતે બેલેટ પેપરની મતગણતરી કરવાની હોઇ પરિણામો જાહેર થવામાં વિલંબ થયો હતો અને મોડી રાત સુધી મતગણતરી ચાલુ રહી હતી. મતગણના દરમિયાન વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારો ટેકેદારો સહિત મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મતગણતરીને અંતે જેમ જેમ પરિણામો આવતા ગયા તેમ તેમ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. જે તે ગામોના વિજેતા ઉમેદવારોનું ટેકેદારોએ ગુલાલથી વધાવી જે તે મતવિસ્તારમાં વિજય સરઘસ કાઢ્યા હતા.

ગ્રામ પંચાયત ચૂંટણીનાં પરિણામોમાં રસપ્રદ અને રસાકસી વાળા પરિણામો પણ આવ્યા હતા. ખેડબ્રહ્મા તાલુકાની દેરોલ (વા) પંચાયતના સરપંચ તરીકે રાજેન્દ્ર પટેલ માત્ર 2 વોટ થી વિજયી થયા હતા. વડાલીના વડગામડાના વોર્ડ નંબર-1 ના ઉમેદવાર કિરણબેન માત્ર 1 વોટના માર્જીનથી વિજય થયા હતા. વિજયનગરના જાલેટીના વોર્ડ નં-6 માં બે ઉમેદવારો વચ્ચે 75-75 સરખા મત નીકળતા ટાઈ પડતાં ચિઠ્ઠી ઉછાળી હતી.

ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ (વા)માં રાજેન્દ્ર પટેલ 2 મતે વિજયી થયા
ખેડબ્રહ્માના દેરોલ (વા ) પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં 3 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં વિજેતા ઉમેદવાર રાજેન્દ્રકુમાર કેશવલાલ પટેલને 338 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવારને 336 મત મળ્યા હતા. જેથી રાજેન્દ્રભાઈ પટેલને 2 મતે વિજેતા જાહેર કરાયા હતા. ચૂંટણીમાં નોટામાં 15 અને 11 મત અમાન્ય કરાયા હતા. પરિણામ આવ્યાના થોડા સમય બાદ હરીફ ઉમેદવારે રિ-કાઉન્ટીંગની માગ કરી હતી. પણ આ.રો.એ સમય પૂરો થઇ ગયો હોવાથી દલીલ માન્ય રાખી ન હતી.

અરવલ્લીના 3010 ઉમેદવારોના ભાવિના પોટલા ખૂલ્યા
અરવલ્લીની 193 પંચાયતોની ચૂંટણી મતગણતરી પ્રક્રિયા મંગળવારે વહેલી સવારથી મોડાસાની સરકારી ઇજનેરી કોલેજ, ભિલોડાની એન.આર.એ. હાઈસ્કૂલ, મેઘરજની પી.સી. એન હાઈસ્કૂલ, બાયડની સરકારી વિનિયન કોલેજ વાત્રક, માલપુરની પી.જી.મહેતા હાઈસ્કૂલ કમ્પાઉન્ડ, ધનસુરાની જી.એસ મહેતા સ્કૂલમાં સરપંચ પદના 729 અને સભ્યપદના 2281 ઉમેદવારોની મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં જિલ્લાની જુદી જુદી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા 3914 અધિકારી અને કર્મચારી સહિતનો સ્ટાફ મોડી રાત્રી સુધી મતદાન પ્રક્રિયામાં જોડાયો હતો. જોકે પોલીસ અધિકારી અને પોલીસ જવાન અને એસઆરપી હોમગાર્ડ જવાન સહિત 1853 જેટલો કાફલો ઉપરોક્ત મતગણતરી કેન્દ્ર ખાતે ખડકી દેવાયો હતો.

હિંમતનગરના બલોચપુરમાં અથડામણ
ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ બલોચપુર અને અમરાપુરના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં રસપ્રદ કારણ એવુ જાણવા મળી રહ્યુ છે કે ચૂંટણીની પૂર્વ સંધ્યા સુધી જે જૂથના ટેકેદાર હોવાનો દાવો થઇ રહ્યો છે. તે ટેકદારો હરીફ જૂથના વિજય સરઘસમાં જીતનો જશ્ન મનાવતા જોવા મળતાં અથડામણ સર્જાઇ હતી. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી.

પેપર લીક પ્રકરણના આરોપીની હાર
પેપરલીક પ્રકરણમાં પોલીસે અટકાયત કરેલ પોગલુ ગામના મહેન્દ્રભાઇ પટેલ સરપંચની ચૂંટણી લડી રહ્યા હતા તેમના ટેકેદારોના પ્રયાસ છતાં 111 મતથી તેમની હાર થઇ હતી સરપંચ પદના વિજયી ઉમેદવાર શામળભાઇ કાલીદાસભાઇ પટેલને 703 મત મળ્યા હતા.

વિજયનગર વોર્ડ-11 માં તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિરુદ્ધ તાલુકા ભાજપ પ્રમુખના ભાઈ વિજયી
વિજયનગર ગ્રામ પંચાયતમાં બહુચર્ચિત રહેલા વોર્ડ નંબર 11 ની ચૂંટણીમાં મંગળવારે હાથ ધરાયેલી મતગણતરીમાં ભાજપ તાલુકા પ્રમુખના ભાઈ જીગેશશાહે તેમના પ્રતિસ્પર્ધી અને ભાજપના તાલુકા ઉપપ્રમુખ રામજીભાઈ ઉર્ફે પ્રકાશભાઈ રામજીભાઈ પટેલ વિરુદ્ધ 79 મતે વિજેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...