તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો:અપહૃત સગીરા-યુવક ચાલુ ઇકોમાંથી કૂદી જતાં સગીરાનું મોત થયું, પોલીસે પણ વાતનું સમર્થન કર્યું

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હિંમતનગરના વગડીની સગીરાની લાશ અરવલ્લી જિલ્લામાંથી મળતાં નવો વળાંક
  • વગડીનો યુવક સગીરાને પાંચ દિવસ અગાઉ ભગાડી ગયો હતો
  • ઇજા થયેલી હાલતમાં યુવક ગામમાં આવતા મૃતકના પિતાને શંક જતાં ભાંડો ફૂટ્યો
  • અરવલ્લીના કૂંડોલ પાસે ત્રણેક દિવસ અગાઉ લાશ સગેવગે કરાઇ હતી

હિંમતનગર તાલુકાના વગડીની 16 વર્ષીય સગીરાનું પાંચ દિવસ અગાઉ અપહરણ કરીને લઇ જવાના કિસ્સામાં અપહૃત સગીરાની લાશ અરવલ્લી જિલ્લાના કૂંડોલ નજીક અવાવરૂ ઝાડીમાં ફેંકી દીધેલી અવસ્થામાં મળતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે લાશને પેનલ પીએમ માટે મોકલી આપી છે અને ગંભીર ઇજાઓ ધરાવતી સગીરાની હત્યા કરાઇ હતી કે આકસ્મિક મોત હતુ તે નક્કી કરવા પી.એમ.રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સગીરાને ગામનો યુવક પાંચ દિવસ અગાઉ ભગાડી ગયો હતો. બાદમાં યુવક ઇજા થયેલી હાલતમાં ગામમાં આવતાં મૃતકના પિતાને શંકા જતાં પોલીસને જાણ કરતાં પોલીસ પૂછપરછમાં યુવક ભાંગી પડ્યો હતો અને પરત લાવવા દરમિયાન યુવક અને સગીરા ચાલુ ઇકોમાંથી કૂદી પડતાં સગીરાનું મોત થયાનું બહાર આવ્યું હતું.

લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી
સમગ્ર ચકચારી પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે ગત તા. 29-07-20 ના રોજ હિંમતનગરના વગડીનો વનરાજસિંહ ઉદેસિંહ મકવાણા મધ્યરાત્રિએ ગામની 16 વર્ષીય સગીરાને ભોળવીને અપહરણ કરી લઇ ગયો હોવા અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતા એ ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાની ભાળ મેળવવા તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં આક્ષેપિત વનરાજસિંહ મકવાણા ઇજાઓ સાથે ગામમાં પરત ફર્યો હતો અને સગીરાના પરિવારજનોએ પૂછપરછ કરતાં તેના પરિવારે આ બાબતે કંઇ જાણતા ન હોવાનુ કહેવાનુ શરૂ કર્યું હતું. સગીરાના પિતાએ આક્ષેપિત અપહરણકર્તા પરત આવી ગયો હોવાની ગાંભોઇ પોલીસને જાણ કરતાં પોલીસે આક્ષેપિત યુવક તેના પિતા વગેરેની પૂછપરછ હાથ ધરતાં સગીરાની લાશ અરવલ્લી જિલ્લાના કૂંડોલ ગામ નજીક મૂકી આવ્યાની કબૂલાત કરતા કૂંડોલ પહોંચી શણગાલ રોડ પરની ઝાડીમાંથી લાશ મળી આવતા પી. એમ. માટે મોડાસા મોકલી આપવામાં આવી હતી.

મોતની સંભવિત થિયરી, ઇકોનો દરવાજો ખોલીને યુવક અને સગીરા કૂદયા
તા.29-07-20 ના રોજ મધ્યરાત્રીએ વગડી ગામનો વનરાજસિંહ ઉદેસિંહ મકવાણા ગામની 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ ગયા બાદ તા. 30-07-20 ના રોજ તેના પિતા અને અન્ય લોકો રાયગઢની ઇકો લઈને દહેગામ ગયા હતા અને વનરાજસિંહને લઈને પરત આવ્યા હતા. સગીરાના પરિવારજનોને શંકા જતાં પોલીસને જાણ કરાઇ હતી અને પોલીસની પૂછપરછ દરમિયાન ભાંગી પડતા કબૂલાત કરી હતી કે વનરાજસિંહ તથા સગીરાને ઈકોમાં બેસાડી પરત લાવી રહ્યા હતા તે દરમિયાન બંનેને અલગ કરવા પુનાસણ નજીક આવેલ સિહોલીની ઇકો મંગાવી રાખી હતી અને બંનેને દહેગામથી પરત લાવી રહ્યા હતા.

ઇકોચાલકોએ કૂદવાની વાતને સમર્થન આપ્યું
એ દરમિયાન અમદાવાદ રિંગરોડ પર ઇકોનો દરવાજો ખોલીને વનરાજસિંહ અને સગીરા રોડ પર કૂદી પડ્યા હતા જેમાં સગીરાને ગંભીર ઇજાઓ થતાં મરણતોલ સ્થિતિમાં બીજી ઈકોમાં મૂકી ઇજાગ્રસ્ત વનરાજ સિંહને સારવાર અર્થે લઇ જવાયો હતો અને સારવાર કરાવી પરત વગડી ગામમાં લવાયો હતો. સગીરાને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજવાના કારણે બીજી ઇકોમાં ટીંટોઇ નજીક કૂંડોલ ગામની સીમમાં શણગાલ જવાના રોડ પર અવાવરું જગ્યામાં લાશ મૂકી આવ્યા હતા. નોંધનીય છે કે ઇકો ચાલકોએ પણ સગીરા કૂદી પડયાની વાતને પ્રાથમિક પૂછપરછમાં સમર્થન આપ્યું છે.

ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવાશે
ત્રણેક દિવસ સુધી સગીરાની લાશ પડી રહેતાં ડીકમ્પોઝ શરૂ થઈ જવાને કારણે પોલીસ દ્વારા પેનલથી ફોરેન્સિક પીએમ કરાવાયું છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ આઇપીસી 302 કે 304 અંતર્ગત ગુનો નોંધવો તેનો નિર્ણય લેવાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તમામ આક્ષેપીતોનો કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરાઈ છે. સગીરાના મોતને પગલે અરેરાટી વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...