ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલ મંગળવાર અખાત્રીજના દિવસે 1000થી વધુ કાર્યકરો સાથે વાહનો લઇ હિંમતનગરથી ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વિધિવત કેસરીયો ખેસ ધારણ કરી ભાજપ પ્રવેશ કર્યો હતો અને વર્ષ 2007થી તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિર્ણયશક્તિ અને કાર્યપ્રણાલી થી અભિભૂત હોવાનું પ્રથમ નિવેદન આપ્યું હતું.
ખેડબ્રહ્મા ધારાસભ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને આપેલા એક લીટીના રાજીનામામા હું અશ્વિન લક્ષ્મણભાઈ કોટવાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માંથી પ્રાથમિક સભ્ય પદેથી અને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું લખી નીચે સહી કરી હતી.
ખેડબ્રહ્માના પૂર્વ કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલે કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કાર્યકરો, પૂર્વ કોંગી પદાધિકારીઓ સાથે પરંપરાગત વેશભૂષા અને ઢોલ સહિત હિંમતનગરથી ગાંધીનગર વાહનોના કાફલા સાથે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા તથા સાબરકાંઠા જિલ્લાના ભાજપ પ્રભારી, જિલ્લા સંગઠન પ્રમુખ જેડીપટેલ સાંસદ દિપસિંહ રાઠોડ પ્રાંતિજ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ઇડર ધારાસભ્ય હીતુભાઇ કનોડિયા સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભાજપ પ્રવેશ કર્યો હતો.
ધારાસભ્યએ ટેકેદારોની સાથે ઢોલના તાલે નૃત્ય કરતા કમલમના ગેટ પહોંચી ખુશી વ્યક્ત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે તેઓ વર્ષ 2007થી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નિર્ણયશક્તિ અને કાર્યપ્રણાલીના ચાહક રહ્યા છે. વિકાસની રાજનીતિ એ જ તેમને ભાજપમાં જોડાવા પ્રેરણા આપી છે.
ધારાસભ્યના ભાજપ પ્રવેશ સમયે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ગેરહાજરી ચર્ચાનું કેન્દ્ર બની હતી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ હાલમાં યુપીમાં છે. ધારાસભ્યને શુભેચ્છાઓ પણ પાઠવી છે સાડા ત્રણ દાયકાથી કોંગ્રેસના પ્રખર કાર્યકર અશ્વિન કોટવાલને કોંગ્રેસમાંથી રામ રામ કરાવી સાબરકાંઠામાં મોટું ગાબડું પાડવાની સફળતા પાછળ પ્રફુલ પટેલની નિર્ણાયક ભૂમિકા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.