ભાસ્કર રિયાલિટી ચેક:ઉત્તર ગુજરાતમાં 10 રૂપિયાના સિક્કા સ્વીકારવાને લઇ લોકોમાં ફક્ત ગેરસમજ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિક્કો લેવાની ના પાડનારે કહ્યું, અમે ગ્રાહકોને 10નો સિક્કા આપીએ તો લેતા નથી એટલે અમેય નથી લેતાં
  • 10નો સિક્કો ચલણમાં છે કોઇપણ દુકાનદાર લેવાની ના પાડી ના શકે, ના પાડે તો રાજદ્રોહનો ગુનો નોંધાઇ શકે છે

તાજેતરમાં પાટણ શહેરના એક જાગૃત નાગરિકે પેટ્રોલ પંપના કર્મચારીએ રૂ.10નો સિક્કો લેવાની ના પાડતાં પ્રાંત કચેરીમાં ફરિયાદ કરી હતી. જેમાં પ્રાંત અધિકારીએ પેટ્રોલ પંપના સંચાલકને નોટિસ ફટકારી હતી. આ સાથે પ્રાંત અધિકારીએ કોઇપણ વેપારી રૂ.10નો સિક્કો લેવાની ના પાડી ન શકે, અન્યથા રાજદ્રોહનો ગુનો બને છે તેમ જણાવ્યું હતું. રૂ.5 કે 10નો સિક્કો નહીં લેવાનું ચલણ માત્ર પાટણમાં જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના તમામ શહેરોમાં છે. આમ છતાં કોઇ જાણકારીના અભાવે કાર્યવાહી કરતું નથી અથવા સરકારી કડાકૂટમાં ક્યાં પડવું તેમ માની ટાળી દેતા હોય છે.

આ મામલે દિવ્ય ભાસ્કરના રિપોર્ટરોએ મહેસાણા, પાટણ, પાલનપુર અને હિંમતનગર શહેરમાં રૂપિયો 10 નો ચલણી સિક્કો કોઇ સ્વીકારે છે નહીં તે અંગે ચકાસણી કરી હતી. અધિકાંશ ફેરિયા અને વેપારીઓએ કોઈપણ જાતની આનાકાની વગર સિક્કો લઈને વસ્તુ આપી હતી. જે વેપારીઓએ ના પાડી તેમણે અમે તો લઇ લઇએ, પણ અમારી પાસેથી કોઇ લેતું નથી તેવો જવાબ આપ્યો હતી. જોકે, આ બાબતમાં લોકોમાં અને વેપારીઓમાં સિક્કાના ચલણને લઇ માત્ર ગેરસમજ હોવાનું બહાર આવ્યું હતું.

પાટણ - 6માંથી 4 વેપારીએ સિક્કા સ્વીકારી લીધા
પાટણમાં કોહિનુર સિનેમા સામે ફ્રૂટની લારી ચલાવતા રણજીતભાઇ દેવીપૂજકને દ્રાશ ખરીદીને રૂ.10નો સિક્કો આપતાં તેણે અસ્વીકાર કરતાં કહ્યું કે, અમારી પાસેથી ગ્રાહક સ્વીકારતા નથી. મારા ઘરે 15 સિક્કા પડ્યા છે. તો રેલ્વે સ્ટેશન નજીક કરિયાણાની દુકાનમાં રૂ.10નો સિક્કો દેખાડી વસ્તુની માંગણી કરતાં કર્મચારીએ સિક્કો લેવાની ના પાડી દીધી. પરંતુ ગુનો બને છે તેવું જાણો છો તેમ પૂછતાં તેણે વસ્તુ આપવાની તૈયારી બતાવી હતી અને કહ્યું કે ગુનો બને તે ખબર નથી.

ગૌરવપથ પર દુર્ગા ટી સેન્ટરમાં રૂ.10ના સિક્કાનો સ્વીકાર કર્યો હતો. તેના માલિકે કહ્યું કે, અમારા ત્યાં છૂટાની લેવડ-દેવડ વધારે રહેતી હોય છે એટલે 10ના સિક્કાનો સ્વીકાર કરીએ છીએ. તો રેલ્વે સ્ટેશન નજીક સત્યમ પાન પાર્લરે વેપારી બ્રિજેશ પ્રજાપતિ અને કિષ્ના કપડાંની દુકાનમાં 10નો સિક્કા આનાકાની વિના સ્વીકારી લીધો હતો. શહેરના ચાણસ્મા હાઇવે પર આવેલા યામિની પેટ્રોલપંપે રૂ.500નું પેટ્રોલ 10ના સિક્કાથી ભરાવાનું કહેતાં કર્મચારીએ સંચાલક સાથે વાત કર્યા બાદ 10ના સિક્કાનો સ્વીકાર કર્યો હતો.

પેટ્રોલપંપ સંચાલકે ખુલાસો રજૂ કર્યો વંચાણે લઇ નિર્ણય લેવાશે
પાટણ પ્રાંત ઓફિસર દ્વારા 10 રૂપિયાના સિક્કાનો અસ્વીકાર કરનાર પેટ્રોલ પંપના સંચાલકને ખુલાસા માટે આપેલી કારણદર્શક નોટિસનો સંચાલકે ખુલાસો રજૂ કરાયો છે. હાલમાં રજાઓ હોઇ કચેરી શરૂ થતાં પ્રાંત અધિકારી દ્વારા ખુલાસો વંચાણે લઈ આ બાબતે નિર્ણય લેવાશે તેવુ પ્રાંત કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

હિંમતનગર - 5માંથી 3 વેપારીએ સિક્કા સ્વીકાર્યો
હિંમતનગરના પ્રતાપગઢ પેટ્રોલપંપે 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવતાં રૂ.10ના સિક્કા લેવા ઇન્કાર કર્યો હતો અને કાયદાની ખબર હોવાનું જણાવ્યું હતું. જ્યારે ટાવર રોડ પર વખારીયા કોલ્ડ્રીંગ્સ નામની કિરાણા સ્ટોર્સમાં વેપારીએ રૂ.10ના સિક્કા લેવાની ના પાડી દીધી હતી અને રોફભેર જણાવ્યું કે, મારી પાસે 50 હજાર રૂપિયાના સિક્કા છે. બેંકો લેતી નથી, હું સિક્કા લઇને શું કરું. જ્યારે મહેતાપુરામાં શાકભાજીનો વ્યવસાય કરતા દિલીપભાઇ દરબાર, પાનપાર્લર ચલાવતા શૈલેશભાઇ, ટાવર રોડ પર આવેલા બેલ્ટ શોપના વેપારીઓએ જેટલા સિક્કાથી ખરીદી કરવી હોય લઇ આવો અમે લઇશું કહ્યું હતું. શૈલેશભાઇએ જણાવ્યું કે, અહીંયા બેંકો સિક્કા સ્વીકારતી નથી. પણ અમદાવાદ જવાનુ થાય ત્યારે નિકાલ કરી દઇએ છીએ.

મહેસાણા - 5 માંથી 3 વેપારીએ 10ના સિક્કાની ના પાડી
મહેસાણામાં મેડિકલ સ્ટોર સંચાલકે રૂ.10નો સિક્કો સ્વીકારી સિક્કા ભરેલો ડબ્બો બતાવતાં કહ્યું, અમારી પાસેથી કોઇ 10નો સિક્કો નથી લેતા. પાન પાર્લરવાળાએ સિક્કો સ્વીકારી લીધો હતો. જ્યારે સ્ટેશનરી, ચાની કિટલી અને શાકભાજીના વેપારીએ સિક્કો સ્વીકારવાની ઘસીને ના પાડી દીધી હતી. ત્રણેય વેપારીઓને સિક્કો ન સ્વીકારવાનું કારણ પૂછતાં જણાવ્યું કે, અમારી પાસે પહેલેથી ઘણા સિક્કા પડ્યા છે, અન્ય ગ્રાહકોને જ્યારે અમે 10નો સિક્કા આપીએ ત્યારે મોંઢુ બગાડી ના પાડે છે. બેંકો પણ સિક્કા સ્વીકારતી નથી. બેંકો અને ગ્રાહકો સિક્કા સ્વીકારતા ન હોય તો અમારે ક્યાં ભેગા કરવા.

પાલનપુર - 4માંથી 3 વેપારીનો સિક્કો લેવા ઇન્કાર
પાલનપુરના સીમલાગેટ વિસ્તારમાં 10ના 2 સિક્કા આપી કિલો ટામેટાં ખરીદતાં પહેલાં તો વેપારીએ આનાકાની કરી બાદમાં કારણ પૂછતાં જણાવ્યું કે લોકો જ સ્વીકારતા નથી અમે લઈને કોને આપીએ?. પાનના ગલ્લાવાળાએ સિક્કો સ્વીકારી લીધો, જ્યારે પાર્લરવાળાએ સિક્કો પાછો આપી નોટ આપવા કહ્યું હતું. રિક્ષાચાલકે 10નો સિક્કો ના લેતાં કારણ પૂછ્યું તો કહ્યું, મારી પાસે પહેલાં બહુ હતા લોકોએ લેવાનું બંધ કર્યું તો મેય લેવાનું બંદ કર્યું.

અન્ય સમાચારો પણ છે...