રજૂઆત:કાળાખેતરામાં બાળકના વારસોને 4 લાખ વળતર આપવા રજૂઆત

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસ અગાઉ ભેંસો ચરાવવા ગયેલા બાળકને મગરે ફાડી ખાધો હતો
  • મગરને અન્યત્ર ખસેડી મગરના હુમલાનો ભોગ બનનાર અન્યોને પણ વળતર આપવા ખેડબ્રહ્મા ધારાસભ્યની માગ

પોશીના તાલુકાના કાળાખેતરામાં ત્રણેક દિવસ અગાઉ 8 વર્ષના બાળકને તળાવમાં ખેંચી જઇ મગરે ફાડી ખાવાની ચકચારી ઘટના બનવાના સંદર્ભે ખેડબ્રહ્મા ધારાસભ્યે કલેક્ટરને આવેદનપત્ર આપી મૃતકના વાલીવારસોને રૂ. 4 લાખ વળતર આપવા અને ભૂતકાળમાં મગરના હુમલાનો ભોગ બનનાર અન્યોને વળતર આપવા સહિત તળાવના મગરોને અન્ય સ્થળે ખસેડવા માંગ કરી હતી.

કાળાખેતરામાં ગત શુક્રવારે સાંજે આઠેક વાગ્યાના સુમારે ગામ નજીક આવેલ તળાવમાં 8 વર્ષના બાળકને મગર ખેંચી જવાની ચકચારી ઘટનાને પગલે ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલે તા.18-10-21 ના રોજ કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે કાળાખેતરા ગામના તળાવમાં મોટા પ્રમાણમાં મગરનો વસવાટ છે. ધો-2 માં અભ્યાસ કરતા 8 વર્ષના બાળકને 10 ફૂટના અંતરેથી મગરે હુમલો કરી તળાવમાં ખેંચી જઇ મોત નિપજાવ્યુ હતું.

મગરના હુમલાના અત્યાર સુધીમાં ઘણા બનાવ બન્યા છે. ગાયના વાછરડાં અને બકરાના અસંખ્ય મારણ થયા છે. થોડા અરસા અગાઉ એક યુવાન પર હુમલો કરી બે હાથ ઉપર ગંભીર ઇજાઓ કરી હતી. મગરના વસવાટને કારણે ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યુ છે. મૃત્યુ પામેલ બાળકના વાલીવારસોને રૂ. 4 લાખ વળતર, તળાવમાંથી મગરનું તાત્કાલિક સ્થળાંતર અને મગરના હુમલાનો ભોગ બનેલ અન્ય વ્યક્તિઓને પણ વળતર આપવા માંગ કરવામાં આવી હતી અને માંગ ન સ્વીકારવાના સંજોગોમાં આદીવાસી સમાજ દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...