સહાય આપવા માગ:ઇડરના પશ્ચિમ પટ્ટામાં ઘોડિયા(લુકણી) ઇયળના ત્રાસે ખેડૂતો પાકમાં રોટાવેટર ફેરવવા મજબૂર બન્યા

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5-6 વાર દવાનો છંટકાવ કરવા છતાં પરિણામ શૂન્ય

ઇડરના પશ્ચિમ પટ્ટામાં આવેલ ગામોમાં ખેડૂતોએ રોકડીયા પાક સમાન દિવેલાનું પાંચ થી દસ એકરમાં વાવેતર કર્યું હતું. પરંતુ ઘોડિયા (લુકણી) નામની ઈયળનો ઉપદ્રવ ખૂબ જ વધી જતા અને દવાનો છંટકાવ કરવા છતાં નિયંત્રણ ન થતાં ખેડૂતો પાક પર રોટાવેટર ફેરવવા મજબૂર બન્યા છે. આ અંગે મણિયોરના પરેશભાઇ બાબુભાઇ પટેલે જણાવ્યું કે 6 એકરમાં દિવેલાનું વાવેતર કર્યું છે પાક તૈયાર થતાં જ ઘાડિયા(લુકણી) ઇયળનો ઉપદ્રવ વધતાં ખેતીવાડી વિભાગના માર્ગદર્શન મુજબ છ થી સાત વાર દવાનો છંટકાવ કર્યો હતો.

પરંતુ ઇયળનો ઉપદ્રવ વધતાં અંતે છ એકરમાં રોટાવેટર ફેરવી દીધું છે. મણિયોર ગામના હિતેશભાઇ બેચરભાઇ પટેલે પણ જણાવ્યું કે ઇયળનો ઉપદ્રવ ખૂબ જ વધી જતાં અને નિયંત્રણમાં ન આવતાં મુશ્કેલીઓ વધી છે પાંચ એકરમાં વાવેલ દિવેલામાં રોટાવેટર ફેરવવાનો વારો આવ્યો છે. બિપીનભાઇ ભીખાભાઇ પટેલે જણાવ્યું કે ઉધડ જમીન રાખી દસેક એકરમાં દિવેલાનું વાવેતર કર્યું હતુ પરંતુ ઘોડિયા ઇયળે પાકને સાફ કરી નાખ્યો છે. છેલ્લા પંદરેક વર્ષથી ખેતી કરુ છુ પરંતુ આવુ પહેલા જોવા મળ્યુ નથી મોટુ નુકસાન થયુ છે.

ખેડૂત દિનેશભાઇ નાથાભાઇ પટેલે જણાવ્યુ કે ચાર એકરમાં દિવેલા વાવ્યા હતા. હાલમાં એકપણ રૂપિયાનું વળતર મળે તેમ જણાતું નથી પાંચ વખત દવાનો છંટકાવ કર્યો છે છતાં પરિણામ મળ્યુ નથી. ઇડર તાલુકાના મણીયોર, મસાલ, વિરપુર સહિતના તમામ વિસ્તારમાં ઘોડિયા ઈયળે વિનાશ વેર્યો છે ત્યારે સરકારે સર્વે કરાવી રાહત પેકેજ ખેડૂતોને આપવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...