કોરોના વેક્સિનેશન:સાબરકાંઠામાં 12 દિવસમાં માત્ર 6923 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

હિંમતનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 90.98 ટકા લોકોને પ્રથમ ડોઝ,76.55 ટકાએ બીજો ડોઝ લઇ લીધો છે

સાબરકાંઠા જિલ્લામાં 18 વર્ષથી ઉપરના 11.12 લાખ લોકોને કોરોના વેક્સિન આપવાની કવાયત ચાલી રહી છે ત્યારે છેલ્લા 12 દિવસમાં માત્ર 6923 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. અંદાજે 1 લાખ ઉપરાંત લોકોની વેક્સિન લેવાની પીછેહઠ આગળ તંત્ર લાચાર બની ગયુ છે. આરોગ્યકર્મીઓ ઘેર ઘેર ફરી રહ્યા હોવા છતાં ચિંતાનુ કારણ બની રહ્યુ છે.

આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહીતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં 18 વર્ષથી ઉપરના 11,12,428 જણાને વેક્સિન આપવાના લક્ષ્યાંકની સામે 10,12,038 લોકોને એટલે કે 90.98 ટકાને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. તે પૈકી 7,74,693 જણાએ વેક્સિનનો બીજો ડોઝ પણ લઇ લીધો છે. છેલ્લા 12 દિવસમાં ડોર ટૂ ડોર ફરી રહેલ આરોગ્યકર્મીઓની ભારે જહેમત છતાં માત્ર 6923 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં સફળતા મળી છે. 12 દિવસના આ સમયગાળામાં આનાથી ઉલટુ 89957 જિલ્લાજનોએ વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે.

વેક્સિનેશન શરૂ થયાના દસ મહિના બાદ પણ જિલ્લાના એક લાખ લોકો વેક્સિન લેવાથી અગમ્યકારણોસર પીછેહઠ કરી રહ્યા છે ત્યારે જિલ્લાનુ રસીકરણ લક્ષ્યાંક નક્કી કરનાર વહીવટી તંત્ર દ્વારા રસી ન લેનાર જિલ્લાજનોની યાદી આરોગ્યકર્મીઓને સૂપરત કરી નક્કર કામગીરી કરવાનો સમય પાકી ગયો છે. છેલ્લા એક માસથી વેક્સિનેશનમાં આવેલ ગીરાવટ મામલે આરસીએચઓનો સંપર્ક થઇ શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...