ભૂમાફિયાઓને નાથવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલી બનતા સાબરકાંઠા જિલ્લામાં જમીનો, દુકાનો પચાવી પાડવા અંતર્ગત છેલ્લા આઠ માસમાં 143 અરજીઓ થઇ છે. 30 દિવસની મર્યાદાનું પ્રાવધાન હોવા છતાં તપાસ અહેવાલ રજૂ થવામાં અગમ્ય કારણોસર વિલંબ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં માત્ર 17 અરજીઓ ફરિયાદમાં પરિણમી છે જ્યારે 81 અરજીઓના તપાસ અહેવાલની રજૂ થયા બાદ નિર્ણય લેવાનાર હોવાનું કચેરી સૂત્રો દ્વારા જણાવાઇ રહ્યું છે.
રાજ્ય સરકારે ડિસે-20 માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલી બનાવી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓને નશ્યત કરવા 14 વર્ષની જોગવાઈ સાથે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલી બનાવ્યા બાદ છેલ્લા આઠ માસમાં જિલ્લામાં ફરિયાદ-અરજીઓ થવી શરૂ થઈ ગઈ છે અને કોરોનાની સ્થિતિ હળવી બનતા છેલ્લા બે માસ દરમિયાન 100 થી વધુ અરજીઓ થઇ હતી જેમાં વર્ષો જૂના વેચાણ કરાર ખોટા હોવાના, ગૌચરની જમીનો ઓળવી જવી, સરકારી ખરાબામાં કાયમી દબાણ, ધાક-ધમકી આપી જમીન મકાનનો કબ્જો લઇ લેવા સહિતના કારણોનો સમાવેશ થાય છે.
તંત્ર દ્વારા મળતી માહિતી અનુસાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત 143 અરજીઓ મળી હતી કમિટીની બેઠક બાદ તપાસ અહેવાલને આધારે 45 અરજીઓમાં આક્ષેપોમાં તથ્ય ન જણાતાં રદ કરાઈ છે. જ્યારે 17 માં ફરિયાદ નોંધવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં જુલાઈમાં પોશીના તાલુકામાં 02, ખેડબ્રહ્મા અને ઈડર માં એક-એક ફરિયાદ નોંધવા લેવાયેલ નિર્ણયનો સમાવેશ થાય છે. 81 અરજીઓમાં તપાસ અહેવાલ રજૂ થયેથી નિર્ણય લેવાશેનું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.