રજૂઆત:નનાનપુરમાં ખેડૂતે રૂપિયા ભર્યા છતાં 10 માસથી વીજકનેક્શન મળ્યુ નથી

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • UGVCLના અધિકારી ધક્કા ખવડાવી રહ્યાના આક્ષેપ સાથે સીએમને રજૂઆત
  • ખેતરમાં નવો બોર બનાવી વીજ કનેક્શન ટ્રાન્સફર કરવા રૂ.21,300 ભર્યા

પ્રાંતિજના નનાનપુરની સીમમાં ખેતરના બોરમાં પાણી ખૂટતાં સર્વે નંબરવાળા ખેતરમાં નવો બોર બનાવી વીજ કનેક્શન ટ્રાન્સફર કરવા રૂ.21,300 એસ્ટીમેટ ભરી નવેસરથી એગ્રીમેન્ટ કર્યાને 10 માસ વિતવા છતાં વીજકનેક્શન ટ્રાન્સફર ન થતાં યુજીવીસીએલના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી દાદ માગી છે કે વીજકનેક્શન ટ્રાન્સફર કરી અપાય અથવા ભરેલા નાણા પરત આપવામાં આવે.

હિંમતનગરમાં ભાજપના સ્નેહ સંમેલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાચું કામ લઇને અમારી પાસે આવોનુ આહવાન કર્યા બાદ નનાનપુરની સીમમાં ખેતીની જમીન ધરાવતા રણજીતસિંહ એન. સોલંકીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે બોરમાં પાણી ખૂટી જતાં બાજુના સર્વે નંબરના તેમના બીજા ખેતરમાં નવો બોર બનાવ્યો હતો અને પંચાયત રેકર્ડે નોંધણી કરાવી તા.17-12-20 ના રોજ સલાલ યુજીવીસીએલની કચેરીમાં કનેક્શન ટ્રાન્સફર માટે જરૂરી આધાર પૂરાવા રજૂ કરી અરજી કર્યા બાદ તા.28-01-21 ના રોજ રૂ.21,300 ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરાવ્યા હતા અને નવેસરથી એગ્રીમેન્ટ પણ કર્યો હતો.

તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે પૈસા ભર્યા બાદ દસ મહિનાથી યુજીવીસીએલ કચેરીના ધક્કા ખાઇ રહ્યો છું. પરંતુ વિધિ ન કરતાં અધિકારીઓ એક યા બીજા કારણોસર કનેક્શન ટ્રાન્સફર કરી આપતા નથી. હું કોઇ પણ પ્રકારની લાંચ આપવા માગતો નથી. તમારા જાહેર વક્તવ્ય બાદ રજૂઆત કરી છે કનેક્શન ટ્રાન્સફર ન થાય તો ભરેલા પૈસા પરત અપાવવા માંગ કરી છે.

હું કોઇને લાંચ આપવા માગતો નથી: ખેડૂત
હું કોઇ પણ પ્રકારની લાંચ આપવા માગતો નથી એક યા બીજા કારણોસર અધિકારીઓ હેરાન કરે છે તેવું ખેડૂત રણજીતસિંહે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...