ફરિયાદ:કંબોસણી ગામે પતિએ આડાસંબંધ મુદ્દે વહેમ રાખી પત્નીને તગેડી મૂકી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાંના 8 સભ્યો સામે ફરિયાદ

હિંમતનગરના કનાઇ ગામની અને વડાલીના કંબોસણીની પરણાવેલ મહિલાને પતિએ સસરા, જેઠ, જેઠાણી, નણંદ, કાકા સસરા, કાકીજીની ચઢવણીથી ભાઇને દુકાન કરવા 50 હજાર માંગી મારઝૂડ કરી ત્રાસ ગુજારતા મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ 8 સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કનાઇ ગામની પાયલબેનના લગ્ન વડાલીના કંબોસણી ગામના અજયભાઇ ધનજીભાઇ રાવત સાથે થયા હતા.

લગ્નના એકવર્ષ બાદ અજયભાઇ તેમની પત્ની પર આડા સંબંધો અંગે વહેમ રાખી પિયરમાં નહીં જવાનું અને પિયરવાળા અહીં આવવા જોઇએ નહીં તથા જમવાનું બનાવવા બાબતે ઝઘડો કરી મારઝૂડ કરી ત્રાસ ગુજારતા હતા અને જેઠાણી પુનમબેન વા/ઓ કિશનભાઇ રાવત, નણંદ ગાયત્રીબેન વા/ઓ ભાવીકભાઇ ચેનવા, કાકીજી ભગીબેન કાળાભાઇ રાવતે પાયલબેનને તને કામ કરવા લાવ્યા છીએ તારે લાવ્યા છીએ તારે બધું કામ કરવું પડશે કહીં મહેણા ટોણા મારતાં હતા.

પતિ, જેઠ કિશનભાઇ ધનજીભાઇ રાવતે તથા રાહુલકુમાર ધનજીભાઇ રાવતે કહ્યું હતું કે અમારે દેવું થઇ ગયુ છે જેથી તારી મમ્મી પાસેથી પૈસા લઇ આવ અને તારા પિયરની જમીનમાં તારો ભાગ ન આપે તો તારા ભાઇ ઉપર કેસ કરીશું કહીં બોલાચાલી કરી હતી. પતિ અજયભાઈએ માર મારી કહ્યું હતું કે મારા ભાઇને દુકાન કરવી છે તું તારી મમ્મી પાસેથી 50 હજાર લઇ આવ તથા મિલકતમાં ભાગ માંગ જેથી પાયલબેને ના કહેતા ડાબા હાથે લાકડી મારતા ફ્રેક્ચર થયું હતું અને મારી નાખવાની ધમકીઓ આપી હતી.

પાયલબેનના માતા અને ભાઇ ખબર અંતર પૂછવા આવતા સસરા ધનજીભાઇ રામાભાઇ રાવત, બે જેઠ અને કાકા સસરા કાળાભાઇએ અપશબ્દો બોલી આવી વહુ અમારા ઘેર ન જોઇએ અહીંથી લઇ નીકળી જાઓ કહીં કાઢી મૂકી હતી. પાયલબેને હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાંના આઠેય સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...