તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસણચોરો:ઇડર તાલુકામાં રસોઈયા તરીકે ઓળખ આપી બે ગઠિયા રૂ.35 હજારના વાસણ લઇ રફૂચક્કર

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસનગરમાં વાસણ વેચ્યા, જરૂર હોવાનું કહી વાસણ લઇ જતા

હિંમતનગર તાલુકાના કડોલી નજીક આવેલ કટ્ટી મંદિરના રસોઈયા તરીકે ઓળખ આપી આરસોડીયામાં દીકરીઓ જમાડવાની હોઇ વાસણોની જરૂર હોવાનું જણાવી ઇડર તાલુકાના ધારેશ્વર મંદિરના ટ્રસ્ટીને આધાર કાર્ડ બતાવી રૂ.10 હજારના વાસણો તા.14-08-21ના રોજ ભાડે લઇ જઇ પરત ન આપતાં શોધખોળ દરમિયાન તા. 8 ઓગસ્ટથી તા.16 ઓગસ્ટ દરમિયાન બીજા ચાર ગામમાંથી આ શખ્સોએ વાસણો ભાડે લઇ જઇ પરત ન આપ્યાનું અને અન્ય એક વ્યક્તિની તપાસ દરમિયાન ધારેશ્વર મંદિર લખેલું તપેલુ વિસનગરના કંસારા બજારની એક દુકાનમાં જોવા મળ્યાની ટ્રસ્ટીને જાણ કરાયા બાદ જાદર પોલીસ સ્ટેશનમાં રૂ. 35 હજારથી વધુના વાસણો લઈ જઈ છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી.

તા.14-08-21 ના રોજ એકલારા સ્થિત ધારેશ્વર મહાદેવ મંદિર પહોંચેલ રિક્ષાના ચાલકે આકાશસિંહ જશવંતસિંહ સોલંકી અને તેની સાથેના શખ્સે કનૈયાલાલ ડાહ્યાલાલ મહેતા (બંને રહે. હિંમતનગર) તરીકે ઓળખ આપી મંદિરના ટ્રસ્ટી શિવાભાઈ પૂંજાભાઈ પટેલને આધારકાર્ડ બતાવી કહેલ કે આરસોડીયામાં કચરુસિંહ ચૌહાણના ઘેર દીકરીઓ જમાડવાની છે અને અમારે વાસણોની જરૂર છે તથા કનૈયાલાલ મહેતાએ કટ્ટી મંદિરમાં રસોઈયા તરીકે ઓળખ આપતાં ટ્રસ્ટીએ સ્ટીલના 100 નંગ થાળી વાટકા, 3 નંગ ડોલ, કમંડળ-1, પિત્તળની પરાત, ભાત કાઢવાનો એલ્યુમિનિયમનો ચારણો, એલ્યુમિનિયમનુ મોટું તપેલું અને નાના 3 તપેલા તથા એલ્યુમિનિયમના 2 છીબા કુલ કિંમત રૂ.10 હજારના વાસણો ભાડે આપ્યા હતા.

બે દિવસ થતાં વાસણો પરત ન આવતા આરસોડીયામાં તપાસ કરતા કચરુસિંહ ચૌહાણે આવો કોઈ પ્રસંગ તેમના ઘેર ન હોવાનું જણાવતા કટ્ટી મંદિરમાં તપાસ કરતા આવો કોઈ રસોઈયો ન હોવાનું જાણવા મળ્યું હતું.

શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે આ બંને શખ્સોએ તા.08-08-21ના રોજ કપોડામાં કેટરરનું કામ કરતાં રમેશભાઇ પટેલ પાસેથી, તા.11-08-21ના રોજ ચિત્રોડાના મુકેશભાઈ જીતાભાઇ પટેલ પાસેથી રૂ. 12 હજારના 200 સ્ટીલની ડીશો, 100 વાટકી, 5 ખૂમચા, 3 એલ્યુમિનિયમના તપેલા ઢાંકણ સાથે, એક થાળ, 5 સ્ટીલના જગ તથા તા.13-08-21 ના રોજ ધારાપુરના કેટરર પાસેથી રૂ.7 હજારના એલ્યુ.ના 3 તપેલા, 4 સ્ટીલની ડોલ, 4 ખૂમચા, એલ્યુ.ના 2 થાળ, 2 તપેલાના ઢાંકણા અને તા.16-08-21ના રોજ ગઢા-કાબસોના કેટરર જસવંતસિંહ બાલુસિંહ ચૌહાણના રૂ. 5 હજારના 4 ખૂમચા, એક લોખંડની કડાઈ, એક એલ્યુ.નુ તપેલુ, 2 નાના તપેલા, એક મોટી પરાત, 150 થાળી વાટકી, 4 ડોલ, 6 તગારા આ શુભ પ્રસંગ હોવાનું જણાવી લઈ ગયા હતા. તમામ લોકો શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન વિસનગરના કંસારા બજાર ની અલંકાર ભંડારમાંથી ધારેશ્વર મંદિર લખેલું તપેલું મળતાં જાદર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ભોગ બનેલ તમામ અરજીઓને ફરિયાદમાં સ્થાન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...