સોમવારે હિંમતનગરમાં 13 પરીક્ષા કેન્દ્રો પર યોજાયેલ ધો-12 વિજ્ઞાન પ્રવાહની ગુજકેટની પરીક્ષામાં નોંધાયેલ કુલ 2522 વિદ્યાર્થીઓ પૈકી બંને ગૃપમાં કુલ 84 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા જ્યારે 2438 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પરીક્ષામાં એ ગ્રૃપના વિદ્યાર્થીઓને ગણિતના દાખલા સોલ્વ કરવામાં સમય લાગતાં પેપર અઘરું લાગ્યું હતું.
કેટલાક વિદ્યાર્થીઓએ ખોટા જવાબમાં માઇનસ પદ્ધતિ હોઇ સમય ખૂટતાં છેલ્લી ઘડીએ 5 થી 8 પ્રશ્નોના ઉત્તરો આપવાનું ટાળ્યું હતું. જ્યારે બી ગ્રૃપના વિદ્યાર્થીઓને જીવવિજ્ઞાનના પેપરમાં મોટાભાગના પ્રશ્નો એનસીઆરટી બેઝ પૂછાયા હોઇ સહેલું લાગ્યું હતું. જીવવિજ્ઞાનમાં ત્રણેક પ્રશ્નો ટ્વીસ્ટ કરીને પૂછાયા હતા. જોકે બાકીના પ્રશ્નો એવરેજ વિદ્યાર્થીઓ માટે સહેલા હોઇ પેપર સમય મર્યાદામાં પૂર્ણ કરી શક્યા હતા.
સવારે એ અને બી ગૃપના વિદ્યાર્થીઓ માટે કોમન રસાયણશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનનું પેપર હતું, જે એવરેજ સરળ નીકળતાં વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. ત્યાર પછી બી ગ્રૃપના જીવવિજ્ઞાનના એક કલાકના પેપરમાં 40 એમસીક્યુ પ્રશ્નો હતા. આ પેપર પણ સરળ હતું. જોકે ત્રણેક પ્રશ્નો ટ્વીસ્ટ પૂછાયા હતા. એ ગ્રૃપના વિદ્યાર્થીઓને ગણિતનું પેપર અઘરું લાગ્યું હતું.
60 મિનિટમાં 40 પ્રશ્નોમાં ગણતરી કરીને ઉત્તર લખવામાં સમય ખૂટી પડ્યો હતો. દશેક દાખલાનો ઉત્તર લાંબી ગણતરી પછી આવતો હોઇ ઘણા વિદ્યાર્થીઓને સમય ખૂટ્યો હતો. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ 18 એપ્રિલે ધો-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરાયું હતું. પ્રતિવર્ષ ગણિત વિષય રાખનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.
ગૃપ-A માં માત્ર 469 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 15 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. એન્જીનીયરીંગમાં રોજગારીની સમસ્યા વકરી રહી હોવાથી ગૃપ-Aમાં ક્રમશ: ઘટાડો થઇ રહ્યો છે. જ્યારે ગૃપ-B માં નોંધાયેલા 2059 વિદ્યાર્થી પૈકી 73 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને 1986 વિદ્યાર્થીએ જીવવિજ્ઞાનની પરીક્ષા આપી હતી પ્રથમ સેશનમાં ફિઝીક્સ અને કેમેસ્ટ્રી વિષય માટે નોંધાયેલ કુલ 2522 વિદ્યાર્થી પૈકી 84 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને 2438 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થતા તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.