વાતાવરણમાં પલટો:બનાસકાંઠામાં વાવાઝોડું, 400 વૃક્ષ, 100 થાંભલા પડ્યા

હિંમતનગર,મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇડરના ભુવેલમાં અને માલપુરના ત્રિકમપુર પહાડીયામાં ભેંસ પર ઝાડ પડતાં દટાતાં મોત - Divya Bhaskar
ઇડરના ભુવેલમાં અને માલપુરના ત્રિકમપુર પહાડીયામાં ભેંસ પર ઝાડ પડતાં દટાતાં મોત
  • રાજસ્થાનના રણથી 70 ની ઝડપે મધરાતે આવેલા વાવાઝોડાએ બ.કાં.ને ધમરોળ્યું, દાંતામાં 2.5 ઈંચ વરસાદ
  • વડાલી તાલુકામાં સવા અને પોશીનામાં 1 ઇંચ
  • બાજરીનો પાક પલળી જતાં ખેડૂતોને નુકસાન, અરવલ્લી જિલ્લામાં સરેરાશ પોણો ઇંચ વરસાદ

રાજસ્થાનના રણ વિસ્તારમાં અચાનક લો પ્રેશર ક્રિએટ 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો .બનાસકાંઠા જિલ્લામાં 400 થી વધુ વૃક્ષ ધરાશાયી થયા હતા160 થી વધુ વીજ થાંભલા પડી જતાં રાત્રે 110 ગામોમાં અંધારપટ સર્જાઈ ગયો હતો,જે પૈકીના મોટાભાગના ગામોમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો.ડીસા ઝેરડા લાખણી દિયોદર ભાભર પાંથાવાડા ઈકબાલગઢ ના ગામોમાં પતરા ઉડ્યા હતા. ંબાજી માર્ગ પર ના ત્રિશુળીયા ઘાટ પર પહાડ પરથી પથ્થરો માર્ગ પર ઘસી આવ્યા હતા.

જોકે તાત્કાલિક અસરથી માર્ગો ખુલ્લા થતા યાતાયાતમાં કોઈ મુશ્કેલી કે નુકસાન થવા પામ્યું નથી. સાબરકાંઠા જિલ્લામાં મળસ્કે સાડા ત્રણેક વાગ્યાના સુમારે ગાજવીજ સાથે ઝાપટાથી માંડી સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.પાટણ શહેરમાં પાલિકાના ઓટીપી પ્લાન્ટ પર બની રહેલ સોલાર પ્લાન્ટની પ્લેટો ઉડતા તૂટી ગઈ હતી.મહેસાણા જિલ્લામાં ગુરૂવાર સવારે 3 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો અાવ્યો હતો. અડધો કલાકમાં જ પવને પ્રતિ કલાકે 35 થી 40 કિલોમીટરની ઝડપ ધારણ કરતાં વાવાઝોડું ફુંકાયું હતું.

સાબરકાંઠા જિલ્લામાં મળસ્કે બુધવાર સાડા ત્રણેક વાગ્યાના સુમારે ગાજવીજ સાથે ઝાપટાંથી માંડી સવા ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં વાઢીને ખેતરમાં પડેલો પાક પલળતા ખેડૂતોને ઓછા ભાવ મળવાની ભીતી પેદા થઈ છે. બે સપ્તાહમાં બબ્બે વખત ના વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.અરવલ્લી જિલ્લામાં મોડાસા ભિલોડા મેઘરજ માલપુર બાયડ અને ધનસુરા તાલુકામાં બુધવાર મધ્યરાત્રિ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે 21 મીમી વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ઉનાળુ પાકો અને ઘાસચારામાં વ્યાપક પ્રમાણમાં નુકસાની ભોગવવાની નોબત આવી હતી. કમોસમી માવઠાને પગલે ખેડૂતોના બાજરી મગ અને પશુઓ માટેના ઘાસચારામાં મોટી નુકસાની થઇ હતી.

વડાલી તાલુકામાં સવા ઇંચ અને પોશીના તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. પ્રાંતિજના ખેડૂત હરેશભાઇ પટેલે જણાવ્યું કે વાઢીને ખેતરમાં પડેલ બાજરીનો તૈયાર પાક પલળી જતાં દાણા કાળા પડી જશે અને ભાવ ઓછા મળશે જ્યારે મગફળી કાઢી લીધી છે અને વરસાદને કારણે પલળી ગઈ છે તેને સુકાતા અને થ્રેસર કાઢતાં હવે આઠેક દિવસનો સમય લાગશે બાય પ્રોડક્ટ તરીકે મળતો મગફળીનો ઘાસચારો પણ પલળી જવાને કારણે હવે કામ નહિ લાગે.

ચોમાસુ ખેતી માટે અને ઉનાળુ પાકની લણણી ના ઉત્તમ સમયગાળામાં જ વરસાદ આવી જતા ખરીફ વાવેતર માટે પણ સમય લંબાઈ જશે. તેમણે ઉમેર્યું કે એકંદરે વાવેતર ઓછું હોવાને કારણે નુકસાન પણ ઓછું દેખાશે.

અા કારણથી વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો
વેધર અેક્સપર્ટના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતમાં ગઇ કાલે મોડી રાત્રે પવનની દિશા દક્ષિણથી બદલાઇની ઉત્તરની થઇ હતી. જેના કારણે રાજસ્થાનમાં છવાયેલા વરસાદી વાદળો ભારે પવન સાથે ધૂળ ઉત્તર ગુજરાતમાં તરફ ધસી અાવ્યા હતા. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં ભેજ અને ગરમીના કારણે હવાનું દબાણ પણ ઘટેલું હોવાના કારણે સ્થિતિ સર્જાઇ હતી.

આગાહી |અાજે વાતાવરણ વાદળછાયું રહેશે
હવામાન વિભાગની અાગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં શુક્રવારે વાતાવરણ અાંશિક રીતે વાદળછાયું રહી શકે છે. અા દરમિયાન દિવસ અને રાતના તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળી શકે છે. જો કે, હવાનું દબાણ સર્જાશે તો છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...