કોરોના અપડેટ:તલોદની ખેરોલ શાળાની શિક્ષિકાને કોરોના થયા બાદ પતિ પણ પોઝિટિવ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે રિપોર્ટ આવ્યા બાદ શૈક્ષણિક કાર્ય અંગે નિર્ણય, બે દિવસ શાળા બંધ રખાઇ છે
  • શાળાનો 10 જેટલો સ્ટાફ, 88 બાળકો, બેન્કના 15 કર્મી સહિત 113 જણાનાં સેમ્પલ લેવાયાં

તલોદ તાલુકાની ખેરોલ પ્રાથમિક શાળામાં ગાંધીનગરથી અપડાઉન કરતાં શિક્ષિકાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો અને તલોદમાં નોકરી કરતાં બેન્ક કર્મી પતિ, શાળાનો 10 જેટલા સ્ટાફ, 88 બાળકો, બેન્કના 15 કર્મચારી સહિત 113 જણાનાં સેમ્પલ લેવાયા છે. જેમાં બેન્કકર્મી પતિનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

ખેરોલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને ગાંધીનગરથી અપડાઉન કરતાં શિક્ષિકા અને તલોદ નાગરિક બેંકમાં ફરજ બજાવતા પતિ બંનેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં ખળભળાટ મચી ગયો છે. શનિવારે સમગ્ર મામલો બહાર આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. એપેડેમીક ઓફિસર ર્ડા. મુકેશ કાપડીયાએ વિગત આપતાં જણાવ્યું કે શાળાના 10 જણાનો સ્ટાફ, બેંકના 15 જણા અને સોમવારે 88 બાળકોના સેમ્પલ લેવાયા છે. જેનો રિપોર્ટ મંગળવારે આવશે. હાલમાં બે-ત્રણ દિવસ શાળા બંધ રાખવા જાણ કરી છે.

મહિલા કોઇના લગ્નમાં જઇ પરત આવ્યા બાદ બીમાર થયાનું જાણવા મળ્યું છે. તેમના અને તેમના પતિના સંપર્કમાં આવનાર તમામ સર્વેલન્સ હેઠળ છે અને અત્યાર સુધી કોઇનામાં શંકાસ્પદ લક્ષણો જણાયાં નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રવિવારે ઉત્તર આપવાનું ટાળ્યુ હતુ પરંતુ સોમવારે આરોગ્ય વિભાગના અભિપ્રાય મુજબ શૈક્ષણિક કાર્ય અંગે નિર્ણય લેવાનાર હોવાનું જણાવ્યું હતું. મહિલા અને તેમના પતિ ગાંધીનગર રહેતા હોવાથી સા.કાં. જિલ્લામાં કેસ નોંધાયો નથી. પરંતુ સર્વેલન્સ સા.કાં. દ્વારા થઇ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...