સમસ્યા:બાલસખા યોજના બંધ થતાં હાઉસફુલ સ્થિતિ, ઇન્ક્યુબેટર વોર્ડમાં 18ની ક્ષમતા સામે 35 નવજાતને સારવાર અપાઇ રહી છે

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

1લી ઓગસ્ટથી નવજાત શિશુના જન્મથી 28 દિવસ સુધી નિશુલ્ક સારવારની જોગવાઈ વાળી બાલ સખા યોજના બંધ કરાતા હિંમતનગર સિવિલમાં ઈંક્યુબેટર વોર્ડમાં ક્ષમતા કરતા બમણા બાળકોને સારવાર અપાઈ રહી છે અને હાઉસફુલ સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકાર દ્વારા નવજાત શિશુનો મૃત્યુ દર ઘટાડવા ગરીબ બાળકોને ખાનગી હોસ્પિટલમાં પણ જન્મના 28 દિવસ સુધી રૂ.49 હજાર સુધીનો સારવાર ખર્ચ આપતી બાલ સખા યોજના અમલી બનાવાઈ હતી.

સારા હેતુ સાથે કાર્યાન્વિત થયેલ આ યોજનાનો પણ બહુ ગેરલાભ ઉઠાવાયો અને ખાનગી તબીબોએ જરૂર ન હોય તો પણ મોટાભાગના નવજાતને એડમીટ કરી આરોગ્ય વિભાગ સાથે મીલીભગત કરી બીલો બનાવી મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ક્રોસ વેરિફિકેશનમાં બહાર આવ્યા બાદ આ યોજના બંધ થવાની ઘડીઓ ગણાઈ રહી હતી અને અંતે 1લી ઓગસ્ટે બાળ સુરક્ષા યોજના બંધ કરી દેવાઈ છે.

જે નવજાત શિશુઓને ઇન્ક્યુબેટર રેડીયન્ટ વોર્મર સારવારની જરૂર હોય તેમને સાદી ભાષામાં કાચની પેટીમાં રાખવા પડે છે બાલ સખા યોજના બંધ થતાં સારવાર ખર્ચ ન પરવડે તેવા બાળકોને હિંમતનગર સિવિલમાં દાખલ કરાઇ રહ્યા છે. આર.એમ.ઓ ડો.એન.એમ.શાહે જણાવ્યું કે સિવિલમાં મંજુર થયેલ 18ની સામે હાલમાં 35 બાળકોને ઇન્ક્યુબેટર વોર્ડમાં સારવાર અપાઇ રહી છે

અન્ય સમાચારો પણ છે...