અમદાવાદના નરોડામાં વર્કસ મેનેજર તરીકે ફરજ બજાવવા દરમિયાન 26 માસમાં 5200 નવી બસોનું નિર્માણ કરવાને બદલે 3915 એસટી બસ બનાવતા ચેચીસના ભાવમાં સમય વિત્યે વધારો થતાં સરકારને રૂ. 8.85 કરોડનું નુકસાન અને ટેન્ડર પ્રક્રિયા વગર રૂ. 4.82 કરોડની નિયમ વિરુદ્ધ ખરીદી, ઓવરટાઇમ કૌભાંડની ગોકળગતિએ ચાલતી તપાસને અંતે તા. 11-08-21 ના રોજ એસ.ટી.નિગમ દ્વારા હાલમાં હિંમતનગર ડીસીને સસ્પેન્ડ કરી બદલી જૂનાગઢ કરાતાં ખળભળાટ મચી ગયો છે.
નરોડામાં વર્કસ મેનેજર તરીકે ફરજ બજાવતા કમલ હસને તેમના કાર્યકાળ દરમિયાન મેનપાવર અને મટિરિયલની ઉપલબ્ધિની સાપેક્ષમાં વર્કશોપમાં દરમહિને 200 નવી એસટી બસ બનાવવાની કેપેસિટી હોવા છતાં જાન્યુ -2018 થી 26 માસમાં 5200 બોડી બનાવવાની સામે 3915 બોડી બનાવી હતી. ક્ષમતા કરતાં ઓછી બોડી બનાવવાની કામગીરી થવાને પગલે નવી ચેચીસો માટે ભાવ વધારો અને અન્ય ખર્ચ વધતાં રૂ. 8.85 કરોડનું સરકારને નુકસાન થયું હોવા અંગે થયેલી ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ કરાયા હતા કે તા. 10-03-19 ના રોજ 200 ચેચીસ ખરીદવાનો પી.ઓ. મળવા છતાં કમલ હસને ઓક્ટો -19 સુધી કોઈ કાર્યવાહી કરી ન હતી. તેમણે વર્ષ 2018 - 19 દરમિયાન રૂ. 2.76 કરોડ અને વર્ષ 2019 - 20 માં રૂ. 2.08 કરોડ મળી કુલ રૂ. 4.82 કરોડની ટેન્ડર પ્રક્રિયા વગર નિયમ વિરુદ્ધ ખરીદી ઓવરટાઈમ કૌભાંડ આચર્યાનો આક્ષેપ કરાયો હતો. ગંભીર આક્ષેપો બાદ નિગમ દ્વારા કમલ હસનની નરોડા થી હિંમતનગર ડી.સી. તરીકે બદલી કરાઇ હતી.
ડી.સી. વિરુદ્ધ આ છે આક્ષેપો
>26 માસ દરમિયાન ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન કરી સરકારને ભાવ ફેરનું રૂ. 8.85 કરોડનું સીધું નુકસાન
> 200 ચેચીસ ખરીદવાનો પરચેજ ઓર્ડર હોવા છતાં સાત માસ સુધી કોઈ કાર્યવાહી ન કરી
> વર્ષ 2018 થી 2019 - 20 દરમિયાન કુલ રૂ. 4.82 કરોડની ટેન્ડર પ્રક્રિયા વગર ખરીદી અને ઓવરટાઈમ કૌભાંડ
હુકમ : હિંમતનગર ડીસીએ જૂનાગઢ ડીસી સમક્ષ રોજેરોજ હાજરી પૂરાવવાની રહેશે
જુલાઇ -20 માં નિગમ દ્વારા ત્રણ સભ્યોની ટીમ બનાવી તપાસ હાથ ધરાઇ હતી અને તપાસ અહેવાલ રજૂ થયા બાદ આક્ષેપોમાં તથ્ય જણાતાં નિગમ દ્વારા તા.11-08-21 ના રોજ હિંમતનગર ડીસીને સસ્પેન્ડ કરી જૂનાગઢ ડીસી સમક્ષ રોજે રોજ હાજરી પૂરાવવાની સૂચના સાથે હુકમ કર્યો છે.
ઘણાના પગે રેલો આવશે : ઉચ્ચ અધિકારીઓની સંડોવણી વગર આટલું મોટુ કૌભાંડ શક્ય નથી
વર્તમાન હિંમતનગર ડીસી સામે જે ગંભીર આક્ષેપો છે તે મુજબ જે તે સમયે એક વર્કસ મેનેજરના હોદ્દા પરનો કર્મચારી ઉચ્ચ અધિકારીઓની સંડોવણી કે દોરવણી વગર શક્ય ન હોવાનુ માનવામાં આવી રહ્યુ઼ છે. હિંમતનગર ડી.સી. કમલહસન મોઢુ ખોલશે તો ઘણાના પગ નીચે રેલો આવે તેમ છે. સરકારને નુકસાનનો આક્ષેપ જો અને તો પર આધારિત છે પરંતુ ટેન્ડર પ્રક્રિયા વગર કરોડોની ખરીદી થઇ તે કોના આદેશથી થઇ તેની વિગતો બહાર આવે તો જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.