મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી ઘટનાઓની તલસ્પર્શી સમીક્ષા માટે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજી હતી. મુખ્યમંત્રીએ પોલીસ અને ગૃહ વિભાગને જણાવ્યું કે, ગુજરાત શાંત, સલામત સુરક્ષિત અને વિકસીત રાજ્ય તરીકે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે, તેને જાળવી રાખવા પોલીસ તંત્ર સમાજ જીવનની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડકાઇથી પેશ આવે. તો હિંસા મુદ્દે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં 11 આરોપીને હિંમતનગર કોર્ટમાં પોલીસે રજૂ કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, જજે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીએ મુખ્યમંત્રીને સ્થિતિથી વાકેફ કર્યા
રાજ્યની શાંતિ, સલામતિ અને સામાજીક સમરસતાને ખલેલ પહોચાડવાના પ્રયાસો, આ બે સ્થળોએ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે, તેને ગંભીરતાથી લઇ ગૃહ વિભાગે અને પોલીસ તંત્રએ ઘટનાઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ સામે સખત પગલા ભરવાની કાર્યવાહી કરી દીધી છે, તેમ આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ મુખ્યમંત્રીને માહિતગાર કરતાં જણાવ્યું હતુંતેમણે કહ્યું કે, આ ઘટનાઓના અનુસંધાને ખંભાતમાં 9 વ્યક્તિઓ અને હિંમતનગરમાં 22 વ્યક્તિઓ મળી કુલ 31 વ્યક્તિઓ સામે પોલીસે ધરપકડ સહિતની કાયદેસર કાર્યવાહી કરી છે.
સામાજીક સૌહાર્દ જાળવવા સરકાર પ્રતિબદ્ધ
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યમાં શાંતિ સલામતિ અને સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેમા રૂકાવટ કરનારા તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવરાજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટીયા અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
16 એપ્રિલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે
આજે હિંમતનગર કોર્ટમાં એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલી શોભાયાત્રામાં તોડફોડ અને હિંસા કેસમાં 11 આરોપીઓને પોલીસે રજૂ કર્યા હતા. પોલીસે તમામ આરોપીઓના એક સપ્તાહના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 40ના નામજોગ અને 900ના ટોળા સામે ફરિયાદ નોઁધાઈ છે. એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી કુલ 4 ફરિયાદ નોંધાઈ છે. જેમાં 40 આરોપીઓ પૈકીના 11ને કોર્ટમાં હાજર કરાયા હતા. વધુ સુનાવણી 16 એપ્રિલે ચાર વાગ્યે ધરાશે.
ગૃહરાજ્યમંત્રી, ડીજીપી હિંમતનગર દોડી ગયા
હિંમતનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા ગુજરાત પોલીસ વડા તેમજ રેન્જ આઇજી અને અન્ય અધિકારીઓ સહિત ઉચ્ચ કક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ સંગઠનો સહિત સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સહિત ધારાસભ્ય અને સાંસદ સાથે હિંમતનગરમાં બનેલા પથ્થરમારાની ઝીણવટભરી માહિતી મેળવી હતી. તેમજ ગત રાત્રિએ હિંમતનગરના વણજારા વાસમાં થયેલા બનાવ અંગે પણ માહિતી રજૂ કરી હતી.
દેશના અન્ય કોઈ વ્યક્તિનો ઘટનામાં હાથ નહીં
રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયાએ જણાવ્યું હતું કે, ગત રાત્રે એક બનેલા બનાવ અંગે અત્યાર સુધીમાં 10 વ્યક્તિની અટકાયત થઈ ચૂકી છે. તેમ જ હાલમાં સ્થાનિક અક્ષય વધુ એક પોઈન્ટ ઉભો કરવાની માહિતી આપવામાં આવી હતી. જોકે ગુજરાત પોલીસ વડાએ કોઈપણ આરોપી બક્ષવામાં નહીં આવે તેમ કહી આગામી સમયમાં ઉદાહરણ સ્વરૂપ બને તેવી કાર્યવાહી હાથ કરવાની ખાતરી આપી હતી. સાથોસાથ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસ વડાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર બનાવો દેશના અન્ય કોઈ વ્યક્તિનો હાથ ન હોવાનું જણાવ્યું હતું. તેમજ સમગ્ર પરિસ્થિતિ ઉપર તાત્કાલિક ધોરણે નિયંત્રણ મેળવી લેવાશે તેમ જણાવ્યું હતું.
રાત્રે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાત્રેહિંમતનગર-ખંભાત હિંસા મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી, DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ, ચીફ સેક્રેટરી અને ગૃહસચિવને હાજર રહેવા તાકીદ કરાઈ છે.
કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી
અમદાવાદ શહેરના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. બંને ધારાસભ્યોએ રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાત ખાતે પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓમાં પોલીસ દ્વારા ધર્મ અને જાતિના ભેદભાવ વગર ષડયંત્રકારીઓની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરી છે. સાથે સાચા ગુનેગારો સામે કડક પગલાં લેવાય અને ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી નિષ્પક્ષ કાર્યવાહી થાય તેવી માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.