તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંભવિત ત્રીજી લહેર:હિંમતનગર સિવિલમાં બાળકો માટે 100 બેડ અને સાબરકાંઠાના સરકારી દવાખાના, સિવિલમાં ઓક્સિજનના 500 બેડ વધારાશે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિષ્ણાંતો દ્વારા કોરોનાની ત્રીજા વેવની આશંકા વ્યક્ત કરાઈ રહી છે

કોરોનાની બીજી લહેરમાં યુવાનોથી માંડી ઉંમરલાયક વૃદ્ધો સંક્રમિત થયા હતા. કોરોનાનો નવો સ્ટ્રેન ઝડપથી ફેફસાંને અસર કરતાં દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટવા માંડ્યું હતું અને દોઢ મહિનામાં સંખ્યાબંધ લોકો મોતને ભેટ્યા હતા.ે નિષ્ણાંતો દ્વારા ત્રીજા વેવની આશંકા વ્યક્ત કરાઈ રહી છે અને ત્રીજા તબક્કામાં સૌથી વધુ બાળકો પ્રભાવિત થવાની શક્યતા છેે. બીજી લહેર જેવી ઘાતક સ્થિતિ પેદા ન થાય તે માટે જિલ્લા પ્રશાસન અને આરોગ્ય તંત્ર દ્વારા ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, બાળકો માટેના બેડ વધારવા અગમચેતી રૂપે તજવીજ હાથ ધરાઇ છે.

હિંમતનગર સિવિલમાં બાળકો માટે 100 બેડ અને જિલ્લાની સરકારી દવાખાના, સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના 500 બેડ વધારાશે. નાનુ બાળક સંક્રમિત થવાના કિસ્સામાં બાળકના વાલી માતા કે પિતાને સાથે રાખવા જરૂરી બની રહે છે માતા કે પિતા સંક્રમિત હોય તો કોઈ સમસ્યા નહીં આવે પરંતુ બંને સંક્રમિત ન હોય તેવા કિસ્સામાં પીપીઈ કીટ પહેરીને બાળકની સાથે રહી શકે તેવું આયોજન કરાયું છે.

નવજાત બાળકો માટે 30 NICU
હિંમતનગર સિવિલમાં ત્રણ પીડીયાટ્રીક ડોક્ટર છે અને 4 ડોક્ટર ડીએનબી કરી રહ્યા છે. નવજાત બાળક સંક્રમણ સાથે જન્મે તો સિવિલમાં 30 એન.આઈ.સી.યુ. ની વ્યવસ્થા ઉપલબ્ધ છે અને રાઉન્ડ ધ ક્લોક તબીબ તથા નર્સિંગ સ્ટાફ દ્વારા નવજાત બાળકોની સાર-સંભાળ રાખી શકાય તેમ છે.

અહીં આટલા બેડની સંખ્યા વધારાશે
હિંમતનગર સિવિલમાં હાલ 400 બેડ છે. 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 48 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 02 સબ સેન્ટરના મળી કુલ 290 બેડની હાલમાં સુવિધા છે પ્રત્યેક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 10 તથા 02 સબસેન્ટરમાં 100 મળી કુલ 1040 બેડ નવા ઉભા કરવામાં આવશે. આ પૈકી 699 ઓક્સિજન સુવિધાવાળા છે તેમાં વધુ 500 બેડને ઓક્સિજન સુવિધાવાળા કરાશે.

અન્ય દર્દીના વોર્ડની અલાયદી વ્યવસ્થા
જિલ્લા આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગર સિવિલમાં બાળકો માટે 100 બેડની અલાયદી વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું છે. વેન્ટિલેટર સહિતની સુવિધા વિચારણા હેઠળ છે. ઓક્સિજનની સુવિધા આપવામાં કોઈ સમસ્યા નથી. અન્ય કોરોના દર્દીઓનો વોર્ડ અલગ રહેશે.

સંભવિત થર્ડ વેવ માટે તંત્ર સા.કાં. સજ્જ
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલે જણાવ્યું કે સંભવિત થર્ડ વેવ માટે જિલ્લામાં સાદા, ઓક્સિજનની સુવિધાવાળા, બેડની સંખ્યા વધારવા સહીત બાળકો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તમામ પીએચસી સીએચસી ખાતે ઇનડોર પેશન્ટને સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવાશે . સતત ટેસ્ટિંગ, કેસ વધુ મળી આવે તે પોકેટનું મોનીટરીંગ અને એનાલીસીસ તથા મહત્તમ ઝડપી વેક્સિનેશન થી થર્ડ વેવને મ્હાત અપાશે.

અન્ય સમાચારો પણ છે...