કમોસમી વરસાદ:ધોધમાર કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા,ઇડરમાં અઢી ઇંચ

હિંમતનગર,મોડાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયક્લોનિક સરકયુલેશન સિસ્ટમ સાથે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં વરસાદ પડ્યો
  • સતત ત્રીજા વર્ષે નવેમ્બર મહિનામાં માવઠું થયું, અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી માવઠુ, સાબરકાંઠામાં 90 ટકા થી વધુ વાવેતર બાકી
  • ભરશિયાળામાં લોકો છત્રી ખોલવા મજબૂર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગુરૂવારે સવારથી સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થતા સાંજ સુધીમાં 5 તાલુકામાં એક થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેને પગલે જિલ્લાજનોએ શીત લહેરનો અનુભવ કર્યો હતો ઇડરમાં બપોરે 2 થી 6 કલાક દરમ્યાન 60 મીમી વરસાદ એટલે કે અઢી ઇંચ વરસી ગયો હતો. ખેતી પાકને નુકસાનની વાતોથી ઉલટુ કમોસમી વરસાદ શિયાળુ વાવેતર કરવામાં ફાયદારૂપ બની રહેનાર હોવાનુ કૃષિ નિષ્ણાંતો દ્વારા જાણવા મળી રહ્યુ છે.

નોંધનીય છે કે જિલ્લામાં હજુ 90 ટકાથી વધુ વાવેતર બાકી છે. દિવસ પૂરો થવા સુધીમાં પોશીનામાં 38 મીમી, ખેડબ્રહ્મામાં 46 મીમી, વડાલીમાં 60 મીમી, ઇડરમાં 66 મીમી અને વિજયનગરમાં 31 મીમી કમોસમી વરસાદ નોંધાયો હતો જિલ્લામાં અત્યાર સુધીમાં 7.48 ટકા વાવેતર થયુ છે અને 90 ટકાથી વધુ વાવેતર બાકી છે. હવામાન વિભાગે અરવલ્લીમાં કમોસમી માવઠું થવાની આગાહી વ્યક્ત કરી હતી. જેના ભાગરૂપે મોડાસા અને શામળાજી પંથકમાં કમોસમી માવઠું ત્રાટકતા ખેડૂતો માટે આફત ઊભી થઈ હતી. મોડાસા 3 મીમી, માલપુર 1 મીમી, મેઘરજ 1 મીમી અને ભિલોડા 5 મીમી વરસાદ પડ્યો હતો.

લાંબડીયા-કોટડા પંથકમાં ઘર પર સૂકવેલ અડદ, મકાઇ પલળી ગયાં
લાંબડીયા-કોટડા પંથકમાં ગુરુવારે વહેલી સવારથી કમોસમી માવઠાથી કપાસ સહિત અડદ,મકાઈ અને નવા વાવેતર કરાયેલા ઘઉંના બીજનો, લસણ, ડુંગળી, ધાણા, મેથી જેવા શાકભાજીનો સંપૂર્ણ નાશ થવા પામ્યો હતો. કાપીને શેઢામાં અને ઘરના ધાબા ઉપર સૂકવેલા અડદ અને મકાઈ પણ વરસાદમાં પાણી પાણી થઈ ગયા હતા.

બાકી છે તેવા મોટાભાગના વાવેતરને મોટો ફાયદો થશે: તંત્ર
સાબરકાંઠા ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે જણાવ્યું કે 5 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. વાવેતર થઇ ગયું હોય અને પાણી ભરાય તો બટાકામાં ફૂગ, ઘઉંમાં ઉગાવામાં સમસ્યા થઇ શકે છે પરંતુ વાવેતર બાકી છે તે જમીનો ખેડી વાવેતર માટે પિયત આપવાની મોટા ભાગે જરૂરિયાત નહી રહે અને ચણા જેવા પાક માટે જે ખેડૂતો અવઢવમાં હતા તેમને પણ કમોસમી વરસાદથી આશા બંધાણી છે વાવણી બાકી છે તેમને મોટો ફાયદો થવાનો છે. ખેતર ખેડીને સીધી વાવણી કરવાની છે.

તેમણે ઉમેર્યું કે અડદ, મગફળી, મગ, તલ જેવા ટૂંકા ગાળાના પાક તૈયાર થઇને બજારમાં આવી ગયા છે જ્યારે દિવેલા, કપાસ, તુવર બાકી છે તેમાં કપાસમાં 70 ટકા વીણીઓ થઇ ગઇ છે. દિવેલાનો પાક લાંબાગાળાનો છે અને જેટલુ પાણી મળે તે સારુ છે તુવરમાં ફ્લાવરીંગનો સમય હોય ત્યાં ફૂલ ખરી પડે પરંતુ ફૂલ ફરીથી આવી જાય છે. એકંદરે જૂજ થયેલ વાવેતરમાં સંભવિત નુકસાનની સામે બાકી છે તેવા મોટા ભાગના વાવેતરને મોટો ફાયદો થશે.

લાંબડીયામાં બે કાચા મકાનો ધરાશાઇ
લાંબડીયા| લાંબડીયાની પંચાલ શેરીમાં આવેલા ભુદરભાઈ ગલબાભાઈ પંચાલના કાચા મકાન અને ધર્માભાઈ જગાભાઈ પ્રજાપતિના પણ કાચા મકાનની આગળનો ભાગ અચનાક ધરાશાઇ થતાં દોડધામ મચી હતી.

શામળાજીમાં મેળામાં વેપારીઓના તંબુ ભીંજાઈ ગયા
શામળાજીમાં ભરાતાં ત્રિદિવસીય કાર્તિકેય મેળા ઉપર પણ વરસાદની માઠી અસર પડી હતી મેળામાં આવેલા નાના પાથરણાવાળા વેપારીઓ તેમજ તંબુ લગાવીને વેપાર માટે આવેલા વેપારીઓમાં પણ દોડધામ મચી ગઇ હતી.

હવામાન વિભાગની આગાહી
ઉત્તર ગુજરાતમાં આજે પણ મધ્યમ વરસાદ પડવાની સંભાવના
શુક્રવારે પણ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની વાત કરીએ તો મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વરસાદ પડવાના કારણે 48 કલાક એટલે કે બે દિવસ પછી રૂટીન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાએ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

નિર્ણય |હિંમતનગર માર્કેટયાર્ડ સોમવાર સુધી બંધ રહેશે
માવઠાની વકીને પગલે હિંમતનગર માર્કેટયાર્ડ સોમવાર સુધી બંધ રહેનાર હોવાનું માર્કેટયાર્ડ સંચાલકોએ જણાવ્યું હતું

નવે.2019 માં વરસ્યો હતો
વર્ષ 2019ના નવેમ્બર માસમાં બે વખત કમોસમી વરસાદ થયો હતો ડીસા હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2019ના નવેમ્બરમાં 3 તારીખે 30.4 મીમી અને 12 તારીખે 10.2 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે 2020ના ઓક્ટોબરમાં પણ 17 તારીખે 6 મીમી, વર્ષ 2017માં 6 ડિસેમ્બરે 2.2 મીમી વરસાદ નોંધાયો હતો.

​​​​​​​

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...