હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક કૌભાંડ:સરકારી કર્મચારીની સંડોવણી અંગે પણ તપાસ; 11 સામે ગુનો, પેપર એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે પહોંચ્યું એનો સમગ્ર ઘટનાક્રમ

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસે પેપરલીક કૌભાંડમાં પકડેલા છ શખ્સોને શુક્રવારે કોરોના ટેસ્ટ માટે હિંમતનગર સિવિલમાં લઈ જવાયા હતા. - Divya Bhaskar
પોલીસે પેપરલીક કૌભાંડમાં પકડેલા છ શખ્સોને શુક્રવારે કોરોના ટેસ્ટ માટે હિંમતનગર સિવિલમાં લઈ જવાયા હતા.
 • ભારે હોબાળા બાદ પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ, 10 થી 15 લાખ રૂપિયામાં પેપરની નકલ સાથે પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવ્યા
 • પરીક્ષાર્થીઓમાં નિરાશા - ચાર વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત કરું છું, વારંવાર પેપર લીક થાય છે,સરકાર પગલાં લે
 • હિંમતનગરના 4, પ્રાંતિજના ઊંછાના 3, પોગલુ, વદરાડ, કાણિયોલ, તેમજ તલોદના પાટના કૂવાના એક-એક શખ્સ સામે ગુનો
 • પ્રાંતિજના ઊંછા ગામનો મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ હજુ ફરાર ,ત્રણ ગૃપમાં પેપર સોલ્વ કરાયું
 • 11 પૈકી એક આરોપી મહેન્દ્ર પટેલ પોગલુ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડી રહ્યો છે

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગયા રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યા માટેની પરીક્ષાનું પેપર પ્રાંતિજ તાલુકાના ઊંછા ગામના શખ્સે લીક કરી આયોજનબદ્ધ રીતે કૌભાંડ આચર્યું હોવાનો પોલીસે ખૂલાસો કર્યો છે.

સોમવારે સાંજે આપ નેતા યુવરાજસિંહે હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયાનો ઘટસ્ફોટ કર્યા બાદ મચેલા હોબાળાને લઇ બચાવની સ્થિતિમાં આવી ગયેલી સરકારે પોલીસને તપાસના આદેશ આપ્યા બાદ શુક્રવારે મળસ્કે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના 11 શખ્સો વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધી 7 શખ્સોની અટકાયત કરી ફરાર 4 ને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે. તમામને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.

ઊંછાના જયેશ પટેલનું મકાન
ઊંછાના જયેશ પટેલનું મકાન

ગત સોમવારે સાંજે આપ નેતા યુજરાજસિંહે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો અને હિંમતનગર તાલુકાના શખ્સોની ભૂમિકા હોવાનો આક્ષેપ કરતાં સાબરકાંઠા પોલીસ હરકતમાં આવી હતી અને તમામ શકમંદોને રાઉન્ડ અપ કરી દેવાયા હતા.

જશવંત પટેલનું મકાન
જશવંત પટેલનું મકાન

ગુરુવારે સાંજે આક્ષેપકર્તાએ અલ્ટીમેટમ આપ્યા બાદ ગૌણ સેવા પસંદગી મંડળે તપાસ માટે ઇ-મેઇલ કરી ફોર્માલીટી પૂર્ણ કર્યા બાદ સાબરકાંઠા એસપીએ એલસીબીને જવાબદારી સોંપ્યા બાદ શુક્રવારે મળસ્કે એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં હેડ ક્લાર્ક વર્ગ-3ની તા.12 ડિસેમ્બર, 2021ના રોજ લેવાયેલ ભાગ-1ની પરીક્ષાનું બી-સિરીઝનું પેપર પરીક્ષા અગાઉ કોઇપણ સરકારી કર્મચારીની મદદથી મેળવી રૂ.10 થી 15 લાખમાં પરીક્ષાર્થીઓને વેચી અને પરીક્ષાર્થીઓએ ગેરકાયદે પેપરની નકલ મેળવી અન્ય પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવા અંતર્ગત પ્રાંતિજ તાલુકાના ઊંછા ગામના 3, પોગલુ અને વદરાડ ગામના એક-એક, મૂળ કાણિયોલના અને હાલ અમદાવાદ રહેતો એક શખ્સ, તલોદ તાલુકાના પાટના કૂવાનો એક શખ્સ, હિંમતનગર તાલુકાના 4 શખ્સો મળી કુલ 11 જણા વિરુદ્ધ વિશ્વાસ ભંગ અને છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી હતી અને તે પૈકી 7 શખ્સોની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું કે, આ કેસમાં એફએસએલની પણ મદ લેવાઇ છે. પૈસાની લેવડ દેવડ અંગે તપાસ ચાલુ છે. પ્રાથમિક તબક્કે નિવેદન અને ડોક્યુમેન્ટ કબજે લેવાયાં છે. મુખ્ય સૂત્રધારનો કુટુંબીભાઇ જશવંત પટેલ ઝડપાયો પેપરલીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર જયેશ ઉર્ફે મુકેશના કુટુંબીભાઇ જશવંત હરગોવનભાઇ પટેલને શુક્રવારે મોડી સાંજે પોલીસે ઝડપી લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જોકે, હિંમતનગર ડીવાયએસપીએ આ બાબતે સ્પષ્ટતા કરી ન હતી, પરંતુ 11 પૈકી 7 આરોપીઓ ઝડપાઇ ગયા છે.

હવે જશવંતભાઇનો પુત્ર દેવલ અને કુટુંબીભાઇ જયેશ પણ પકડાઇ જવાના સંજોગો ઉજળા બન્યા છે. પરીક્ષાર્થીઓમાં નિરાશા : હેડ ક્લાર્કની પરીક્ષા આપનાર અમિતભાઇએ જણાવ્યું કે, પેપર લીક થયાનું જાણવા મળતાં નિરાશ થયો છું. અગાઉ પણ સચિવાલયની પરીક્ષાનું પેપર લીક થયાનું પરીક્ષા આપવા માટે બસમાં જતો હતો તે વખતે ખબર પડી હતી. વારંવાર પેપર લીક થાય છે.

છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. ઇડરના રોહિત પરમારે જણાવ્યું કે, છેલ્લા ત્રણ ચાર વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત કરી રહ્યો છું. અગાઉ પણ બિનસચિવાલય, પોલીસના પેપર લીક થયા છે. સરકારે યોગ્ય પગલાં લેવા જોઇએ. આવી રીતે દર વર્ષે પેપર લીક થયા કરે છે. પેપર લીક મામલે રેલી આવેદન વગેરે જેવી પ્રોસેસ કરવી પડશે તો પણ સાથ આપીશું.

આ 7ની અટકાયત કરાઇ

1. ધ્રુવ ભરતભાઇ બારોટ ઉ.વ.24 (રહે. બેરણા, તા.હિંમતનગર) 2. મહેશ કમલેશભાઇ પટેલ ઉ.વ.32 (રહે. સી-304 શાશ્વતફળી, ન્યુ રાણીપ, અમદાવાદ) 3. ચિંતન પ્રવિણભાઇ પટેલ ઉ.વ. 29 (રહે. વદરાડ, તા. પ્રાંતિજ) 4. કુલદિપ નલીનભાઇ પટેલ ઉ.વ. 28 (રહે. કાણિયોલ, તા. હિંમતનગર) 5. દર્શન કિરીટકુમાર વ્યાસ ઉ.વ. 45 (રહે.રાજબસેરા, મહાવીરનગર, હિંમતનગર) 6. સુરેશ રમણભાઇ પટેલ (રહે.તાજપુરી કુંડોલ, તા. હિંમતનગર) 7. જશવંત હરગોવન પટેલ (રહે. ઊંછા)

પેપર ક્યાંથી ક્યાં પહોંચ્યું?

 • પ્રાંતિજના ઊંછાના જયેશ ઇશ્વરભાઇ પટેલે તા.12/12/21ના રોજ લેવાનાર પરીક્ષાનું અસલ પેપર મેળવી તા.11/12/13ના રોજ કુટુંબીભાઇ જશવંત હરગોવનભાઇ પટેલ અને તેમના દીકરા દેવલ જશવંતભાઇ પટેલને આપ્યું હતું.
 • દેવલ જશવંતભાઇ પટેલ 5 પરીક્ષાર્થીઓને તેના સસરા મહેન્દ્રભાઇ એસ. પટેલના ઘેર પોગલુ ગામે લઇ ગયો હતો, જ્યાં પાંચેય પરીક્ષાર્થીઓને મહેશ કમલેશભાઇ પટેલ (રહે. ન્યૂ રાણીપ, અમદાવાદ મૂળ રહે. કાણિયોલ), દેવલ અને મહેન્દ્રભાઇ પટેલે પેપર અને પુસ્તકો આપી પેપર સોલ્વ કરવામાં આવ્યા હતા.
 • પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના ચિંતન પ્રવીણભાઇ પટેલ તથા અન્ય 6 વિદ્યાર્થીઓને જશવંતભાઇ હરગોવનભાઇ પટેલે પોતાના ઊંછા ગામના ખેતરમાં પેપર અને પુસ્તકો આપી સોલ્વ કરવા બેસાડ્યા હતા. તમામ પરીક્ષાર્થીઓના મોબાઇલ વિનય હોટલ પ્રાંતિજથી સ્વીચ ઓફ કરી લઇ લેવાયા હતા અને તા.12/12/21ના રોજ વિદ્યાર્થીઓને અલગ અલગ વાહનોમાં બેસાડી પરીક્ષા કેન્દ્રોમાં પહોંચાડ્યા હતા.
 • જયેશભાઇ ઇશ્વરભાઇ પટેલે એક નકલ દર્શન કિરીટકુમાર વ્યાસ (રહે. રાજબસેરા બંગ્લોઝ, મહાવીરનગર, હિંમતનગર)ને આપી હતી.
 • દર્શન કિરીટકુમાર વ્યાસે આ નકલ કુલદીપ પટેલ (રહે. કાણિયોલ, તા. હિંમતનગર)ને આપતાં તેણે પણ 5 વિદ્યાર્થીઓને પોતાના ઘેર પેપર સોલ્વ કરાવ્યા હતા.
 • કુલદીપ નલીનભાઇ પટેલે સુરેશ રમણભાઇ પટેલ તથા અન્યને એક વેગનઆર ગાડીમાં ગાંધીનગરથી સતીષ ઉર્ફે હેપ્પી પટેલ (રહે. પાટનાકુવા, તા.તલોદ) સાથે વિસનગર તાલુકાના બાસણા ગામે મોકલી આપ્યા હતા અને તા.12/12/21ના રોજ સવારે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીને વડોદરા ખાતે પરીક્ષા હોઇ દર્શન કિરીટકુમાર વ્યાસ વડોદરા મૂકવા ગયા હતા.

આરોપીઓ સામે નોંધાયેલા ગુનામાં 7 થી 10 વર્ષની સજાની જોગવાઇ છે
11 આરોપી વિરુદ્ધ વિશ્વાસના હનનની આઇપીસી 406, 409 અને 420 ધારા લગાવાઇ છે. જેમાં આઇપીસી કલમ 406માં મહત્તમ 3 વર્ષ, 409માં મહત્તમ 10 વર્ષથી આજીવન કેદ અને દંડ તથા આઇપીસી 420માં મહત્તમ 7 વર્ષ અને દંડની જોગવાઇ છે. આ બંને કલમો ગેરજમાનતી અને પ્રથમ શ્રેણીના મેજિસ્ટ્રેટ સમક્ષ વિચારાધીન છે.

જયેશ પટેલ મોઢું ખોલશે તો સચિવ કક્ષાના પગ તળે રેલો આવશે : સૂત્રો
મુખ્ય સૂત્રધાર જયેશ ઇશ્વરભાઇ પટેલને ગામમાં જયેશ નામથી ઓછા લોકો જાણે છે, મુકેશ નામથી ઓળખાય છે. શરૂઆતથી જ કૌભાંડી છાપ ધરાવતો હોવાનું ગામમાંથી જાણવા મળી રહ્યું છે. મોઢું ખોલે તો સચિવ કક્ષાના અધિકારીના પગતળે રેલો આવે તેમ છે.

પેપર કૌભાંડમાં બે વેવાઇની ધરપકડ
પેપરલીકમાં પકડાયેલા ઊંછાના જશવંતભાઇ પટેલ અને પોગલુના મહેન્દ્ર પટેલ સગપણમાં વેવાઇ થાય છે.

સરકારી કર્મીની સંડોવણી અંગે તપાસ
પેપર પેપરસેટરને ત્યાંથી ફૂટ્યું, સ્ટ્રોંગરૂમમાંથી ફૂટ્યું કે પ્રિન્ટીંગ પ્રેસમાંથી તે અંગે કંઇ જણાવાયું નથી. પરંતુ સરકારી કર્મીની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે.

તમામ આરોપીઓની નામ
1. જયેશ ઇશ્વરભાઇ પટેલ (રહે. ઊંછા, તા.પ્રાંતિજ) -
જયેશ મુખ્ય સૂત્રધાર મનાય છે. અગાઉ હિંમતનગર મોતીપુરામાં એક ઓટો ડીલરને ત્યાં નોકરી કરતો હતો. ભૂતકાળમાં તેની ફ્રેન્ડઝ ગૃપ નામની સ્કીમમાં લોકોના નાણાં ફસાતાં કેસ પણ થયો છે. પત્ની ધાનેરા તાલુકામાં શિક્ષિકા છે. તે તેની સાથે ધાનેરા ખાતે રહે છે.
2. ધ્રુવ ભરતભાઇ બારોટ(રહે. બેરણા, તા. હિંમતનગર) - માતા-પિતા શિક્ષક છે અને ખાનગી વીમા કંપનીનું કામ કરતો હતો. પેપર મળતું હોવાની જાણ થતાં તેણે સંબંધીને ફોન કરી રાય લીધી. પરંતુ ન માન્યો. કોલ ડિટેઇલને કારણે ધ્રુવની અટકાયત થતાંની સાથે સંબંધી પિનાકીન બારોટ પણ હાલાકીમાં મૂકાયા હતા.
3. ચિંતન પ્રવીણભાઇ પટેલ(રહે. વદરાડ, તા.પ્રાંતિજ) - સ્થાનિક સૂત્રો મુજબ, મજરા ખાતે ન્યૂ વિનયની બાજુમાં મેડિકલમાં નોકરી કરતો હતો અને એક-બે માસથી નોકરી છોડી દીધી છે. તથા પ્રાંતિજના ભાંખરિયા સ્થિત સિટી સેન્ટરમાં જય શક્તિ મેડિકલ અને અન્ય મેડિકલમાં પણ ભાગીદારી હોવાનું જાણવા મળ્યું છે.
4. દર્શન કિરીટકુમાર વ્યાસ (મહાવીરનગર, હિંમતનગર) - સિવિલ એન્જિનિયર છે. વર્ષ 2017માં નરેન્દ્ર મોદી વિચાર મંચના નોર્થ ગુજરાત વીંગના પ્રમુખ બન્યા હતા અને રાજકીય પાર્ટીમાં જોડાયા હતા. જયેશ પટેલે પેપરની એક નકલ તેમને આપી હતી તથા એક વિદ્યાર્થીને પરીક્ષા અપાવવા વડોદરા મૂકવા ગયા હતા.
5. મહેન્દ્ર એસ.પટેલ (રહે. પોગલુ, તા. પ્રાંતિજ) - મુખ્ય સૂત્રધાર જયેશ પટેલના કુટુંબી ભત્રીજા દેવલના સસરા મહેન્દ્રભાઇ પટેલ હાલમાં સરપંચની ચૂંટણી લડી રહ્યા છે. તેમના ઘેર 5 વિદ્યાર્થીને રાખી દેવલની સાથે પેપર અને પુસ્તકો આપી સોલ્વ કરવા બેસાડ્યા હતા.
6. કુલદિપ નલીન પટેલ(કાણિયોલ, તા. હિંમતનગર)​​​​​​ - કુલદિપ નલીનભાઇ પટેલે દર્શન વ્યાસ પાસેથી પેપરની નકલ લઇને 5 વિદ્યાર્થીઓને પોતાના ઘેર પેપર સોલ્વ કરાવી વિદ્યાર્થીઓને ગાંધીનગર અને વિસનગર તાલુકાના બાસણા ગામે મોકલ્યા હતા.
7. દેવલ જશવંતભાઇ પટેલ(રહે. ઊંછા, તા.પ્રાંતિજ) - દેવલ પટેલ હાલ અમદાવાદ ખાતે નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરે છે. કુટુંબી કાકાએ પેપર લાવી વિદ્યાર્થીઓ શોધી લાવવા કામ સોંપતાં વિદ્યાર્થીઓ લઇ આવ્યો હતો. પોલીસ તપાસમાં તેનું નામ ખૂલ્યું હતું.
8. જસવંત હરગોવન પટેલ (રહે. ઊંછા, તા.પ્રાંતિજ)
9. મહેશ કમલેશભાઇ પટેલ (304 શાશ્વતફળી, ન્યુ રાણીપ, અમદાવાદ, મૂળ રહે. કાણિયોલ)
10. સતીષ ઉર્ફે હેપ્પી પટેલ (રહે. પાટનાકુવા, તા. તલોદ)
11. સુરેશ રમણભાઇ પટેલ(રહે. તાજપુરી કુંડોલ)

છેલ્લા 8 વર્ષમાં પેપર ફૂટવાનો કાળો ઇતિહાસ :

 • વર્ષ 2014 જીપીએસસીની ચીફ ઓફિસર પરીક્ષા
 • વર્ષ 2015 તલાટીની પરીક્ષા
 • વર્ષ 2016 જિ.પં. તલાટીની પરીક્ષા
 • વર્ષ 2017 ટેટ પેપરલીક
 • વર્ષ 2018 ટેટની પરીક્ષા
 • વર્ષ 2018 વનરક્ષક પરીક્ષા
 • વર્ષ 2018 મુખ્ય સેવિકાની પરીક્ષા
 • વર્ષ 2018 નાયબ ચિટનિસની પરીક્ષા
 • વર્ષ 2018 એલઆરડીની પરીક્ષા વર્ષ 2019 બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા
 • વર્ષ 2021 સબઓડિટરની પરીક્ષા વર્ષ 2021 હેડક્લાર્કની પરીક્ષા
અન્ય સમાચારો પણ છે...