છેતરપિંડી:મોટાચેખલાના યુવકને 43 હજારની લોન સામે 31હજાર આપી ઠગ્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજાજ ફાયનાન્સમાંથી બોલું છું કહી લોન પ્રોસેસ કરી ઓટીપી મેળવી ઠગાઇ, બાયડના ભૂડાસણના યુવક સામે ગુનો

તલોદના મોટા ચેખલાના યુવકે જાહેરાતમાં પ્રસિદ્ધ થયેલ નંબર પર સંપર્ક કરતાં બજાજ ફાયનાન્સમાંથી બોલતો હોવાની ઓળખ આપી ઓનલાઇન ડોક્યુમેન્ટ મંગાવી લોન પ્રોસેસ કરી ઓટીપી મેળવી લઇ રૂ.43 હજારનો મોબાઇલ ખરીદી લીધા બાદ લોન ધારક પર હપ્તાનો મેસેજ આવતાં છેતરપિંડી આચરનાર પરિવારનો સંપર્ક કરતાં રૂ. 12 હજાર પરત આપ્યા હતા અને બાકીની રકમ પરત ન કરતાં ભોગ બનનારે તલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મોટાચેખલાના હિતેશકુમાર કાન્તીભાઇ જોષીએ ડિસે-20 માં બજાજના કાર્ડ ઉપર લોન કરી અપાશેની જાહેરાત જોયા બાદ પૈસાની જરૂર હોવાથી તા.30-01-21 ના રોજ સાંજે જાહેરાતમાં પ્રસિદ્ધ થયેલ નંબર પર ફોન કરતાં બજાજ ફાયનાન્સમાંથી બોલું છું કહેતા હિતેશકુમારે પૈસાની જરૂરિયાત હોઇ લોનની વાત કરતાં સામેથી બોલતા વ્યક્તિએ આધારકાર્ડ, બજાજ ફાયનાન્સ કાર્ડ, બેન્ક એકાઉન્ટ પાસબુક, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મંગાવતા વોટ્સએપ પર મોકલી આપ્યા બાદ થોડા સમય પછી હિતેશકુમારના મોબાઇલમાં ઓટીપી આવ્યો હતો. જે આવ્યા બાદ મેસેજ આવ્યો કે 24 કલાકમાં તમારી રૂ.43 હજારની લોન તમારા ખાતામાં જમા થઇ જશે. પરંતુ ખાતામાં કોઇ રકમ જમા થઇ ન હતી.

ઉલટાનું રૂ.4778 ના હપ્તાનો મેસેજ આવતાં હિતેશકુમારે હિંમતનગર આવી બજાજ ફાયનાન્સમાં તપાસ કરતાં તેમના નામે રૂ.43 હજારની લોન કરી મોબાઇલની ખરીદી થઇ હતી. જેના અનુસંધાને સાયબર સેલમાં અરજી આપ્યા બાદ બાયડના ભૂડાસણના કનુજી રમણજી સોલંકીએ પૈસા ઉપાડી લીધાની ખબર પડતાં તેના ઘેર જઇ તપાસ કરતાં કનુજીના મોટાભાઇ રાજુભાઇ રમણજી સોલંકીએ તા.18-06-21 ના રોજ લોન પેટેના રૂ. 12 હજાર પરત આપી બાકી રકમ થોડા દિવસમાં આપવાનું કહ્યા બાદ પૈસા ન આપતાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...