તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા શૈક્ષણિક વર્ષનો અભ્યાસ શરૂ:આજથી શાળાઓ ફક્ત શિક્ષકો માટે ખુલશે બ્રિજ કોર્સથી નવા સત્રની શરૂઆત કરાશે

હિંમતનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો - 11માં પ્રવેશની પ્રક્રિયા શરૂ ન કરવા તમામ શાળા સંચાલકોને સૂચના અપાઇ

રાજ્યના શિક્ષણ વિભાગે તમામ વર્ગોની પરીક્ષાઓ રદ કર્યા બાદ બાળકોને શાળામાં બોલાવ્યા સિવાય 7 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો અભ્યાસ શરૂ કરવા સૂચના આપી છે. જેને પગલે આજે સોમવારથી ફરી એકવાર ઓનલાઇન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે બબ્બે વાર્ષિક પરીક્ષાઓ ન લેવાયા બાદ ત્રીજી વાર્ષિક પરીક્ષાની તૈયારીની અવઢવ સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફરી એકવાર ઓનલાઇન થશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ પટેલે જણાવ્યું કે 7 જૂનથી નવુ સત્ર શરૂ થઈ જશે. 3 દિવસ શિક્ષકોને તાલીમ અપાશે અને 10 જૂનથી શિક્ષકો ઓનલાઇન શિક્ષણ શરૂ કરશે. પુસ્તકો ડોર ટુ ડોર વિદ્યાર્થીના ઘેર જઈને પહોંચાડવાનું આયોજન થયું છે સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ અંતર્ગત પાછલા સત્રનું શિક્ષણ અને નવા સત્રના શિક્ષણ વચ્ચે સેતુરૂપ બ્રિજ કોર્ષ થી નવા સત્રની શરૂઆત કરાશે. નાના બાળકોના ઘેર-ઘેર જઇ ઓનલાઇન શિક્ષણની સમજ આપશે અને મોટા ભાઈ બહેન અથવા વાલીને ઓનલાઇન શિક્ષણ દરમિયાન બાળકની સાથે રહેવા પ્રેરણા આપશે. ધો - 1 માં પ્રવેશ માટે ગત ફેબ્રુઆરીમાં સર્વે કરી અંદાજે 20 હજાર જેટલા બાળકોનું એનરોલમેન્ટ કરાયું છે.

જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી એસ.કે. વ્યાસે જણાવ્યું કે અગાઉની જેમ જ ઓનલાઇન શિક્ષણ પ્રક્રિયા શરૂ થશે. ધો - 11માં પ્રવેશની પ્રક્રિયા શરૂ ન કરવા તમામ શાળા સંચાલકોને સૂચના અપાઈ છે. વધારાના વર્ગોની પણ જરૂરિયાત ઉભી થાય તેમ હોઈ ઉચ્ચ કક્ષાએ જાણ કરાઇ છે. શિક્ષકો શાળામાં આવશે પરંતુ બાળકોને શાળામાં ન બોલાવવા સૂચના આપી છે.

સા.કાં.માં ધો-11 માં 110 વર્ગ વધારવા પડશે
રાજ્ય સરકારે ધો-10 અને ધો-12 ના વિદ્યાર્થીઓને પણ પ્રમોશન આપી દીધું છે પરંતુ ધો- 11 માં પ્રવેશ માટેની કોઈ નીતિ કે આયોજન જાહેર કર્યું નથી. તમામ વર્ગના વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પાસ આઉટ કરાતાં વિકટ સ્થિતિ પેદા થઇ રહી છે. ધો-9 માં 05 અને ધો - 10માં 10 વર્ગખંડની ઘટ છે. જ્યારે ધો - 11માં 46 ઓરડાની ઘટ હતી. તે હવે વધીને 110 સુધી પહોંચી ગઈ છે જિલ્લા શિક્ષણ વિભાગે કુલ 125 વર્ગોની હંગામી ધોરણે મંજૂરી આપવા ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે.

લોઅર પ્રાયમરીમાં ઓનલાઇન શિક્ષણ યોગ્ય નથી
પાઠ્યપુસ્તકોની ખરીદી કરવા આવેલ વાલી નિખિલભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે ધો - 1 થી 5 ના બાળકો માટે ઓનલાઇન શિક્ષણ યોગ્ય નથી. શિક્ષણ વિભાગે ઓફલાઈન શિક્ષણ માટે જ યોગ્ય વિકલ્પ શોધવો જોઈએ. અત્યારે ધો-9 અને ધો-10 ની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે આ પૂર્ણ થઈ ગયા પછી વિદ્યાર્થીઓના નંબર વગેરે લઇ ઓન લાઇન અભ્યાસ શરુ કરાવાશે આમાં હજુ બે ત્રણ દિવસનો સમય લાગી શકે એમ છે. - કિરણભાઈ પટેલ, આચાર્ય, કે.એમ.પટેલ હાઈસ્કૂલ ઇડર

અન્ય સમાચારો પણ છે...