હિંમતનગર શહેરની શાંતિમાં રવિવારે પલીતો ચંપાયા બાદ ચાર જેટલી ફરિયાદો નોંધાવા અંતર્ગત પોલીસે રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓની સહાયથી વધુ ચાર શખ્સોની ઓળખ કરી અટકાયત કરી હતી અને ગઈકાલે પકડાયેલા પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક ફોટા મેસેજ મોકલનાર શખ્સોની ઓળખ કરી ખેરોજ સહિતના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
હિંમતનગર શહેરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર હુમલો કરી શહેરની શાંતિ ડહોળાયા બાદ પોલીસે 1004 શખ્સો વિરુદ્ધ બે પોલીસ સ્ટેશનમાં ચાર જેટલી ફરિયાદો નોંધી હતી અને અત્યાર સુધીમાં 45 જેટલા શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે ઈન્વેસ્ટિગેશન ઓફિસર જે.એ.રાઠવાએ જણાવ્યું કે ગુરૂવારે અટક કરેલ પાંચને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવાયા છે તથા વધુ ચાર શખ્સોની અટકાયત કરાઇ છે.
સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મટીરીયલ મૂકી ધાર્મિક ઉન્માદ ફેલાવી વૈમનસ્ય ઉભું થાય અને સૌહાર્દનો ભંગ થાય તેવા મેસેજ કરનાર શખ્સોને ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ ગુનો નોંધવા ખેરોજ પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશનને જાણ કરાઇ છે.
કાર્યવાહીથી ફફડાટઃ હિંમતનગરમાં ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવા તખતો તૈયાર...
યુપી એમપી અને ખંભાતની તર્જ પર હિંમતનગરમાં પણ અસામાજીક તત્ત્વોની ગેરકાયદે મિલકતો, દબાણો ઉપર બુલડોઝર ફેરવવા તખ્તો તૈયાર થઇ રહ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને દસ્તાવેજી રેકર્ડ અલગ કરી દબાણોની વિગતો એકત્ર કરાઇ રહી છે. ત્યારે શહેરમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે અસામાજિક તત્ત્વોની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ક્યારે ફરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.