ચોરીનો ભેદ ઉકલાયો:સાબરકાંઠાના ઇતિહાસની સૌથી મોટી 1.40 કરોડની ઘરફોડ ચોરીમાં પાંચ શખ્સો ઝડપાયા, પોલીસે 31 લાખ રિકવર કર્યા

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા એલસીબી પોલીસે ચોરીનો ભેદ ઉકલ્યો હતો - Divya Bhaskar
સાબરકાંઠા એલસીબી પોલીસે ચોરીનો ભેદ ઉકલ્યો હતો
  • સાબરકાંઠા એલસીબીએ પકડેલા ઘરફોડિયાઓએ પ્રાંતિજના ગામમાં ‌1.40 કરોડની મત્તા ચોરી હોવાની કબૂલાત કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી
  • પ્રાંતિજના મોયદમાં એક મહિના અગાઉ થયેલી ચોરીમાં ફરિયાદીએ માત્ર 90હજારની ચોરી લખાવી હતી

સાબરકાંઠાના ખોબા જેવડા ગામ પ્રાંતિજના મોયદમાં એક માસ અગાઉ રૂ.1,40,90,000 રોકડની ચોરી કરી હોવાની 5 તસ્કરોએ કબૂલાત કરતાં ખળભળાટ મચી ગયો છે. આટલી મોટી રકમની રેકોર્ડ બ્રેક ચોરી છતાં પોલીસ સમક્ષ માત્ર રૂ.90 હજારની ફરિયાદ નોંધાવનારે પાછળથી રૂ.1.40 કરોડની રોકડના પૂરાવા રજૂ કરી કાયદાને મજાક બનાવી દીધો હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે ચોરીની પ્રારંભિક રકમ અને ત્યારબાદ થોડાક જ સમયમાં તેમાં દોઢસો ગણો વધારો અનેક બાબતોને એરણે ચઢાવી રહ્યો છે અને આર્થિક અન્વેષણ વિભાગ દ્વારા સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરી સત્ય બહાર લાવી કાયદાની લાજ બચાવવી જરૂરી બની રહી છે. પોલીસે અત્યારસુધી 31 લાખ રિકવર કર્યા છે.

ગત ફેબ્રુઆરીના પ્રારંભે 2 ફેબ્રુઆરીએ ધોળા દાડે પ્રાંતિજના મોયદમાં પ્રિતેશકુમાર મહેન્દ્રભાઇ પટેલ (રહે. મોયદ રૂપાજી) ના બંધ મકાનનો પાછળનો દરવાજો તોડી ઘરનો સામાન વેર વિખેર કરી તિજોરીમાં મૂકેલ સોનાનો દોઢ તોલાનો દોરો કિં.70 હજાર તેમજ 5 ગ્રામ સોનાની વીંટી કિં.20 હજાર મળી કુલ રૂ.90 હજારની મત્તાની ચોરી થઇ હોવા અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી અને જે તે સમયે જ લાખોની ચોરી થઇ હોવાની ચર્ચાઓએ ગામમાં જોર પકડ્યુ હતું.

પરંતુ ભોગ બનનારે જ માત્ર 90 હજારની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવતા ચર્ચાઓને મોઢે તાળુ લાગી ગયુ હતું. પરંતુ ત્રણેક દિવસ અગાઉ સા.કાં. એલસીબીએ કૂનેહપૂર્વક તપાસ હાથ ધરી શરીફ અકબર મનસુરી (27) (મૂળ રહે. ચેખલાપગી દહેગામ હાલ રહે. સંજરી પાર્ક પેથાપુર ગાંધીનગર), અમન યુનુસખાન જાફરખાન (23)(રહે. કુંભારવાસ જૈન દેરાસર પાછળ દહેગામ), હિતેન્દ્ર દિનેશ પટેલ (25) (રહે. વરથુ તા.મોડાસા), સંદિપ ઉર્ફે ટકલો બલેશ્વર સોમાઇ રાવ (29)(રહે. સુભાષનગર ટેકરા અમદાવાદ) અને રાજેશ ઉર્ફે કીસ્ટુ કચરા પરમાર (35) (રહે. સીંધીયાનગર નવા નરોડા અમદાવાદ) ને ઝડપી પૂછપરછ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો અને ચોરોએ રૂ.1,40,90,000 રોકડની ચોર્યાની કબૂલાત કરતાં ખળભળાટ મચી ગયો હતો.

પોલીસે એકંદરે દોઢ કરોડની રેકોર્ડ બ્રેક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતા અનેક પ્રશ્નાર્થ ખડા થઇ ગયા છે અને ફરિયાદીએ માત્ર રૂ.90 હજારની ચોરીની પ્રારંભિક ફરિયાદ નોંધાવ્યા બાદ સોનાની વીંટી અને સોનાનો દોરો બાજુએ કરી રૂ.1.40 કરોડની રોકડની ચોરી થયાનું નિવેદન પાછળથી આપવા પાછળ કયા પરિબળો જવાબદાર હતા અને આટલી મોટી રકમ બતાવવા ઉછીના, આવક, પેમેન્ટ વગેરે બતાવવા સમય મેળવવામાં આવ્યો કે કેમ. વગેરેની તપાસ જરૂરી બની રહી છે જેને કારણે ફરિયાદી સ્વયં શંકાના દાયરામાં આવી જવા સહિત કાયદાને મજાક બનાવી દેવાયો હોવાની પંથકમાં અનુભૂતી થઇ રહી છે.

ત્રણ દિવસ અગાઉ પાંચ ઘરફોડિયાની કબૂલાત બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરી તા.11-03-22 સવારે 11 વાગ્યા સુધીના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેમાં રિકવર કરાયેલ રકમ સિવાયની રકમ માટે તપાસ કરાશે. એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવતે જણાવ્યું કે ચોરીની ઓપરેન્ડી આધારે કેટલાક શકમંદોને ચિન્હીત કરી વોચ રાખવામાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોક્કસ શખ્સો રડાર પર આવતા તેમને ઝડપી લઇ પૂછપરછ કરતાં રૂ.1,40,90,000 રોકડની ચોરી કર્યાની કબૂલાત કરતાં અત્યાર સુધીમાં રૂ.31 લાખ જેટલી રકમ રિકવર કરાઇ છે.

પકડાયેલા ઘરફોડિયા
શરીફ અકબર મનસુરી (27) (મૂળ રહે. ચેખલાપગી દહેગામ હાલ રહે. સંજરી પાર્ક પેથાપુર ગાંધીનગર), અમન યુનુસખાન જાફરખાન (23)(રહે. કુંભારવાસ જૈન દેરાસર પાછળ દહેગામ), હિતેન્દ્ર દિનેશ પટેલ (25) (રહે. વરથુ તા.મોડાસા), સંદિપ ઉર્ફે ટકલો બલેશ્વર સોમાઇ રાવ (29)(રહે. સુભાષનગર ટેકરા અમદાવાદ) અને રાજેશ ઉર્ફે કીસ્ટુ કચરા પરમાર (35) (રહે. સીંધીયાનગર નવા નરોડા અમદાવાદ)

અન્ય સમાચારો પણ છે...