ખેડૂતોમાં આનંદ:સાબરકાંઠામાં ખેડૂતોને ગત વર્ષ કરતાં આ વર્ષે બટાકાના ડબલ ભાવ મળતાં આનંદ

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા વહેલા વાવેલા બટાકા ખેતરમાંથી બહાર કાઢવાનું શરૂ કરાયું છે. - Divya Bhaskar
સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા વહેલા વાવેલા બટાકા ખેતરમાંથી બહાર કાઢવાનું શરૂ કરાયું છે.
  • ગત વર્ષે મણના રૂ 60 થી રૂ120-25 ભાવ મળ્યા હતા, આ વર્ષે રૂ 190 થી રૂ 230-35 ભાવ મળે છે
  • સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ 22587 હેક્ટરમાં બટાકાનું મબલખ વાવેતર કર્યું છે

સાબરકાંઠામાં ગત વર્ષે બટાકાના ભાવમાં કડાકો બોલી ગયા બાદ અને કોઇ ખરીદવા તૈયાર ન થયાની સ્થિતિ સર્જાયા બાદ ચાલુ વર્ષે ડબલ ભાવ સાથે લેવાલી વધતા બટાકાનું વાવેતર કરનાર ખેડૂતોમાં સિઝનના પ્રારંભના તબક્કામાં આનંદનું મોજુ ફરી વળ્યુ છે. ગત વર્ષે ખેડૂતોને બટકાના પ્રતિ મણે રૂ. 60 થી રૂ.120-25 ભાવ મળતા હતા, જ્યારે આ વર્ષે રૂ. 190 થી રૂ. 230-35 ભાવ મળી રહ્યા છે.

સાબરકાંઠામાં આ વર્ષે ખેડૂતોએ 22587 હેક્ટરમાં બટાકાનું મબલખ વાવેતર કર્યું છે. ગત વર્ષે ભાવ ન મળવા છતાં ખેડૂતોએ હિંમત દાખવી વાવેતર વધાર્યું છે. જોકે, અવાર નવાર વાતાવરણમાં ફેરફાર થવાથી ઉત્પાદનમાં ઘટાડો થવાની દહેશત છે. પરંતુ પ્રારંભથી જ ઊંચા ભાવ મળતાં ઉત્પાદનનું નુકસાન સરભર થઇ જવાની ખુશી જોવા મળી રહી છે.

ગત વર્ષે ભાવ અ ેકદમ નીચા હતા ,આ વર્ષે સંતોષકારક ભાવ મળી રહ્યા છે
તખતગઢના નિશાંતભાઇ પટેલે જણાવ્યું કે તખતગઢમાં 1500 વીઘાથી વધુમાં બટાકાનું વાવેતર કરાયું છે અને 100 ટકા ડ્રીપ ઇરીગેશનથી સિંચાઇ કરાય છે. સામાન્ય રીતે એક વીઘામાં 350 થી 400 મણ બટાકાનું ઉત્પાદન થાય છે અને વીઘા દીઠ 35 થી 40 હજારનો ખર્ચ થાય છે. અન્ય એક ખેડૂત કિરીટભાઇ પટેલે જણાવ્યું કે બટાકાની પ્રોસેસિંગ વેરાયટી નું વાવેતર કરીએ છીએ ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન ઓછું આવ્યું છે ગઈ સાલ ઉત્પાદન વધુ હતું અને ભાવ એકદમ નીચા હતા. આ વર્ષે ઉત્પાદન થોડું ઘટ્યું છે અને ભાવ ઊંચા મળી રહ્યા છે. ગત વર્ષે રૂ.60 થી 120/25 ભાવ હતા. ચાલુ વર્ષે 190 થી 230/35ના ભાવ મળી રહ્યા છે. જે અમારા માટે સંતોષકારક ભાવ છે.

પ્રતિ વીઘા દીઠ રૂ10 થી રૂ15 હજારનો ફાયદો
અજયભાઈ પટેલે જણાવ્યું કે 175 વીઘામાં બટાટાનું વાવેતર કર્યું છે લાંબો સમય ઠંડી પદ અને કારણે ઉત્પાદન થોડું ઘટવા છતાં અને ખાતરના ભાવ ઊંચા રહેવા છતાં આ વર્ષે ઊંચા ભાવને કારણે વીઘા દીઠ 10 થી 15 હજાર નો ફાયદો થયો છે

ખેડૂત આલમમાં ખુશી
બટાકા કાઢવાનું શરૂ કરતાં પ્રારંભમાં એલ.આર.બટાટાના રૂ.225 થી 235 અને લવકર બટાટાના રૂ.300 થી 311 નો ભાવ મળી રહ્યો છે. ગત વર્ષે બટાકા મફતના ભાવે વેચવા ખેડૂતો મજબૂર બન્યા હતા. એકંદરે બટાકા ખરીદવા કોઇ તૈયાર પણ ન હતુ. ચાલુ વર્ષે સિઝનના પ્રારંભે સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખરીફ અને રવિ બંને સિઝનમાં વિવિધ ખેત પેદાશોના ઉચ્ચત્તમ ભાવ મળતાં ખેડૂતો ખુશ જણાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...