ચાલુ વર્ષે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળ્યા બાદ કપાસમાં પણ ગત વર્ષની સરખામણીએ પ્રતિમણ રૂ. 500 થી 700 વધુ મળી રહ્યા હોવાથી ખેડૂત આલમમાં ખુશાલીનો માહોલ છે. મંગળવારે ખેડૂતોનો ધસારો થતાં 2100 સુધી પહોંચેલા ભાવ 1965 સુધી નીચા આવ્યા હતા પરંતુ આ ભાવ પણ ગત વર્ષની સરખામણીએ 500 રૂપિયા જેટલા ઉંચા રહ્યા હતા.
જિલ્લામાં ચાલુ વર્ષે કપાસના વાવેતરમાં 15 થી 20 હજાર હેક્ટરનો ઘટાડો થયો હતો અને મગફળીનું વાવેતર વધ્યુ હતું. ચાલુ વર્ષે ખેડૂતોને એકંદરે ટેકાના ભાવ કરતાં પણ મગફળીમાં ઊંચા ભાવ મળ્યા છે તેવી જ રીતે કપાસમાં છેલ્લા એકાદ માસથી ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને ગત સપ્તાહાંતે પ્રતિમણના ભાવ રૂ. 2100 સુધી પહોંચ્યા હતા.
કપાસમાં ઊંચા ભાવ મળતાં મંગળવારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ રીતસરનો ધસારો કર્યો હતો. હિંમતનગર માર્કેટ યાર્ડના ધર્મેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ કે હાલમાં કપાસના ભાવ ઊંચા મળી રહ્યા હોવાથી આવક વધી છે અને ખરીદી થઇ છે. સોમવારે રૂ.1561 થી 2027 ના ભાવે ખરીદી થઇ હતી. હિંમતનગર સહકારીજીન મેનેજર શૈલેષભાઇ પટેલે જણાવ્યુ કે આ વર્ષે કપાસનુ વાવેતર ઘટ્યુ છે માંગ યથાવત છે તદ્દપરાંત 4 - જી કપાસની ગુણવત્તા પણ સુધરી છે. ગત વર્ષે રૂ. 900 થી રૂ. 1400 માં ખરીદી થઇ હતી. આ વર્ષે ઓછા વાવેતરને કારણે આવક ઘટતાં ભાવ રૂ.2100 સુધી બોલાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.