ઇડરનો ઘંટીયો ડુંગર:ઈડરિયા ગઢની દરેક શીલા સિદ્ધશીલા છે.... પ્રદેશની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિનો પુરાવો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્દ રાજચંદ્રની તપોભૂમિ
  • જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યા છે ત્યાં દયા નથી અને જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી : શ્રીમદ રાજચંદ્ર

ઇડરના ઘંટીયા ડુંગર પર આવેલ શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ એટલે ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્દ રાજચંદ્રની તપોભૂમિ. શ્રીમદ્દ રાજચંદ્રનો પ્રખ્યાત ક્વોટ છે. જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યા છે ત્યાં દયા નથી અને જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. ગાંધીજી તેમના આધ્યાત્મિક જ્ઞાન અને વિચારોથી બહું પ્રભાવિત હતા અને પત્ર વ્યવહારથી અવારનવાર માર્ગદર્શન મેળવતા હતા.

શ્રીમદ્દ રાજચંદ્રજીનું વ્યક્તિત્વ એટલું પ્રભાવી હતું કે તેમના નિકટના પરિચયમાં આવનાર તમામ ઉચ્ચ આત્મદશા અને આત્મસાધનાના રંગે રંગાઈ ગયા હતા. પોતાનાથી બે વર્ષ મોટા રાજચંદ્રજી સમક્ષ ધર્મ અંગે રહેલી કેટલીક શંકાઓ રજૂ કરી શંકાઓનું સમાધાન થતાં ધર્માંતર કરવાનું માંડી વાળ્યું હતું. ગાંધીજીએ સ્વયં કહ્યું હતું કે, દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન કર્યો છે પણ રાયચંદભાઇએ (શ્રીમદ્દ રાજચંદ્ર) જે છાપ મારા પર પાડી તેવી બીજા કોઈ પાડી ન શક્યા. તેમની પ્રામાણિકતા વિશે માન હતું, હું જાણતો હતો કે તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે, આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો હતો.

શ્રીમદ્દ રાજચંદ્ર બાળપણથી જ તેજસ્વી હતા. માત્ર બે વર્ષમાં ગુજરાતી સાત ચોપડીનો અભ્યાસ પૂર્ણ કરી દીધો હતો. સાત વર્ષની વયે જ તેમને જાતિ સ્મરણ થયું હતું. જાતિસ્મરણ એટલે પૂર્વના એક કરતાં વધુ ભવોનું જ્ઞાન. તેઓ શીઘ્ર કવિ પણ હતા. આઠ વર્ષની વયથી કવિતા રચવાની શરૂઆત કરી અંદાજે 5 હજાર કડીઓ રચેલી. નવ વર્ષની ઉંમરે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું અવલોકન કરી કાવ્યમાં ગૂંથવાની અસાધારણ પ્રતિભા સાધ્ય કરી હતી. શ્રીમદ્દ રાજચંદ્રજીની આધ્યાત્મિક જીવન સફરમાં ઇડરની મહત્વની ભૂમિકા છે. તેમના જીવનકાળમાં ચાર વખત ઇડર આવ્યા હતા.

વિક્રમ સંવત 1952માં પ્રથમ વખત આવ્યા અને દસ દિવસ રોકાયા હતા. ત્યાર બાદ વિ.સં. 1953માં વૈશાખ માસમાં, ત્રીજી વખત વિ.સં. 1955માં માગશર સુદ બીજના દિવસે આવી ત્રણ માસ રોકાયા અને તે વર્ષે જ ફરીથી આવી 12 દિવસ રોકાયા હતા. આ બધી જ વિગતો અર્ધશતાબ્દિ ગ્રંથમાં નોંધી છે. અહીંની એક વિશાળકાય શીલા જેને તેઓ સાધ્યશીલા કહેતા, તેની ઉપર બેસીને ઉત્તર ધ્યાનસૂત્ર અને સંપૂર્ણ દ્રવ્ય સંગ્રહના ત્રીજા પ્રકરણની પ્રથમ ગાથાનું વાંચન કરતા હતા.

સંવત 1955માં ઇડર મહારાજા સાથે થયેલો સંવાદ
વિક્રમ સંવત 1955માં ઇડર મહારાજા એકવાર શ્રીમદ્દ રાજચંદ્રજીને મળ્યા હતા અને સાહજિક રીતે ઉત્તર પ્રદેશ વિશે તેમનો અભિપ્રાય પૂછ્યો હતો. શ્રીમદ રાજચંદ્રજીએ પ્રત્યુત્તર આપ્યો કે હે રાજા, આ તમારા ઈડરિયા ગઢની દરેક શીલા સિદ્ધશીલા છે.

તપોભૂમિ પર આવેલ દેરાસરો, રણમલ ચોકી, વેણી વચ્છરાજ કુંડ, દિવ્ય ગુફાઓ, અમૂલ્ય ઔષધિઓ આ તમામ તમારા પ્રદેશની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિનો પુરાવો છે. તેઓ આગળ કહે છે, જૈનોમાં ચોવીસ તીર્થંકરો થયા, તેમાંના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી અને તેમના શિષ્યો આ નીજભૂમિ પરથી વિચરેલા. જેમાંથી એક પાછળ રહી ગયેલા જેનો જન્મ આ કાળમાં થયો છે (પોતાના માટે સંકેત) જેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે.

અન્ય સમાચારો પણ છે...