તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણકાર્ય:વર્ગખંડમાં 50 ટકા છાત્રો સાથે 2 સપ્ટે.થી ધો-6 થી 8નું શિક્ષણ શરૂ

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠાની 700થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ-ખાનગી શાળાઓમાં 55268 છાત્રોનુ ફરીથી શિક્ષણકાર્ય શરૂ થશે
  • 5 મહિનાના અંતરાલ બાદ 14 માસમાં બીજી વખત શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવાના નિર્ણયથી વાલીમાં આનંદ

રાજ્યના શિક્ષણમંત્રીએ બુધવારે ધો-6 થી 8 ના ઓફલાઈન વર્ગો 2 સપ્ટેમ્બરથી ચાલુ કરવાનો નિર્ણય જાહેર કરતા સાબરકાંઠા જિલ્લાની 700થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ-ખાનગી શાળાઓમાં 55268 વિદ્યાર્થીઓનુ 14 માસમાં બીજી વખત 5 મહિનાના અંતરાલ બાદ ફરીથી શિક્ષણકાર્ય શરૂ થનાર છે જેને પગલે વાલીઓમાં પણ આનંદની લાગણી પેદા થઈ છે.

છેલ્લા બે એક માસથી કોરોના સંક્રમણ લગભગ પૂરું થઈ ગયું છે અને 14 માસથી ઓફલાઈન શિક્ષણથી લગભગ વંચિત રહેલા બાળકોના વાલીઓ દ્વારા પણ ધો-9 થી 12 નુ ઓફલાઇન શિક્ષણ શરૂ થયા બાદ ધો-6 થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા માંગ થઇ રહી હતી. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ ધો-6 થી 8 નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા વિચારણા ચાલી રહી હતી અને બુધવારે શિક્ષણમંત્રીએ ધો-6 થી 8નું ઓફલાઈન શિક્ષણકાર્ય 2 જી સપ્ટેમ્બરથી એસઓપીના અમલ સાથે ચાલુ કરવાની જાહેરાત કરતા જિલ્લાના 55268 વિદ્યાર્થીઓનું માર્ચ માસ બાદ ફરીથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થશે. નોંધનીય છે કલાંબા અંતરાલ બાદ 50 ટકાની હાજરી સાથે શિક્ષણકાર્ય શરૂ કરી રહ્યા છે ત્યારે તેમને નિયમિત શિક્ષણની સ્થિતિમાં લાવવા શિક્ષકોને જહેમત ઉઠાવવી પડશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરીએ જણાવ્યું કે એસ.ઓ.પી. મળ્યા બાદ શાળા સંચાલકો અને આચાર્યોને સૂચના આપવામાં આવશે. માર્ચ માસમાં પણ ધો-6 થી 8ના બાળકોનુ શિક્ષણકાર્ય શરૂ કરાયું હતું જેથી મોટા ભાગે કોઇ સમસ્યા નહીં આવે પરંતુ શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય શરૂ કરવાના પ્રારંભે બાળકોને શિક્ષણની લયમાં લાવવા પ્રયાસ કરાશે.

માધ્ય. અને ઉ.માધ્ય.માં SOPની 85 ટકાથી વધુ હાજરી
ધો-9 થી 12 માં 50 ટકા હાજરીની એસઓપી મુજબ ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ ગયું છે અને કોઈ આજુગતો બનાવ બન્યો નથી. જિલ્લા શિક્ષણાધિકારી એસ.કે.વ્યાસે જણાવ્યું કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં એસઓપીની 85 ટકાથી વધુ હાજરી સાથે ઓફલાઇન શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલી રહ્યું છે વાલીઓ પણ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ જતા સંતુષ્ટ છે.

શિક્ષકના સાક્ષાત્કાર વગર અભ્યાસનો કોઈ મતલબ નથી : છાત્રા
ધો-ની વિદ્યાર્થીની કૈલાશ વણઝારાએ જણાવ્યું કે ધો-9 થી 12નું ઓફલાઇન અભ્યાસકાર્ય લાંબા સમયથી ચાલી રહ્યું છે અત્યાર સુધી કોઈ અજુગતો બનાવ બન્યો નથી. શિક્ષકના સાક્ષાત્કાર વગર અભ્યાસનો કોઈ મતલબ નથી. મને કોઈ ડર નથી શુ તકેદારી રાખવી તેની ખબર છે."

ધો-6 થી 8 માં પ્રતિવર્ષ સરેરાશ 1 હજાર વિદ્યાર્થીનું પલાયન
સાબરકાંઠા જિલ્લાની ગ્રાન્ટેડ, સરકારી ખાનગી શાળાઓમાં ધો-6 થી 8 માં 55,268 વિદ્યાર્થી નોંધાયા છે. ધો-6 માં 19285 વિદ્યાર્થી છે જે ધો-8 માં આવતા આવતા 17006 થઈ જાય છે. પ્રતિવર્ષ સરેરાશ 1 હજાર વિદ્યાર્થી અભ્યાસ છોડી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે જે મોટી ચિંતાજનક બાબત છે. ધો-7માં 18977 વિદ્યાથી છે.

ઓફલાઇન શિક્ષણના નિર્ણયથી વાલીઓના નિવેદન
વહેલા નિર્ણય લઈ લેવાની જરૂર હતી

મારી એક દીકરી અને એક ભત્રીજો ધો-8માં છે સવા વર્ષથી વર્ગ ખંડ અભ્યાસ બંધ છે બાળકોનું શૈક્ષણિક ભાવિ રૂંધાઇ રહ્યું છે શાળાઓ આમ પણ ફી વસૂલી રહી છે ઓનલાઈન શિક્ષણનો ઝાઝો મતલબ રહેતો નથી સારો નિર્ણય છે વહેલા નિર્ણય લઈ લેવાની જરૂર હતી.> ઈરફાન બલોચ

સમય વેડફ્યા પછી હજુ થોડી રાહ જોઈશું
મારો ભાણો અને ભત્રીજી ધો-6માં તથા ભત્રીજો ધો-7માં અભ્યાસ કરે છે આટલો સમય વેડફયા પછી હજુ થોડી રાહ જોઈશું અત્યારે શાળામાં મોકલવામાં થોડો ખચકાટ છે.શાળા સંચાલકો દ્વારા કેવી વ્યવસ્થા અને કેર લેવાય છે તે જોઈને બાળકોને મોકલવા નિર્ણય લઈશું. >દશરથભાઈ, વાઘાજી વણઝારા

ઓનલાઈન શિક્ષણથી બાળકો પણ કંટાળ્યા
ઓનલાઈન શિક્ષણથી હવે બાળકો પણ કંટાળી ગયા છે. મારૂ સંતાન ધો-8માં છે. શાળાકીય શિક્ષણ વગર બધું નકામું છે બાળક ઘેર બેસી રહેશે તો ભણવાની આદત જ છૂટી જશે. શાળા સંચાલકો પર વિશ્વાસ મૂકીને ઓફલાઇન અભ્યાસ માટે મોકલશું. >કરશનભાઇ

બાળકોની અભ્યાસની ટેવ છૂટી જાય તેવી સ્થિતિ છે
મારી પુત્રી અને ભત્રીજી બન્ને ધો-6માં અભ્યાસ કરે છે તમામ વાલીઓ શાળાઓ ચાલુ થાય તેવું ઈચ્છી રહ્યા છે અત્યારે કોરોનાના કેસ નથી તો શાળાઓ ચાલુ થવી જ જોઈએ બાળકોની અભ્યાસની ટેવ છૂટી જાય તેવી સ્થિતિ છે.છઠ્ઠામાં ભણતું બાળક ઓનલાઈન અભ્યાસથી પાવરધુ થઈ જતું હોત તો શાળામાં મોકલી ફી ભરવાનો મતલબ જ ન રહેત. અમે શાળા શરૂ થવાની રાહ જ જોઈ રહ્યા હતા" >ભંવરલાલ મોદી

અન્ય સમાચારો પણ છે...