ભાસ્કર વિશેષ:રસીનો સીધો ફાયદો, આ વર્ષે સાબરકાંઠામાં 19 દિવસમાં 193 કેસ, 8 દાખલ, એકેય મોત નહીં

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે સા.કાં.માં 20 દી'માં 129 કેસ, તમામ દાખલ, 23 મોત

છેલ્લા બે સપ્તાહથી કોરોનાની નવી લહેર શરૂ ગઇ ગયાનો અનુભવ થઇ રહ્યો છે. ચોમેરથી હળવા લક્ષણો ધરાવતુ સંક્રમણ હોવાની ચર્ચા થઇ રહી છે પરંતુ છેલ્લી બે લહેર દરમિયાન સર્જાયેલ સ્થિતિ અને આંકડાની તુલના કરીએ તો ગત વર્ષે સાબરકાંઠામાં કોરોના પોઝિટિવ થયેલામાં એન્ટી બોડી ડેવલપ થઇ ગયા છે અથવા વેક્સિન લીધું છે જેના કારણે વાયરસની ઘાતકતા ઓછી અનુભવાતી હોવાનુ બહાર આવ્યુ છે જેમાં સાબરકાંઠા જિલ્લામાં આ વખતે એક પણ વ્યક્તિને કોરોના રિપિટ થયો નથી તથા સંક્રમિત 193 પૈકી 19 બાળકોને બાદ કરતા 168 જણાંએ વેક્સિન લીધેલી છે.

સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષે જાન્યુઆરીમાં 135, ફેબ્રુઆરીમાં 102 અને માર્ચ માસમાં 20 દિવસમાં 120 કેસ નોંધાયા હતા અને ત્યારબાદ કોરોનાની ઘાતક અસર શરૂ થઇ હતી. માર્ચ - 21 માં 1 લી થી 20 તારીખ દરમિયાન નોંધાયેલ 129 કેસ પૈકી તમામને સારવાર અર્થે દાખલ કરાયા હતા તે પૈકી 32 ને ઓક્સિજન, 21 ને બાઇપેપ અને 11 ને વેન્ટીલેટરની જરૂર પડી હતી અને સારવારના આ સમયગાળામાં 23 વ્યક્તિના મોત નિપજ્યા બાદ ભયાવહ સમય શરૂ થયો હતો. આ વર્ષે 23 - 24 ડિસેમ્બરથી કોરોનાની નવી લહેર શરૂ થયા બાદ 19 દિવસમાં 193 કેસ નોંધાયા છે ગત વર્ષની સરખામણીએ સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે.

પરંતુ ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે કુલ 193 દર્દીઓ પૈકી 60 વર્ષથી ઉપરના 35 અને 50 થી 59 વર્ષના 43 વ્યક્તિને કોરોના થવા છતાં આ વયજૂથમાં માત્ર ત્રણ વ્યક્તિને સારવાર અર્થે દાખલ કરવાની જરૂર પડી હતી તેમાં એકને કોરોના મુક્ત જાહેર કરાયેલ છે. કુલ 193 જણા સંક્રમિત થવા છતાં માત્ર 8 વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ ઓક્સિજન, બાઇપેપ કે વેન્ટીલેટરની જરૂર પડી નથી. 16 બાળકો કે જેમને વેક્સિન નથી અપાઇ તે પણ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ અને સ્ટેબલ છે.

તમામ આંકડા દર્શાવી રહ્યા છે કે વેક્સિન લેનાર તમામ દર્દીઓને વાયરસની હળવી અસર થઇ છે તથા વેક્સિન અને માસ્ક જ કોરોના કવચ હોવાનું પૂરવાર થઇ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...